તુંગારેશ્વરમાં આશ્રમનું તોડકામ પૂર્ણ

07 September, 2019 12:59 PM IST  |  મુંબઈ | રંજિત જાધવ

તુંગારેશ્વરમાં આશ્રમનું તોડકામ પૂર્ણ

તુંગારેશ્વર

સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી)ના અધિકારીઓએ અંતે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૩૧ ઑગસ્ટ પહેલાં તુંગારેશ્વરમાં આવેલા બાલયોગી સદાનંદ મહારાજ આશ્રમને તોડવાનું કામ પૂર્ણ કર્યું છે. તુંગારેશ્વરની જગ્યા પર ફરી અતિક્રમણ શક્ય ન બને એ માટે અધિકારીઓએ એક યોજના તૈયાર કરી છે, જે મુજબ તુંગારેશ્વર તરફ જતા બન્ને બાજુના રસ્તાઓ બ્લૉક કરવામાં આવશે. સૂરજ ઢળ્યા પછી કોઈને પણ પ્રવેશ ન કરવા દેવા તથા સમયાંતરે નિયમિત પૅટ્રોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

‘મિડ-ડે’ સાથે વાત કરતાં વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘હિંસાના બનાવો બનવાની આશંકા હોવાને કારણે આશ્રમને તોડી પાડવા માટે તેમણે કલેક્ટર ઑફિસ, એસઆરએફપીએફ તથા પાલઘર પોલીસની સહાય મેળવવી પડી હતી. જોકે આશ્રમ તોડી પાડવાની કામગીરી ઘણી જ શાંત રીતે પૂરી થઈ હતી.’

આ પણ વાંચો : 25 કિલ્લા ભાડે આપવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ

ડિમોલિશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જમીન પર ફરી અતિક્રમણ ન થાય એ માટે વન વિભાગના અધિકારીઓએ પૅટ્રોલિંગ વધારી દીધું છે. વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યા મુજબ આશ્રમ તરફ જતા બન્ને રસ્તાઓ ગેરકાયદે રીતે કાદવથી તૈયાર કરવામાં આવ્યા હતા, જેને અનુસરીને આશ્રમ તરફ જતા ભક્તો સહેલાઈથી આશ્રમ સુધી પહોંચી શકે. જોકે હવે આ બન્ને માર્ગોને કાયમી ધોરણે બંધ કરી દીધા છે.

mumbai news vasai