મેટ્રો કારશેડના સ્થળની આસપાસ 125 મિનિટમાં 143 પક્ષીઓ જોવા મળ્યાં

18 September, 2019 11:37 AM IST  |  મુંબઈ | રંજિત જાધવ

મેટ્રો કારશેડના સ્થળની આસપાસ 125 મિનિટમાં 143 પક્ષીઓ જોવા મળ્યાં

આરે કૉલોની

આરે મિલ્ક કૉલોનીમાં મેટ્રો કાર-ડેપોના સ્થળ નજીક કોઈ વન્યજીવોનો વસવાટ ન હોવાનો સત્તાતંત્રએ દાવો કર્યાના એક સપ્તાહ બાદ, એનજીઓ RAWWના સભ્યોનો અહેવાલ દર્શાવે છે કે જયરાજ નાયક અને તેની ટીમે ૨.૮૪ કિલોમીટરની ત્રિજ્યામાં હાથ ધરેલા ૧૨૫ મિનિટના સર્વેમાં (૨૨ કરતાં વધુ પ્રજાતિઓનાં) ૧૪૩ પક્ષીઓ જોવા મળ્યાં હતાં.

ટીમે સ્વતંત્ર સર્વે હાથ ધરવા માટે રવિવારે આરેમાં મેટ્રો-૩ કાર-ડેપો સાઇટની આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી. પક્ષીપ્રેમી નાયકે રવિવારે સવારે સાત વાગ્યે રૂટિન બર્ડિંગ સેશન માટે તેમના સહકર્મી સાથે આરેની મુલાકાત લીધી હતી. બર્ડિંગની સરળ તક્નિક સાથે, તેમણે ૧૪૩ પક્ષીઓની ઓળખ કરી હતી એમ RAWWના વડા પવન શર્માએ જણાવ્યું હતું.

શર્માએ ઉમેર્યું હતું કે ‘જો દિવસના જુદા-જુદા સમયે વન્યસૃષ્ટિના સંદર્ભમાં એન્વાયર્નમેન્ટ ઇમ્પૅક્ટ અસેસમેન્ટ (EIA) અભ્યાસ હાથ ધરાય તો કેટલાં બધાં પ્રાણીઓ, પક્ષીઓ, સરિસૃપો અને જીવજંતુઓ જોવા મળે એની કલ્પના કરી જુઓ. આ સમય એક થઈને નાગરિક EIA રિપોર્ટ તૈયાર કરીને સત્તાધિશોને તથા જનતાને વ્યાપકપણે મોકલવાનો છે.’

આ તમામ તથ્યો ઑન રેકૉર્ડ પ્રાપ્ત કરવાં ઘણાં જરૂરી છે જેથી આગળ જતાં તેમને પડકારી ન શકાય એમ એનજીઓના સભ્યોએ જણાવ્યું હતું. RAWW આ કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયામાં છે તથા એ અન્ય પ્રકૃતિપ્રેમીઓને તેમની સાથે જોડાવાનો અનુરોધ કરી રહ્યું છે.

આરેમાં ૩૦ સપ્ટેમ્બર સુધી વૃક્ષ કાપવામાં નહીં આવે : બૉમ્બે હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડને આરે કૉલોની વિસ્તારમાં મેટ્રો કારશેડ બનાવવા માટે ૩૦ સપ્ટેમ્બર સુધી વૃક્ષો ન કાપવાની તાકીદ કરી છે.

અદાલત ૩૦ સપ્ટેમ્બરથી ઉત્તર મુંબઈના આ વિસ્તારમાં ૨૬૦૦ કરતાં વધુ વૃક્ષોના સૂચિત છેદનને પડકારતી પિટિશનની સુનાવણી હાથ ધરશે એમ ચીફ જસ્ટિસ પ્રદીપ નંદરાજોગ અને જસ્ટિસ ભારતી ડાંગરેની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું.

આ પણ વાંચો : અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિન માટે જગ્યા ક્યાં ?

ઉલ્લેખનીય છે કે ચળવળકર્તા ઝોરુ ભાથેનાએ મેટ્રો કારશેડ માટે વૃક્ષો કાપવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટ્રી ઑથોરિટીએ ૨૯ ઑગસ્ટે આપેલી મંજૂરીને પડકારતી પિટિશન દાખલ કરી છે.

aarey colony save aarey mumbai news ranjeet jadhav