ડોમ્બિવલીનો આ જૈન યુવાન CSMT દુર્ઘટનામાં માંડ-માંડ બચ્યો

16 March, 2019 12:41 PM IST  |  મુંબઈ | રોહિત પરીખ

ડોમ્બિવલીનો આ જૈન યુવાન CSMT દુર્ઘટનામાં માંડ-માંડ બચ્યો

GT હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલો જયેશ અવલાણી.

ગુરુવારે સાંજે ૭.૩૦ વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લૅટફૉર્મ-નંબર એકની બહારનો ફુટઓવર બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. એ સમયે આ બ્રિજ પરથી અબ્દુલ રહેમાન સ્ટ્રીટ તેના કઝિન પાસે મેડિકલ હેલ્પ લેવા જઈ રહેલો ડોમ્બિવલીનો ૪૫ વર્ષનો જયેશ અવલાણી બ્રિજના સ્લૅબની સાથે જ નીચે પડ્યો હતો. જયેશ અવલાણી હજી ચાર મહિના પહેલાં જ કાર્ડિઍક સમસ્યામાંથી ઊગરીને બહાર આવ્યો છે.

આ બનાવની માહિતી આપતાં GT હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા જયેશ અવલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે સાંજે હું થાણેમાં મારું એક કામ પતાવીને મસ્જિદ બંદર પાસે આવેલી અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં પેન રિપેરિંગ અને નવી પેનનો બિઝનેસ કરતા મારા કઝિન નીલેશ અવલાણી પાસે મેડિકલ હેલ્પ માટે જઈ રહ્યો હતો. ચાર મહિના પહેલાં નીલેશ અવલાણીની દુકાનમાં બેઠો હતો ત્યારે જ મને હાર્ટ-અટૅક આવ્યા બાદ મારે એક સ્ટેન્ટ બેસાડવો પડ્યો હતો. મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી મારે થોડી મદદની જરૂર હતી. જોકે ગુરુવારે તેની દુકાને જઉં એ પહેલાં જ હું બ્રિજની દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. હું બ્રિજ પર જ હતો. હું બ્રિજના સ્લૅબ સાથે જ નીચે રોડના ડિવાઇડર પાસે પડ્યો હતો.

આ પણ વાંચો : મુંબઈ: સ્લૅબ સીમર ઠાકોરના પગ પર પડ્યો, માથા પર પડ્યો હોત તો...

મારા હાથ અને હોઠ પાસેથી લોહી નીકળી રહ્યું હતું. મને કમરમાં પણ દુખાવો થતો હતો. આમ છતાં હું હિંમત કરીને ઊભો થઈને રોડ પાસેની ફુટપાથ તરફ ચાલીને ગયો હતો. ત્યાં ઊભેલી પોલીસ-વૅનમાં મને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાર પછી હૉસ્પિટલમાંથી મારા પરિવારનો સંપર્ક કરીને તેમને બોલાવવામાં આવ્યા હતા. મને હાથમાં, ચહેરા પર અને કમરમાં જબરદસ્ત માર લાગ્યો છે. ચાર મહિનામાં મારી આ બીજી ઘાત હતી જેમાં હું બચી ગયો છું.’

mumbai news chhatrapati shivaji terminus