રાજેશ મારુના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું કોર્ટનું ફરમાન

18 September, 2019 07:34 AM IST  |  મુંબઈ | રૂપસા ચક્રવર્તી

રાજેશ મારુના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું કોર્ટનું ફરમાન

રાજેશ મારુ

નાયર હૉસ્પિટલમાં એમઆરઆઇ મશીનમાં ફસાઈ જવાને કારણે મૃત્યુ પામેલા લાલબાગના ૩૩ વર્ષના યુવક રાજેશ મારુના પરિવારને ૨૦ મહિના બાદ આખરે ન્યાય મળ્યો હતો. હાઈ કોર્ટે નાયર હૉસ્પિટલને જવાબદાર ઠેરવીને મહાપાલિકાને મારુ પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વચગાળાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. મારુ પરિવાર સંપૂર્ણ રીતે રાજેશ પર નિર્ભર હતો અને આખરે હાઈ કોર્ટે વળતર આપવાનો આદેશ આપતાં પરિવારને મોટી રાહત મળી હતી.

મારુના એક સંબંધી હરીશ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અગાઉ કોર્ટે પાંચ લાખ રૂપિયાનું વળતરઆપવાનો આદેશ આપ્યો હતો, પણ આટલું વળતર પૂરતું નહોતું. હવે હાઈ કોર્ટે ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપતાં અમે ઘણા ખુશ છીએ.’

મુંબઈની નાયર હૉસ્પિટલના એમઆરઆઇ મશીનમાં ફસાઈને ૩૨ વર્ષના કચ્છી યુવક રાજેશ મારુએ જીવ ગુમાવ્યાના ૨૦ મહિના બાદ હાઈ કોર્ટે મહાપાલિકાને વચગાળાના વળતર રૂપે ૧૦ લાખ રૂપિયા આપવાનો આદેશ આપતાં મારુ પરિવારને ઘણી રાહત થઈ હતી.

ફેબ્રુઆરી, ૨૦૧૮માં રાજેશ મારુનું એમઆરઆઇ મશીનમાં ફસાવાથી વિચિત્ર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માત માટે મહાપાલિકા સંચાલિત નાયર જવાબદાર હોવાનું જણાવી મારુ કુટુંબે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. આ પ્રકરણમાં ચુકાદો આપતાં મારુ કુટુંબને ૧૦ લાખ રૂપિયાની નુકસાની ભરપાઈ આપવાનો આદેશ મુંબઈ મહાપાલિકા પ્રશાસનને હાઈ કોર્ટે આપ્યો હતો. દસ લાખ રૂપિયા પૈકી પાંચ લાખ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખવા અને બાકીના પાંચ લાખ રૂપિયા છ અઠવાડિયાંમાં કુટુંબને આપવા, એવો આદેશ કોર્ટે આપ્યો હતો.

આ પણ વાંચો : વસઈમાં પાણી ભરેલા ખાડામાં વીજળીનો કરન્ટ લાગતાં ગુજરાતી ગૃહિણીનું મૃત્યુ

૨૦ મહિના પહેલાં બનેલી ઘટના અનુસાર રાજેશ મારુ ઑક્સિજનનું સિલિન્ડર લઈને એમઆરઆઇ વિભાગમાં ગયો હતો. સિલિન્ડર અંદર લઈ જવામાં આવ્યું ત્યારે વોર્ડ બોય કે પછી સંબંધિત ડૉક્ટરે કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવ્યો નહોતો. આને કારણે અંદર શું થઈ રહ્યું હતું એ વિષે કોઈ પણ પ્રકારની કલ્પના ન થતાં રાજેશ મારુનું વિચિત્ર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સિલિન્ડર અંદર લઈને ગયેલો મારુ મશીનના લોહચુંબકને કારણે ખેંચાઈ ગયો હતો. આને કારણે તે મશીનમાં અટકી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.

nair hospital bombay high court mumbai news rupsa chakraborty