મુંબઈ: દાદરના રેલવે બ્રિજ પર ફક્ત અડધા ભાગમાં છાપરું

23 March, 2019 12:03 PM IST  |  | રાજેન્દ્ર આકલેકર

મુંબઈ: દાદરના રેલવે બ્રિજ પર ફક્ત અડધા ભાગમાં છાપરું

દાદરમાં અત્યારે બ્રિજ પર ફક્ત અડધા જ ભાગમાં છાપરું લગાવવામાં આવ્યું છે.

વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેને સાંકળતા એક મહત્વના સ્ટેશન દાદરમાં અત્યારે બ્રિજ પર ફક્ત અડધા જ ભાગમાં છાપરું લગાવવામાં આવ્યું છે. વેસ્ટર્ન રેલવેએ પોતાના કાર્યક્ષેત્રમાં આવતા ભાગમાં છાપરું લગાવી દીધું છે અને પગથિયાંનું સમારકામ પણ કરી નાખ્યું છે, પરંતુ સેન્ટ્રલ રેલવે હજી સુધી એની ભૂમિકા સમજી શકી નથી અને પરિણામે અડધો બ્રિજ તડકા અને વરસાદ માટે ખુલ્લો પડ્યો છે.

ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય એસ. એચ. ગુપ્તાએ આ બાબતે ધ્યાન દોરતાં કહ્યું હતું કે ‘અડધા બ્રિજ પર છાપરું ન હોવાથી પૅસેન્જરો વેસ્ટર્ન રેલવેના છાપરું ધરાવતા ભાગમાં ભીડ કરે એવી શક્યતા વધારે છે. ૨૦૧૭માં એલ્ફિન્સ્ટનમાં આવું જ થયું હતું અને પરિણામે સ્ટેમ્પેડ થયું અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. રેલવે કેમ એક યુનિટ તરીકે કામ નહીં કરતું હોય?’

નોંધનીય છે કે રેલવેપ્રધાન પીયૂષ ગોયલે સેન્ટ્રલ રેલવે, વેસ્ટર્ન રેલવે અને રાજ્ય સરકાર સહિત બધા જ પક્ષકારોની હાજરીમાં વધુ સારા સહકાર અને કાર્ય માટે આઠ કલાક લાંબી એક બેઠકમાં ચર્ચા કરી હતી. આમ છતાં હજી સુધી પક્ષકારોમાં કોઈ સામંજસ્ય ન હોવાનું સામે આવ્યું છે.

વેસ્ટર્ન રેલવે દ્વારા ગયા અઠવાડિયે કરવામાં આવેલી તપાસમાં એવું જણાયું હતું કે આ બ્રિજને સમારકામની આવશ્યકતા છે. ફૂલ માર્કે‍ટ પાસેના બ્રિજના પ્લૅટફૉર્મ-નંબર એક પાસેના રૅમ્પ અને પ્લૅટફૉર્મ-નંબર બે અને ત્રણ પરનાં પગથિયાંને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યાં છે. સમારકામ ૯૦ દિવસમાં પૂરું કરવામાં આવશે.

આ પણ વાંચો : મુંબઈ: ભિવંડી પેપર-લીકના મામલે કેટલાક પેરન્ટ્સની થશે તપાસ

સેન્ટ્રલ રેલવેનું શું કહેવું છે?

સેન્ટ્રલ રેલવેના સત્તાવાળાઓએ કહ્યું હતું કે ‘આખા બ્રિજ પર છાપરું લગાડવાનું વ્યવહારુ છે કે નહીં એની તપાસ કરી રહ્યા છીએ, કેમ કે છાપરું લગાવવામાં આવતાં બ્રિજના માળખા પર ખાસ્સું વજન વધશે. બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની તપાસ થઈ ગયા બાદ બ્રિજ પર છાપરું લગાવવાનો નિર્ણય લેવામાં આવશે.’

rajendra aklekar western railway central railway mumbai news dadar