ડોભાલની પાક. NSA સાથે મુલાકાતના દોઢ મહિનામાં જ કેમ આવી યુદ્ધની સ્થિતિ

10 March, 2019 11:47 AM IST  | 

ડોભાલની પાક. NSA સાથે મુલાકાતના દોઢ મહિનામાં જ કેમ આવી યુદ્ધની સ્થિતિ

મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના તેરમા સ્થાપનાદિને બોલતાં એના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગઈ કાલે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ અજિત ડોભાલ પર નિશાન તાકતાં કહ્યું હતું કે ‘અજિત ડોભાલે પાકિસ્તાનના NSA સાથે કરેલી મુલાકાતના દોઢ જ મહિનામાં દેશમાં યુદ્ધજન્ય સ્થિતિ કેમ આવીને ઊભી રહી છે?’

અજિત ડોભાલના કુટુંબીજનોના પાકિસ્તાની ઉદ્યોગપતિઓ સાથે સંબંધ હોવાનો દાવો કરતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘અજિત ડોભાલના દીકરાની કંપનીમાં એક ભાગીદાર આરબ અને બીજો પાકિસ્તાની છે. આ પાર્ટનર ભાજપને ચાલે છે? આ દેશદ્રોહ નથી?’

દેશનો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શું કરતો હતો અને કેવી સલાહ આપે છે? એવો સવાલ કરીને તેમણે કહ્યું હતું કે ‘૨૭ ડિસેમ્બરે અજિત ડોભાલ અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની થાઇલૅન્ડમાં મુલાકાત થઈ હતી અને એના એક-દોઢ મહિનામાં જ દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ કેમ સર્જાઈ? આ મુલાકાતમાં શું થયું? શું ચર્ચા થઈ? ચર્ચા સફળ થઈ કે નિષ્ફળ? એ જાણવાનો અમને અધિકાર નથી? પુલવામા જેવા હુમલાની પહેલેથી ગુપ્તચર ખાતાને માહિતી હતી તો પછી કેમ હુમલો થયો? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે શું ડોભાલની આ નિષ્ફળતા નથી?’

ડોભાલ પછી પોતાના ભાષણમાં ભાજપ અને નરેન્દ્ર મોદીને ટાર્ગે‍ટ કરતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘ચૂંટણી જીતવા માટે આગામી દિવસોમાં વધુ એક પુલવામા જેવો હુમલો થઈ શકે છે.’

ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓ માર્યા હોવાનો જે દાવો કર્યો હતો એ વિશે શંકા વ્યક્ત કરીને રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘જો પાકિસ્તાનમાં ૧૦ આતંકવાદી પણ ઍર-સ્ટ્રાઇકમાં મર્યા હોત તો અભિનંદનને ભારતમાં જીવતો પાછો આવવા દેવામાં આવ્યો ન હોત.’

આ ઉપરાંત બીજું શું-શું કહ્યું?

રાફેલના દસ્તાવેજો ચોરી થયા જ કેવી રીતે?

ભાજપના લોકો અમને રાષ્ટ્રભક્તિ શીખવનારા કોણ?

સોશ્યલ મીડિયામાં ભાજપ તરફથી જે ટ્રોલિંગ થાય છે એને ગણકારતો નથી.

નરેન્દ્ર મોદી ફકીર નહીં, બેફિકર છે. પુલવામા હુમલા બાદ હસતા ચહેરે ફરતા હતા અને અવૉર્ડ લેવા ગયા હતા.

આ પણ વાંચોઃ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કરીને રાજકીય ફાયદો ન લેશો : રાજ ઠાકરે

રોજ નવા સમાચાર આવે છે. રોજ કંઈક નવું થાય અને પહેલાંનું ભુલાઈ જાય એવી જ આ સરકારની ઇચ્છા છે.

મારે જે નિર્ણય લેવો છે એની જાહેરાત આજે જ કરવી આવશ્યક નથી.

લોકસભાની ચૂંટણી હું લડીશ કે નહીં એની જ વધુ ચર્ચા થાય છે.

raj thackeray maharashtra navnirman sena mumbai Election 2019