એમએમઆરસીએલ સંવેદનહીન 35થી 40 વૃક્ષો‌ મૃતપ્રાય અવસ્થામાં

10 October, 2019 07:51 AM IST  |  મુંબઈ

એમએમઆરસીએલ સંવેદનહીન 35થી 40 વૃક્ષો‌ મૃતપ્રાય અવસ્થામાં

મૂળ જગ્યાએથી ઉખેડીને બીજે રોપવામાં આવેલાં વૃક્ષ સૂકાઈ અને કરમાઈ રહ્યાં છે. તસવીર: સમીર માર્કન્ડે

આરે કૉલોનીમાં મેટ્રો-થ્રીના કાર શેડના બાંધકામ માટે જગ્યા મોકળી કરવા એક ઠેકાણેથી કાઢીને અન્યત્ર રોપવામાં આવેલાં વૃક્ષોની કાળજી રાખવાના મુંબઈ મેટ્રો કૉર્પોરેશનના દાવાને પર્યાવરણવાદીઓ અને પ્રકૃતિપ્રેમીઓ પોકળ ગણાવે છે. અન્યત્ર પ્રત્યારોપણ કરવામાં આવેલાં વૃક્ષોમાંથી ચાલીસેક વૃક્ષો મરી ગયાં અથવા મરવાની તૈયારીમાં હોવાનો દાવો પર્યાવરણવાદીઓ કરે છે. તેઓ કહે છે કે વડી અદાલતે મુંબઈ મેટ્રો કૉર્પોરેશનને પ્રત્યારોપણ કરવામાં આવેલાં વૃક્ષોને જીવંત રાખવાનું પ્રમાણ વધારવાની આપેલી સૂચનાનું પાલન કરવામાં આવ્યું નથી.

પર્યાવરણવાદી ઝોરુ ભાથેનાએ જણાવ્યું હતું કે ‘વૃક્ષો હટી જવાને કારણે ઘણાં પક્ષીઓ, જંતુઓ તથા અન્ય જીવો આધાર વગરનાં થઈ ગયાં છે. અગાઉ કરવામાં આવેલા ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશનમાં સફળતા મળી નથી. ટ્રાન્સપ્લાન્ટેડ વૃક્ષોના જીવંત રહેવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. ૨૦૧૭માં પ્રત્યારોપણ કરવામાં આવેલાં વૃક્ષો મરવાનું પ્રમાણ ૨૦૧૮માં ૪૦ ટકા હતું એ ૨૦૧૯માં વધીને ૫૦ ટકા થયું છે.’

વૃક્ષોનું જ્યાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે એ સ્થળની મુલાકાત લેનારા પર્યાવરણવાદીઓએ ભય અને આશંકા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘અમને દેખાય છે, એના કરતાં વધારે પ્રમાણમાં વૃક્ષો મર્યાં કે મરતાં હશે. નિષ્ણાતોએ એ સ્થળે જઈને વાસ્તવિકતા સમજવી અનિવાર્ય છે. જોકે મેટ્રો કારશેડના સ્થળે પોલીસનો ચોકીપહેરો હોવાથી હજી વૃક્ષો કાપવાની કામગીરી ચાલતી હશે.

આ પણ વાંચો : ભારતીય રેલવેમાં થઈ રહી છે ભરતીઓ, 10મું પાસ માટે પણ મોકો- જાણો વિગતો

કાર ડેપોના સ્થળથી નજીક તાપેશ્વર મંદિરની આસપાસના વિસ્તારની મુલાકાતે ગયેલા એક પ્રકૃતિપ્રેમીએ જણાવ્યું હતું કે કાર શેડના ક્ષેત્રમાંથી હટાવીને પ્રત્યારોપણ કરવામાં આવેલાં વૃક્ષો જીવંત રહેવાનું પ્રમાણ સાવ ઓછું છે. મેટ્રો-થ્રી કારશેડ માટે જગ્યા મોકળી કરવા માટે મેટ્રો કૉર્પોરેશને સેંકડો વૃક્ષો ઉખેડીને અન્યત્ર રોપ્યાં હતાં.’

aarey colony save aarey mumbai news