નોકરીની લાલચ આપીને 1.4 કરોડની છેતરપિંડી કરનાર બે નાઇજિરિયનની ધરપકડ

24 October, 2019 12:07 PM IST  |  મુંબઈ | સમીઉલ્લા ખાન

નોકરીની લાલચ આપીને 1.4 કરોડની છેતરપિંડી કરનાર બે નાઇજિરિયનની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં બંધ પડેલા એક અખબારના ભૂતપૂર્વ કર્મચારી મનોજ કાશીકરને ઑસ્ટ્રીયામાં નોકરીની લાલચ આપીને ૧.૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા બે નાઇજિરિયન્સ ૩૪ વર્ષના ડિયોનોગ મોહમ્મદ અને ૨૯ વર્ષની મહિલા મુસા હૅલિમેટની મલાડ પોલીસ સ્ટેશને ગઈકાલે ધરપકડ કરી હતી. ૩૮ વર્ષના મનોજ કાશીકરે અગાઉની નોકરી ગુમાવ્યા પછી દર મહિને ૫૦૦૦ ડૉલર પગાર અને ૭૫,૦૦૦ ડૉલર ગિફ્ટ જેવું ધરખમ વળતર આપતી નોકરી માટે જૉબ રિક્રુટમેન્ટ પોર્ટલ દ્વારા ઑસ્ટ્રીયામાં ઑનલાઇન અરજી કરી હતી. એ નોકરી મેળવવા માટે કાશીકરે આઠ મહિનામાં ૩૫ ટ્રાન્ઝેક્શન્સમાં ૧.૪ કરોડ રૂપિયા ભર્યા હતા. એ રકમ માટે મનોજે ઘર વેચવા ઉપરાંત ફિક્ડ ડિપોઝિટ્સ તોડી અને સગાં-મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા.

ઑનલાઇન અરજીના જવાબમાં ગયા માર્ચ મહિનામાં મનોજ કાશીકરને હૈદર વિલિયમ્સ તરફથી ઇ-મેઇલ અને વૉટ્સઍપ મેસેજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એનો બાયો ડેટા રગ્ગલ ગૃપ ઑફ હોટલ ઇન્ડસ્ટ્રીઝમાં અસિસ્ટન્ટ સેક્રેટરીની નોકરી માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યો છે. એને વિઝા માટે પ્રોસેસિંગ ફી રૂપે તથા અન્ય દસ્તાવેજોના ખર્ચ માટે ૨૦,૦૦૦ રૂપિયા ભરવાની સૂચના આપવામાં આવી હતી. પૈસા મોકલવા માટે એઅને બૅન્કના ખાતાનો નંબર પણ આપવામાં આવ્યો હતો. ત્યારપછી ખોટા સરનામાને બહાને પેનલ્ટી રૂપે અને કરવેરા રૂપે વારંવાર પૈસા મંગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : રોષે ભરાયેલા બિલ્ડિંગના રહેવાસીઓએ રાહેજા ક્લબના ગેટ સામે કચરો ઠાલવ્યો

પરંતુ કેટલાક વખત પહેલાં સિક્યૉરિટી એજન્સીઝે મનોજનો સંપર્ક સાધીને ઑસ્ટ્રીયામાં નોકરીને નામે ચાલતા છેતરપિંડીના કૌભાંડની જાણ કરી હતી. ત્યારપછી મનોજે મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. દિલ્હીના કેટલાક રહેવાસીઓ સાથે છેતરપિંડી માટે તેલંગણ પોલીસના સાઇબર સેલે ઉક્ત બે નાઇજિરિયન્સની ધરપકડ કરી હોવાથી મનોજની વિગતો પણ એમને જાણવા મળી હતી. મલાડ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તેલંગણ જઇને ઉક્ત નાઇજિરિયન અપરાધીઓને તાબામાં લીધા હતા. બન્નેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મેજિસ્ટ્રેટે એમને ૨૬ ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

malad mumbai crime news samiullah khan