ટમ્બલરની સાઇઝ ઘટાડો, કરોડો લિટર પાણી બચાવો

06 January, 2020 11:53 AM IST  |  Mumbai Desk | prakash bambhrolia

ટમ્બલરની સાઇઝ ઘટાડો, કરોડો લિટર પાણી બચાવો

આજે દેશ-દુનિયામાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે ત્યારે માત્ર ટમ્બલરની સાઈઝમાં ઘટાડો કરીને વર્ષે લાખો-કરોડો લિટર પાણી બચાવવાનો નવતર પ્રયોગ એક-એક સામાજિક સંસ્થાએ કર્યો છે. આ વિચારથી પ્રેરિત થઈને ગઈ કાલે ૧૫૦૦ પરિવારે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. ૧ લિટર કે એનાથી મોટી સાઈઝના ટમ્બલરને બદલે પોણો લિટર પાણી સમાઈ શકે એવા ટમ્બલરનો ઉપયોગ નહાવા કે શેવિંગ કરવા સહિતનાં કામમાં કરાય તો એક પરિવાર વર્ષે હજારો લિટર પાણી બચાવી શકે છે.

જૈન કરાડ સેવા સંસ્થાન દ્વારા નિરક્ષા જલ બચાવો અભિયાનની શરૂઆત માટેનો પહેલો કાર્યક્રમ ગઈ કાલે મીરા રોડમાં યોજાયો હતો, જેમાં શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવથી માંડીને સામાન્ય પરિવારજનો સામેલ થયા હતા. પાણી બચાવના નવતર પ્રયોગથી સૌ પ્રભાવિત થયા હતા અને તેમણે હવેથી ઘરમાં વપરાતા ૧ લિટર કે તેનાથી મોટી સાઈઝના ટમ્બલરને બદલે પોણો લિટરના ટમ્બલરનો ઉપયોગ કરીને પાણી બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આજના આધુનિક યુગમાં અનેક પરિવારો શાવરથી નહાય છે, પરંતુ આજેય મોટી સંખ્યામાં પરિવારો બાલદી કે ટબમાં પાણી ભરીને પ્લાસ્ટિક કે પતરાંના ટમ્બલરથી શરીર પર પાણી નાખે છે. બજારમાં મળતા મોટા ભાગના પ્લાસ્ટિકના ટમ્બલર ૧ લિટર કે ૧.૨ લિટરના હોય છે. આની સામે ૭૫૦ મિલીલિટર પાણી સમાય એવા ટમ્બલરથી નાહીને પાણીનો બચાવ થઈ શકે એવો વિચાર જૈન કરાડ સેવા સંસ્થાનના અનિલ કરાડને થોડા સમય પહેલાં આવ્યો હતો.
અનિલ કરાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું બહારગામ હતો ત્યારે નહાવા માટે પાણીનો ખૂબ જ વેડફાટ થતો હોવાનું ધ્યાનમાં આવેલું. ૨૦ લિટર પાણીની બાલદી અને ૨ લિટરના ટમ્બલરનો લોકો નહાવા માટે ઉપયોગ કરે છે. શરીર પર સાબુ લગાવીને એક ટમ્બલર પાણી રેડીએ તો બધું પાણી વહી જાય છે. ટમ્બલર બે લિટરનું હોય કે પોણા લિટરનું, શરીર પરનો સાબુ કે મેલ નીકળી જાય છે. બસ, ત્યારથી પાણી બચાવવાનો વિચાર મારા મનમાં આવ્યો. આથી જ ટમ્બલરની સાઇઝમાં ઘટાડો કરીને પ્રયોગ કર્યો છે.’
જૈન કરાડ સેવા સંસ્થાનના અધ્યક્ષ કલ્યાણમલ કરાડે કહ્યું હતું કે ‘અમને ખુશી છે કે અમારી જલ બચાવ ઝુંબેશની શરૂઆતમાં જ ૧૫૦૦થી વધુ પરિવાર જોડાયા છે.’

૧ લાખ ટમ્બલરથી ૩૬.૫૦ કરોડ લિટર પાણી બચે
સંસ્થાન દ્વારા પાણી બચાવ અભિયાનમાં સામેલ થનારાઓને પ્રતિજ્ઞાપત્રની સાથે પોણા લિટરનું પ્લાસ્ટિકનું ટમ્બલર ફ્રીમાં અપાયું હતું. ૧ ટમ્બલરથી વર્ષે ૩૬૫૦ લિટર પાણી, ૧૦૦ ટમ્બલરથી વર્ષે ૩,૬૫,૦૦૦ લિટર પાણી, ૧૦૦૦ ટમ્બલરથી ૩૬,૫૦,૦૦૦ લિટર પાણી અને ૧ લાખ ટમ્બલરથી વર્ષે ૩૬.૫૦ કરોડ લિટર પાણીની બચત થઈ શકે.

mumbai mumbai news