એજન્ટો પાસેથી ટિકિટ ખરીદતાં પહેલાં સાવધાન!

27 October, 2019 02:21 PM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

એજન્ટો પાસેથી ટિકિટ ખરીદતાં પહેલાં સાવધાન!

કચ્છ એક્સપ્રેસ

બોગસ એજન્ટ અને રેલવેની ટિકિટ બુક કરવાની સિસ્ટમ હૅક કરીને બનાવટી નામે ટિકિટો ખરીદવાનું સ્કૅમ રેલવેના વિજિલન્સ વિભાગે પકડી પાડ્યું છે. ભુજથી બાંદરા ટર્મિનસ વચ્ચે દોડતી કચ્છ એક્સપ્રેસમાં ૧થી ૧૩ નવેમ્બર દરમ્યાન બુક કરાયેલી શંકાસ્પદ ૨૮૨ ટિકિટના ૧૬૯૨ પ્રવાસીઓની ટિકિટ બ્લૉક કરવામાં આવી છે. રેલવેએ આ તમામ ટિકિટોના પીએનઆર નંબર જાહેર કર્યા છે.

રેલવેએ પ્રેસનોટના માધ્યમથી પ્રવાસીઓને અનુરોધ કર્યો છે કે તેઓ પ્રવાસ કરતાં પહેલાં તેમની ટિકિટ ચેક કરી લે. બ્લૅકલિસ્ટમાં તમારી ટિકિટનો પીએનઆર-નંબર હોય તો તમે ગાંધીધામ, અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલના ચીફ રિઝર્વેશન સુપરવાઇઝરોને તમારા ઓળખની વિગતો આપી શકો છો.

‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળીના સમયે માતાજીના જ્વારા માટે મોટી સંખ્યામાં કચ્છીઓ કચ્છ જાય છે. દિવાળીમાં ભારે ધસારો હોવાથી લાંબું વેઇટિંગ લિસ્ટ રહેતું હોવાને લીધે લોકોએ નાછૂટકે એજન્ટ પાસેથી ટિકિટ લેવી પડે છે. તહેવાર કે વેકેશનમાં એજન્ટો બુક‌િંગ સિસ્ટમ હૅક કરીને સવારે ૮ વાગ્યા પહેલાં જ ટિકિટ બુક કરાવી લેતા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ અમે રેલવેના ચીફ બુકિંગ ઑફિસરને પુરાવા સાથે ફરિયાદ કરતાં તેમણે શંકાસ્પદ નામવાળી ટિકિટો પર નજર રાખવાની શરૂઆત કરી છે.’

જેમણે પણ શંકાસ્પદ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને ટિકિટ કાઢતા એજન્ટોને વધારે રૂપિયા આપીને ‌કન્ફર્મ ટિકિટ કઢાવી છે તેઓના રૂપિયા તો ગયા પણ તેઓ દિવાળીના સમયે પ્રવાસ પણ નહીં કરી શકે.

રેલવેના ચીફ વિજિલન્સ વિભાગના ઇન્સ્પેક્ટર હિમાંશુ કાપડિયાએ કહ્યું હતું કે ‘રેલવેના આ પગલાથી સામાન્ય પ્રવાસીઓએ ગભરાવા જેવું નથી. જેન્યુન લોકોની ટિકિટ બ્લૉક થઈ હોય તો તેઓ પોતાના આઇડેન્ટિટી પ્રૂફ સાથે રિઝર્વેશન ઑફિસરને મળીને કન્ફર્મ કરાવી શકે છે.’

mumbai news indian railways western railway