સાકીનાકા આગ દુર્ઘટના: જોગેશ્વરીના ગુજરાતી યુવકનો ત્રણ દિવસથી પત્તો નથી

30 December, 2019 01:35 PM IST  |  Mumbai

સાકીનાકા આગ દુર્ઘટના: જોગેશ્વરીના ગુજરાતી યુવકનો ત્રણ દિવસથી પત્તો નથી

પ્રતીકાત્મક તસવીર

સાકીનાકામાં ખૈરાની રોડ પર આવેલી બામ્બુ ગલીમાં લાગેલી ભીષણ આગને ત્રણ દિવસ વીતી ગયા પછી પણ જોગેશ્વરીના ૪૨ વર્ષના ગુજરાતી યુવકનો ક્યાંય પત્તો નથી લાગતો. યુવકનો પરિવાર છેલ્લા ત્રણ દિવસથી ઘટનાસ્થળે જઈને તેની શોધખોળ કરી રહ્યો છે, પણ તેઓને નિરાશા જ સાંપડી હતી. બીજી બાજુ કોઈ મળ્યું ન હોવાનું ફાયરબ્રિગેડ અને શોધ ચાલી રહી છે એવું ગાણું પોલીસ ગાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાકીનાકાની આગમાં બે જણનાં મોત થયાં છે.

જોગેશ્વરી-ઈસ્ટના નટવરનગમાં રહેતા અને ૨૫ દિવસ પહેલાં જ સાકીનાકામાં ખૈરાની રોડ પર આવેલી એક ગાર્મેન્ટ કંપનીમાં પ્રતાપ રમેશચંદ્ર ઠક્કર (કારિયા) જોડાયો હતો. ત્રણ દિવસ પહેલાં આ વિસ્તારમાં લાગેલી આગમાં હજી સુધી પ્રતાપભાઈની ભાળ મળી ન હોવાથી ઠક્કર પરિવાર ચિંતામાં ડૂબી ગયો હતો. ફાયર અને પોલીસ વિભાગ તરફથી સંતોષકારક જવાબ મળતો ન હોવાને કારણે તાણમાં મુકાયેલા પ્રતાપભાઈના મોટા ભાઈ સુરેશભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રતાપ પહેલાં જોગેશ્વરીમાં જ બારદાનનો નાનો-મોટો બિઝનેસ કરી લેતો હતો, પણ અત્યારે મંદી ચાલી રહી હોવાથી બિઝનેસમાં કોઈ ભલીવાર ન રહ્યો હોવાને કારણે પ્રતાપ ૨૫ દિવસ પહેલાં જ સાકીનાકાની ગાર્મેન્ટ કંપનીના પૅકેજિંગ વિભાગમાં જોડાયો હતો. દરરોજ જોગેશ્વરી અપ-ડાઉન કરવું ફાવે એમ ન હોવાથી ઘાટકોપરની ભટવાડીમાં રહેતી મારી બહેનના જ ઘરે રોકાઈ જતો હતો. ગુરુવારે સાંજે સવાસાત વાગ્યે મારી બહેને મને ફોન કરીને આગ લાગી હોવાની જાણ કરી હતી. મને એ સમયે જ ખાતરી થઈ ગઈ હતી કે પ્રતાપ જ્યાં કામ કરતો હતો એ જ જગ્યાએ આગ ભભૂકી હશે. હું, મારા પપ્પા અને મારો કઝિન તાબડતોબ ઘાટકોપર રવાના થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી અમે અહીં આખો વિસ્તાર ફેંદી વળ્યા, પણ અમને તેની કોઈ ભાળ મળી નથી. ફાયરબ્રિગેડમાં તપાસ કરી તો કહે છે અમને કોઈ મળ્યું નથી અને પોલીસ કહે છે કે અમે તેની શોધ ચલાવી રહ્યા છીએ. જોકે અમે પ્રતાપ મિસિંગ થયો હોવાની ફરિયાદ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં કરી છે.’

પ્રતાપ ઠક્કર અપરિણીત છે, પણ તેમનાં મમ્મી-પપ્પાને તેઓ ગુમ થયા ત્યારથી ઘણી ફિકર થઈ રહી છે. સાકીનાકાની આગની ઘટનાને ત્રણ-ત્રણ દિવસ વીતી ગયા પછી પણ પ્રતાપભાઈનો કોઈ પત્તો નથી લાગી રહ્યો ત્યારે ઠક્કર પરિવાર અંધારામાં છે કે પ્રતાપને આખરે થયું છે શું? તેની ભાળ નથી મળી રહી ફાયર વિભાગને કે નથી પોલીસને.

ચાર જણ સામે ગુનો નોંધાયો, ત્રણની ધરપકડ

ગુરુવારે સાકીનાકાની બામ્બુ ગલીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં સાકીનાકા પોલીસે ભારતીય દંડસંહિતાની વિવિધ કલમો હેઠળ ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જ્વલનશીલ પદાર્થ હોવાની જાણ હોવા છતાં એ રાખવામાં આવ્યો હતો અને એને કારણે આગ લાગતાં બે જણનાં મોત માટે જવાબદાર ગણાવીને પોલીસે મથુરાદાસ તુલસીરામ ભદ્રા, ઉદયલાલ ગોરી અને ખેમસિંગ રાજપૂતની ધરપકડ કરી હતી, જ્યારે પોલીસ આ કેસમાં ફરાર પ્રતાપ પુરુષોત્તમ ગોરીની શોધખોળ કરી રહી છે.

sakinaka mumbai news