મુંબઈમાં સીએએ-એનઆરસી તરફી, એની વિરુદ્ધ રૅલીઓ

13 January, 2020 04:31 PM IST  |  Mumbai

મુંબઈમાં સીએએ-એનઆરસી તરફી, એની વિરુદ્ધ રૅલીઓ

રૅલી

મુંબઈ શહેર શુક્રવારે સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ તથા નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી)ની તરફેણમાં તથા તેના વિરોધમાં યોજાયેલી રૅલીઓનું સાક્ષી બન્યું હતું.

વિદ્યાર્થીઓ તથા સામાજિક કાર્યકરોએ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે એક્ટ તથા એનઆરસી વિરુદ્ધ દેખાવો કર્યા હતા, તો બીજી તરફ ઐતિહાસિક ઑગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે સીએએની તરફેણમાં યોજાયેલી રૅલીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. ઉલ્લેખનીય છે કે ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં ગત અઠવાડિયે સિટિઝનશિપ એક્ટની વિરુદ્ધમાં વ્યાપક દેખાવો થયા હતા.

આઝાદ મેદાન ખાતે દેખાવકારોએ સરકાર વિરોધી સૂત્રો પોકાર્યાં હતાં. તેમણે મોદી સરકારના આ પગલાની ટીકા કરતાં બૅનરો દર્શાવ્યાં હતાં.
આ આપખુદશાહી રાજ્યતંત્ર છે. તે વિચારે છે કે તેઓ કશું પણ કરી શકે છે. સરકારની જવાબદારી બંધારણનું રક્ષણ કરવાની છે, નહીં કે બંધારણનો વિરોધ કરવાની, એમ નિકિતા પાઠક નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું.

અન્ય એક દેખાવકારે જણાવ્યું હતું કે આ ‘ચહેરાવિહોણી સરકાર’ છે. તેણે ઉમેર્યું હતું કે સરકારનો ઉદ્દેશ માત્ર એક સમુદાય વિરુદ્ધ નહીં, બલ્કે સમગ્ર દેશ વિરુદ્ધ છે.

બીજેપીના સંવિધાન સન્માન મંચ દ્વારા ઑગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાયેલી રૅલીમાં સીએએના સમર્થકો રાષ્ટ્રધ્વજ સાથે સીએએ તરફી પ્લે-કાર્ડ્ઝ અને એનઆરસીના સંદેશાઓ સાથે જોવા મળ્યા હતા. તેઓ સૂત્રો પોકારી રહ્યા હતા.

આ પણ વાંચો : પ્રૉપર્ટી-ટૅક્સની ઉઘરાણીના મામલે મુંબઈ મહાનગરપાલિકા ઘણી પાછળ

તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટોગ્રાફ્સ પણ દર્શાવતા હતા. આ ઉપરાંત સ્ટેજ પર વી. ડી. સાવરકર, મહાત્મા જ્યોતિબા ફૂલે, ભારતમાતા અને શાહુ મહારાજના ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યા હતા.

mumbai news mumbai azad maidan caa 2019 cab 2019 citizenship amendment act 2019 nrc