પ્લાસ્ટિકની બૅગના ગોડાઉન પર રેઇડ, ચાર લાખ રૂપિયાનો માલ જપ્ત

15 January, 2019 12:03 PM IST  |  મુંબઈ

પ્લાસ્ટિકની બૅગના ગોડાઉન પર રેઇડ, ચાર લાખ રૂપિયાનો માલ જપ્ત

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલી લાખો રૂપિયાની પ્લાસ્ટિકની થેલીનો જથ્થો.

ભાઈંદરમાં એક ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે રેઇડ પાડીને લગભગ ચાર લાખ રૂપિયાની કિંમતની પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કર્યો છે. પ્લાસ્ટિકબંધી હોવા છતાં અનેક જગ્યાએ ફેરિયાઓ, દુકાનદારો પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરતા જોવા મળતા હોય છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાને એક સમાજસેવકે આપેલી માહિતી પ્રમાણે ભાઈંદર (ઈસ્ટ)ના બી. પી. રોડ પર આવેલી સાંઈબાબા હૉસ્પિટલની પાછળ જય અંબે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના એક ગોડાઉન પર મહાનગરપાલિકા દ્વારા રેઇડ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી અભય સોનાવણેએ તેમની ટીમ સાથે મળીને આ કાર્યવાહી કરી હતી જેમાં પ્લાસ્ટિકની થેલીઓ ગૂણીમાં ભરીને પૅક કરેલી જોવા મળી હતી. આવી ૬૮ ગૂણી ભરીને પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. આ પ્લાસ્ટિકની થેલીના જથ્થાની કિંમત આશરે ચાર લાખ રૂપિયાની આસપાસ છે. આ માલ જપ્ત કરીને ગોડાઉનના માલિક પાસેથી ૧૦ હજાર રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. છેલ્લા મહિનામાં મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળ સાથે મહાનગરપાલિકાએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. મંડળ દ્વારા ૨૫૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો અને પંચાવન હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાનું શું કહેવું છે?

આ વિશે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી અભય સોનાવણેના કહેવા પ્રમાણે ગોડાઉન પર રેઇડ પાડીને ૬૮ ગૂણી ભરેલી પ્લાસ્ટિકની થેલી જપ્ત કરી હતી. ૧૦ હજાર રૂપિયાની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

mira road bhayander mumbai news