મુંબઈ: સરકારની સતામણી સામે પ્રાઈવેટ ઇંગ્લિશ સ્કૂલોએ ચડાવી બાંયો

23 February, 2019 10:49 AM IST  | 

મુંબઈ: સરકારની સતામણી સામે પ્રાઈવેટ ઇંગ્લિશ સ્કૂલોએ ચડાવી બાંયો

પ્રતીકાત્મક તસવીર

RTE (રાઇટ ટુ એજ્યુકેશન)ના માધ્યમથી મુંબઈમાં ૨૦૧૮-’૧૯માં ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમની પ્રાઈવેટ સ્કૂલોમાં મફત પ્રવેશ આપવામાં આવ્યો હતો. દરેક શાળામાં ૨૫ ટકા સીટો RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને આ બધા બાળકોની ફી રાજ્ય સરકાર ચુકવે એ અપેક્ષિત હોય છે, પરંતુ ૨૦૧૨થી ચાલુ વર્ષના અંત સુધીની સંપૂર્ણ ફી રાજ્ય સરકારે શાળાઓને આપી ન હોવાથી સોમવારે રાજ્યની ૪,૪૩૯ શાળાઓ શૈક્ષણિક અને વહિવટી કાર્ય બંધ રાખી એક્ઝિક્યુટિવ પેરેન્ટ્સ ટીચર્સ એસોસિયેશન દ્વારા નક્કી કરવામાં આવેલી ફી ચૂકવવા રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરશે. બંધમાં મુંબઈની ૧૨૦ અને પાલઘર, થાણેની એક હજાર અને સમગ્ર રાજ્યની ૪,૪૩૯ શાળાઓ એક દિવસ માટે બંધ પાળશે.

રાજ્ય સરકાર દ્વારા સ્કૂલોને સાત વર્ષમાં માત્ર ૩૦૦ કરોડ ચૂકવવામાં આવ્યા છે એમ જણાવતાં ઇન્ડિપેન્ડન્ટ ઇંગ્લિશ સ્કૂલ અસોસિએશનના પ્રસિડન્ટ રાજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ‘બજેટમાં ગયા વર્ષે એજ્યુકેશન પાછળ સરકારે ૪૨ હજાર કરોડની જોગવાઈ બતાવી હતી જેની સામે તેમણે RTEમાં પ્રવેશ મેળવનાર બાળકોની ફી સુધ્ધાં શાળાઓને આપી નથી. જે બાળકોને ફ્રી એજ્યુકેશન આપે છે એ તમામની ફી અને અન્ય ખર્ચ શાળા જાતે ઉપાડી રહી છે જેના કારણે શાળાઓ પર આર્થિક બોજ વધી રહ્યો છે. રાજ્યવ્યાપી શાળા બંધમાં બસ અસોસિએશન પણ જોડાશે, કારણ કે બસચાલકોને પણ RTE દ્વારા ઍડ્મિશન લેનાર બાળકોની બસ-ફી નથી મળી રહી.’

આ પણ વાંચો : જંગલમાં ગેરકાયદેસર રીતે રહેતા 10 લાખ પરિવારોને કાઢો બહાર: SC

શાળા અસોસિએશનની પ્રમુખ માગણીઓ

વર્ષ ૨૦૧૨થી ૨૦૧૯ સુધીમાં RTE હેઠળ પ્રવેશ લીધેલાં બાળકોની ફીનું વળતર શાળાઓને આપવું

રાજ્યની તમામ શાળાઓ માટે શાળા સુરક્ષા કાયદો બનાવવો

સ્કૂલ બસને થનારા એક્સિડન્ટ માટે પ્રિન્સિપાલને નહીં, કૉન્ટ્રેક્ટર અને ડ્રાઈવરને જવાબદાર ઠેરવવા

સમયસર ફી ન ચુકવી શકનારા વાલીઓ સામે સંચાલકો કેવા પગલાં લઈ શકે તેના નિયમો ઘડી કાઢવા

mumbai news