લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતા આંતરરાષ્ટ્રીય રૅકેટનો પર્દાફાશ

17 September, 2019 01:54 PM IST  |  મુંબઈ | સમીઉલ્લાહ ખાન

લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતા આંતરરાષ્ટ્રીય રૅકેટનો પર્દાફાશ

આંતરરાષ્ટ્રીય રૅકેટનો પર્દાફાશ

મોંઘીદાટ ભેટ-સોગાદો, લગ્ન અથવા તો વ્યવસાયમાં રોકાણની લાલચ આપીને લોકો સાથે કરવામાં આવતી છેતરપિંડીના એક આંતરરાષ્ટ્રીય રૅકેટનો આરે પોલીસે પર્દાફાશ કર્યો છે.

ગયા સપ્તાહે આરે પોલીસે આ જ પ્રકારના છેતરપિંડીના કેસમાં એક નાઇજીરિયન નાગરિકની ધરપકડ કરી હતી અને તેણે ગુનાની કબૂલાત પણ કરી હતી, પરંતુ તેણે ગૅન્ગના અન્ય સભ્યોની વિગતો આપી ન હતી.

પોલીસે આરોપી પાસેથી જપ્ત કરેલાં ગેજેટ્સમાંથી પુરાવા એકત્રિત કરીને અન્ય બે આરોપીઓ સોનિયા રફિક ખાન (૩૩) અને ઇબુકા જ્હોન (૩૧)ની અનુક્રમે દિલ્હી અને ખારઘર (નવી મુંબઈ)થી ધરપકડ કરી હતી.

આરોપીઓએ આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને દિલ્હીમાં નોંધાયેલા આશરે ૫૦ કેસોમાં તેમની સંડોવણી હોવાનું કબૂલ્યું છે, પણ મોટા ભાગના કેસ મુંબઈ પોલીસમાં નોંધાયા છે. પોલીસે સ્ટિવ નેબુસેલ (૩૭)ને પણ પકડ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર ‘આરોપીઓ સ્ત્રી કે પુરુષ હોવાનો ઢોંગ કરીને સોશ્યલ મીડિયા તથા ડેટિંગ ઍપ્સ પર પીડિતોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા હતા. પછીથી કૉન્ટૅક્ટ નંબરની આપ-લે કરતા. કેટલાક કિસ્સાઓમાં આરોપીઓએ વગદાર પરિવારોના સભ્યો હોવાનો ડોળ કરીને અપરિણીત સ્ત્રી-પુરુષને લગ્નની દરખાસ્ત કરી હતી. ત્યાર બાદ આરોપીઓ તેમને મોંઘી ભેટ-સોગાદો મોકલીને પછીથી કસ્ટમ્સ વગેરેએ રાખેલી ગિફ્ટને છોડાવવા માટે પૈસાની માગણી કરતા. બીજી કાર્ય પદ્ધતિ તેમણે આકર્ષક વ્યવસાય શરૂ કરવા માટે ભાગીદાર શોધી રહ્યા હોવાની અપનાવી હતી.

આ પણ વાંચો : મુંબઈમાં ભરાતાં વરસાદી પાણીની સમસ્યા ઉકેલવા જપાનની મદદ લેવાશે

ડીસીપી ડી. એસ. સ્વામી અને સિનિયર ઇન્સ્પેક્ટર નૂતન પવારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રૅકેટનો પર્દાફાશ કર્યો છે એમ આરે પોલીસ સ્ટેશનના પીએસઆઇ અવધૂત વાદિકરે જણાવ્યું હતું.

mumbai news samiullah khan Crime News mumbai crime news