મુંબઈ: સ્લૅબ સીમર ઠાકોરના પગ પર પડ્યો, માથા પર પડ્યો હોત તો...

16 March, 2019 12:36 PM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈ: સ્લૅબ સીમર ઠાકોરના પગ પર પડ્યો, માથા પર પડ્યો હોત તો...

બ્રિજ તૂટવાની દુર્ઘટનાને કારણે સીમર ઠાકોર જખમી થયાં હતાં.

CSMTસ્થિત ફૂટઓવર બ્રિજ ગુરુવારે તૂટી પડતાં છ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો અને ૩૧ લોકો જખમી થયા હતા. આ બનાવને નજરે જોનાર લોકો પણ ખૂબ ગભરાઈ ગયા હતા જ્યારે જખમી થયેલા લોકોને પણ એવો અનુભવ થઈ રહ્યો છે કે તેમને નવું જીવન મળ્યું છે. આવો જ અનુભવ કરી રહ્યા છે ભાઈંદર-ઈસ્ટમાં મીરા-ભાઈંદર રોડ પાસે આવેલા જાનકી હાઇટ્સમાં રહેતાં અને ૩૭ વર્ષનાં ગુજરાતી મહિલા વકીલ સીમર ઠાકોર. હંમેશાં વેસ્ટર્ન રેલવેથી કે કારથી પ્રવાસ કરતાં અને પહેલી વખત સેન્ટ્રલ રેલવેથી જવાનું નક્કી થયું અને આવો બનાવ બનતાં તેઓ જખમી થયાં છે. તેમના જમણા પગમાં માર વાગ્યો હોવાથી તેમને પરિવારજનોએ વરલીની હૉસ્પિટલમાં દાખલ કરાવ્યાં હતાં. બ્રિજનો નાનો સ્લેબ તેમના પગ પાસે આવીને પડ્યો હતો અને આમાં તેમના મોબાઇલને ભારે નુકસાન થતાં એ સાવ નકામો થઈ ગયો હતો. આ બનાવને કારણે મમ્મીની થયેલી આવી હાલતના કારણે તેમનો નવમા ધોરણમાં ભણતો દીકરો ખૂબ આઘાતમાં આવી ગયો અને તેમનાં મમ્મી પણ તાત્કાલિક વાપીથી મુંબઈ પહોંચી ગયાં હતાં.

સીમર ઠાકોરના દહિસરમાં રહેતા કાકા રાહુલ શાહે આ બનાવમાં સીમરની કેવી હાલત થઈ એ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સીમર લૉયર તરીકે પોતાની પ્રૅક્ટિસ કરે છે. GT હૉસ્પિટલ પાસે એક કામ પૂરું કરીને સીમર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા બિલ્ડિંગ’માં કામસર ગયાં અને પાછાં વળતી વખતે આ બનાવ બન્યો હતો. તેઓ થોડાં જ દૂર હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. બ્રિજ પડતાં સ્લેબનો નાનો ટુકડો સીધો તેમના જમણા પગના ઘૂંટણની નીચેના પગમાં વાગ્યો હતો. લોકોની બૂમો સાંભળતાં તેઓ અલર્ટ થયાં. સ્લેબનો નાનો ટુકડો તેમના પગ પર પડ્યો, પણ ભગવાનની એટલી દયા કે તેઓ થોડાં હલી ગયાં એટલે તેમનું માથું બચી ગયું હતું. માથા પર એ ભાગ આવ્યો હોત તો એ વિચારીને પણ રૂંવાડાં ઊભાં થઈ જાય છે.’

આ અકસ્માતના કારણે સીમરનો પરિવાર ભારે આઘાતમાં છે એમ કહેતાં રાહુલ શાહે કહ્યું હતું કે ‘અમને બનાવ વિશે જાણ થતાં ફૉર્ટમાં અને આસપાસના વિસ્તારમાં રહેતા ઓળખીતા લોકોને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા વિનંતી કરી હતી, એથી બે જણ પહોંચી ગયા અને ત્યાં તેમને સરકારી હૉસ્પિટલ લઈ જતા હતા, પરંતુ અમે તેમને વરલીમાં લઈ જઈએ છીએ એવું ત્યાં ઉપસ્થિત અધિકારીને કહ્યું હતું. તેમણે બધું તપાસીને સીમરને લઈ જવા દીધાં હતાં. વરલીની હૉસ્પિટલમાં સીમરને દાખલ કર્યાં ત્યારે તેમના બન્ને પગમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. તપાસ કર્યા બાદ જમણા પગમાં ફ્રૅકચર આવ્યું હોવાની સાથે વિવિધ જગ્યાએ થોડીઘણી ઈજા થઈ હતી. સીમરનો મોબાઇલ પૂરોપૂરો તૂટી ગયો છે. સીમરની આવી હાલતના કારણે તેમનો નવમા ધોરણમાં ભણતો દીકરો આઘાતમાં છે. તેમની મમ્મી પણ ચિંતાનાં માર્યાં વાપીથી તરત પહોંચી ગયાં છે.’ ઉલ્લેખનીય છે કે સીમર વેસ્ટર્ન લાઇનમાં રહેતાં હોવાથી તે ક્યારેય સેન્ટ્રલ લાઇનમાં પ્રવાસ કરતાં નહોતાં. એ મોટા ભાગે વેસ્ટર્ન રેલવે કે પછી કારથી પ્રવાસ કરતાં હતાં. પહેલી વખત તેમણે સેન્ટ્રલ રેલવે દ્વારા પ્રવાસ કરવાનું નક્કી ક્ર્યું અને આવો બનાવ બન્યો.

૧૯ માર્ચની સાઉથ ઇન્ડિયાની સીમરના પરિવારની ટૂર પણ રદ કરવી પડી એમ કહેતાં રાહુલ શાહે કહ્યું કે ‘સીમર અને તેનો પરિવાર ૧૯ માર્ચના રોજ સાઉથ ઇન્ડિયાની ટૂર પર જવાનો હતો, પરંતુ પગમાં ફ્રૅક્ચર આવતાં અને હાલત ખરાબ હોવાથી આ ટૂર કૅન્સલ કરાવી પડી છે. એટલું જ નહીં, પણ વાપીમાં તેમની લેડ એક્વિઝિશનની ખૂબ મોટી ડીલ થવાની છે, જેના માટે તેમણે ખૂબ મહેનત કરી છે. આ ડીલ બાદ તે બોરીવલીમાં પોતાના પરિવાર માટે ઘર લેવાનું સપનું પૂરુમ કરી શકશે, પરંતુ અચાનક આવો બનાવ બનતાં હવે શું થશે એ ચિંતા થઈ રહી છે.’

mumbai news chhatrapati shivaji terminus