મુંબઈ: પોલીસ-સ્ટેશનની દીવાલોને બનાવ્યું સામાજિક સંદેશનું માધ્યમ

11 January, 2019 07:45 AM IST  |  મુંબઈ | Priti Khuman Thakur

મુંબઈ: પોલીસ-સ્ટેશનની દીવાલોને બનાવ્યું સામાજિક સંદેશનું માધ્યમ

યુવાનો દેખાડે છે દિશા : મીરા-ભાઈંદરની પોલીસ-ચોકી પર વિવિધ સામાજિક સંદેશાઓ આપતાં પેઇન્ટિંગ્સ દોરી રહેલા મલાડની કૉલેજના સ્ટુડન્ટ્સ. તસવીર : પ્રીતિ ખુમાણ ઠાકુર

‘ચિયર્સ ટર્ન ઇન ટુ ટિયર્સ’ જેવા ભાવુક સંદેશ સાથે સામાજિક, ટ્રાફિકના નિયમ, પર્યાવરણની સુરક્ષા જેવા વિવિધ મુદ્દાઓ પર સામાજિક જનજાગૃતિ ફેલાવતા સંદેશાઓ મીરા-ભાઈંદર શહેરની પોલીસ-ચોકી પર પેઇન્ટિંગ્સના માધ્યમથી જોવા મળી રહ્યા છે અને એ માટેનું શ્રેય મલાડની એક કૉલેજના સ્ટુડન્ટ્સને આપવું પડે.

ગોરેગામની રેવલ્યુટર્સ ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થાએ મલાડની ઘનશ્યામદાસ સરાફ કૉલેજના સ્ટુડન્ટ્સની મદદથી આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. મીરા-ભાઈંદર શહેરનાં છ પોલીસ-સ્ટેશન છે અને એના અંતર્ગત વિવિધ ઠેકાણે પોલીસ-ચોકી પણ આવેલી છે. આ પોલીસ-ચોકીની દીવાલો પર પર્યાવરણની સુરક્ષા બાબતે, સ્વચ્છતા બાબતે અને ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવ ન કરવું, હેલ્મેટનો ઉપયોગ કરવો, ટ્રાફિકના નિયમ પાળવા જેવા વિષયો પર અને ટ્રાફિકના નિયમ તોડવાને કારણે થતાં પરિણામો પર કાવ્યરૂપમાં રંગબેરંગી સંદેશાઓ આપવામાં આવ્યા છે. ૧૦ સ્ટુડન્ટ્સનું એક ગ્રુપ એમ પાંચ ગ્રુપ એટલે ૫૦ સ્ટુડન્ટ્સ કૉલેજના સમય પર મીરા-ભાઈંદર શહેરમાં આવીને દીવાલો પર સામાજિક સંદેશાઓ પેઇન્ટ કરી રહ્યા છે. નાગરિકો ફક્ત સંદેશ વાંચે જ નહીં, પણ એનું પાલન પણ કરે એવી અપેક્ષા રાખીને સ્ટુડન્ટ્સ કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો : મુંબઈ: ટિળકનગરમાં બનાવો ફાયર-સ્ટેશન

આ સ્ટુડન્ટ્સના ગ્રુપના એક સ્ટુડન્ટ રાહુલ ગુપ્તાએ કહ્યું હતું કે ‘આ પહેલાં અમે ગોરેગામ, દહિસર, બોરીવલી સ્ટેશનના બ્રિજ પર સાફસફાઈ કરીને પેઇન્ટિંગ્સ કર્યાં છે. મીરા-ભાઈંદર પરિસરમાં થઈ રહેલા ઍક્સિડન્ટ્સને ધ્યાનમાં લઈને અમે આ કામ કરી રહ્યા છીએ. અમારી મહેનત ત્યારે ફળશે જ્યારે લોકો આ સંદેશાઓને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમલ કરશે.’

mira road bhayander mumbai news