નાલાસોપારામાં ધોળે દહાડે 1.35 કરોડની સશસ્ત્ર લૂંટ

21 September, 2019 12:38 PM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

નાલાસોપારામાં ધોળે દહાડે 1.35 કરોડની સશસ્ત્ર લૂંટ

ચોરી

નાલાસોપારામાં ગઈ કાલે ધોળે દહાડે એક ગોલ્ડ લોન કંપનીની ઑફિસમાં સશસ્ત્ર લૂંટ ચલાવાઈ હતી. આઇટીઆઇ ગોલ્ડની ઑફિસ સવારે ખૂલતાંવેંત લૂંટારાઓ ઘૂસી ગયા હતા અને શસ્ત્રની ધાક દેખાડીને કર્મચારીઓને ધમકાવી તેમની પાસેથી ૧.૩૫ કરોડ રૂપિયાની કિંમતનું સાડાત્રણ કિલો સોનું અને ૭૫,૦૦૦ રૂપિયાની રોકડ રકમ લઈને કારમાં નાસી છૂટ્યા હતા. ઑફિસમાં સિક્યૉરિટી ગાર્ડ ન હોવાથી લૂંટને અંજામ અપાયો હતો. આ રીતની લૂંટથી આ વિસ્તારના વેપારીઓ-દુકાનદારોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

પોલીસે જણાવ્યું હતું કે નાલાસોપારા (ઈસ્ટ)માં તુળિંજ વિસ્તારના સેન્ટ્રલ પાર્કમાં આવેલી કંપનીની ઑફિસમાં સવારે ૧૦ વાગ્યે ૬ લૂંટારાઓ લાલ કારમાં આવ્યા હતા. તેમણે માથે ટોપી પહેરી હતી અને મોઢા પર કપડું વીંટાળેલું હતું. તેમના હાથમાં મોટી શૉ‌પિંગ-બૅગ હતી. શસ્ત્ર સાથે તેઓ ઑફિસમાં ઘૂસ્યા હતા અને કર્મચારીઓને ‌પિસ્તોલ દેખાડી ડરાવી-ધમકાવીને ગ્રાહકોના સોનાનાં ઘરેણાંનાં ૫૦૦ પૅકેટ બૅગમાં ભરીને કારમાં ભાગી છૂટ્યા હતા.

આ પણ વાંચો : ઘાટકોપર રેલવે ને મેટ્રો સ્ટેશન પર સુધારાનો યુદ્ધના ધોરણે આરંભ

તુ‌ળિંજના ‌સિ‌નિયર પોલીસ ઇન્સ્પેક્ટર દત્તાત્રેય પાટીલે કહ્યું હતું કે ‘લૂંટારાઓની કાર હાઇવે પાસે ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. ગોલ્ડ લોન કંપનીની ઑફિસમાંથી ૧.૩૫ કરોડની કિંમતનું ૩.૫ ‌કિલો સોનું અને કૅશ ૭૫,૦૦૦ રૂ‌પિયા લૂંટવામાં આવ્યાં છે. સીસીટીવી કૅમેરામાં બધા લૂંટારાઓ કેદ થયા છે અને એની મદદથી તથા આસપાસની દુકાનોના સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ કરી રહ્યા છીએ. લૂંટમાં કંપનીના કોઈ કર્મચારીનો હાથ છે કે નહીં એની અમે તપાસ કરીશું. ઑફિસમાં શસ્ત્ર ધરાવતા કોઈ ગાર્ડ નહોતા તેમ જ અલાર્મ-‌સિસ્ટમ પણ એક્ટિવ નહોતી.’

virar nalasopara mumbai crime news Crime News mumbai news