મુંબઈઃ ભાઈંદરનો ટ્રાન્સજેન્ડર વિશાલ વ્યંડળ સમુદાયમાં સામેલ થશે

15 August, 2019 02:14 PM IST  |  મુંબઈ

મુંબઈઃ ભાઈંદરનો ટ્રાન્સજેન્ડર વિશાલ વ્યંડળ સમુદાયમાં સામેલ થશે

તરાના પાટીલ

પરિવારે ત્યજી દીધેલો અર્ધ-સ્ત્રી અવસ્થા (ટ્રાન્સજેન્ડર વુમન)નો વિશાલ દેવળેકર બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ માટે બચત કરી રહ્યો છે. ગઈ કાલે એ ૧૮ વર્ષનો થતાં વ્યંડળ સમુદાયમાં દાખલ થવાની ધાર્મિક વિધિ માટે લાયક બનશે અને બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી પણ કરાવી શકશે. ‘તરાના’ નામે ઓળખાતો વિશાલ હાલ ભાઈંદરની શંકર નારાયણ કૉલેજમાં ભણે છે.

જન્મદિને ખુશખુશાલ તરાનાએ કહ્યું કે ‘મારા જીવનમાં આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. મારો પરિવાર હોવા છતાં હું એકલી છું, પરંતુ મને ચાહતા લોકો મારી આસપાસ છે એથી હું ખુશ છું. માતા-પિતાએ મારી કોઈ કાળજી રાખી નથી અને મારે એમની ઇચ્છા પર નિર્ભર રહેવાનું નથી.’

પોતાનામાં સ્ત્રીનાં લક્ષણો હોવાનું માનતી તરાના વ્યંડળ સમુદાયના આગેવાન (ટ્રાન્સજેન્ડર ઍક્ટિવિસ્ટ અને ઍક્ટર) ‘ગુરુજી’ ભાવિકા ભાવેશ પાટીલના સંપર્કમાં આવ્યા બાદ ઘણી બદલાઈ ગઈ. એનામાં વ્યંડળ રૂપે જીવવાનો આત્મવિશ્વાસ આવ્યો છે. પુરુષની શારીરિક સ્થિતિ ત્યજવાની તૈયારીરૂપે તરાનાએ ચહેરા પરથી વાળ કઢાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તરાનાના ચહેરા પરથી વાળ કઢાવવાની હેર-રિમુવિંગ પ્રોસિજર તથા અન્ય ઉપચારોનો ખર્ચ ‘ગુરુજી’ કરે છે. ગુરુજી ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર બૅન્ડ ‘સિક્સ પૅક’માં ગાયક છે. ચહેરા પરથી વાળ કઢાવવાની પ્રોસિજરના ત્રણ સેશન્સનો ખર્ચ ૨૪ હજાર રૂપિયા થયો અને હજુ પાંચ સેશન્સ બાકી છે. હવે તરાના બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ માટે પૈસા ભેગા કરવા ભાઈંદરની શંકર નારાયણ કૉલેજ પાસેની ગણેશમૂર્તિની કાર્યશાળામાં કામ કરે છે.

એક દુકાનમાં જ્વેલરી ડિઝાઇન કરે છે. તરાના કહે છે કે ‘દુકાનદાર મને જ્વેલરી ડિઝાઇનિંગના મહિને ૩૦૦૦ રૂપિયા વેતન ચૂકવે છે. એ રકમ મારા રોજિંદા ખર્ચ પછી બચત માટે ઓછી પડે છે, પરંતુ અનેક દુકાનદારોએ મને કાઢી મૂક્યા પછી મને ગણેશમૂર્તિના કારખાનામાં કામ આપવા બદલ હું ‘દાદા’ એટલે કે કારખાનાના માલિકની આભારી છું. હવે ધીરે ધીરે આ કામની સાથે બીજાં કામ પણ કરીને જરૂરી પૈસા ભેગા કરવાનો મેં નિર્ધાર કર્યો છે.’

તરાનાને બાળપણથી છોકરીઓ સાથે રમવાનું અને છોકરીઓના કપડાં પહેરવા અને એવો મેક-અપ કરવાનું ખૂબ ગમતું હતું. નાની ઉંમરમાં જ્યારે હોમોસેક્સયુઆલિટી વિશે કંઈ ખબર નહોતી ત્યારે પાડોશના એક છોકરાએ એનું જાતીય શોષણ શરૂ કર્યું હતું. થોડાં વર્ષો પછી એક સગાંએ પણ પાંચ વર્ષ સુધી જાતીય શોષણ કર્યું હતું. વળી વિશાલ ઉર્ફે તરાના જ્યારે પોતાની સ્ત્રીત્વની ઝંખના વિશે વાત કરે ત્યારે કુટુંબીજનો એને માનસિક રોગી કહીને ધીબેડી નાખતા હતા. કુટુંબીજનોએ વિશાલના સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન વિશે ડૉક્ટરને પૂછ્યું ત્યારે ડૉક્ટરે કહ્યું કે ‘આ માનસિક વિષય છે.’

આ પણ વાંચો :મુંબઈ: સાયન બ્રિજના કામનું મુહૂર્ત આવતા મહિને થવાની શક્યતા

વિશાલના આવા વર્તનની ચર્ચા પાડોશીઓએ શરૂ કરતાં એનું કુટુંબ ભાઈંદર છોડીને નાયગાંવ રહેવા જતું રહ્યું હતું. વિશાલને નાયગાંવ રેલવે સ્ટેશનની પાસે કામ કરતાં કેટલાંક વ્યંડળો (ટ્રાન્સજેન્ડર વુમન)નો પરિચય થયો હતો. ૨૦૧૮માં વિશાલ ઉર્ફે તરાનાનો પરિચય ‘ગુરુજી’ સાથે થયો હતો. હવે તરાના ગુરુજી અને અન્ય છ ટ્રાન્સજેન્ડર વુમનની સાથે વિરારમાં રહે છે.

bhayander mumbai news rupsa chakraborty