બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી મુંબઈ અને થાણેમાં જનજીવન ખોરવાયું

04 August, 2019 08:58 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી મુંબઈ અને થાણેમાં જનજીવન ખોરવાયું

વરસાદ

મુંબઈ શહેર અને પરાં વિસ્તારમાં શુક્રવારે મોડી રાતથી પડી રહેલા જોરદાર વરસાદને કારણે અનેક સ્થળે પાણી ભરાઈ ગયાં હતાં જેને લીધે શહેરનું જનજીવન ખોરવાયું હતું. દિવસ દરમ્યાન પણ વરસાદ ચાલુ રહેતાં મોટા ભાગના લોકો કામકાજના સ્થળેથી વહેલા નીકળીને ઘરે પહોંચ્યા હતા. રોડમાર્ગે નીકળેલા લોકોએ ટ્રાફિક જૅમનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે હાર્બર અને મધ્ય રેલવેના ટ્રેનવ્યવહારને અસર થતાં હજારો લોકો અટવાઈ ગયા હતા. મલાડમાં સૌથી વધુ ૭ ઇંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા આવતા ૨૪ કલાકમાં પણ ભારે વરસાદની આગાહી કરવાની સાથે લોકોને મહત્ત્વના કામ વિના ઘરની બહાર ન નીકળવાની ચેતવણી આપવામાં આવી છે. પશ્ચિમી કિનારાપટ્ટી પર હવાનું ઓછું દબાણ સર્જાતાં મુંબઈ સહિત પશ્ચિમના વિભાગમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. નવી મુંબઈમાં ચાર કૉલેજિયન ડૂબવાની સાથે વરસાદને લીધે આરે કૉલોની વિસ્તારમાં વીજળીનો કરન્ટ લાગતાં બે વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું, જ્યારે ખારમાં ૧૮મા રોડ પર બપોર બાદ એક અજાણ્યા યુવકનો મૃતદેહ ગટર પાસેથી મળી આવ્યો હતો. આ સાથે વરસાદને લીધે મુંબઈમાં બે, થાણેમાં ૧ અને નવી મુંબઈમાં ૪ મળીને કુલ ૭ જણનાં મૃત્યુ થયાં હતાં.

દહિસરની નદીમાં આવ્યાં પૂર

બોરીવલી-ઈસ્ટમાં રાતથી પડી રહેલા ભારે વરસાદને લીધે બોરીવલીના નૅશનલ પાર્ક પાસેથી વહેતી દહિસર નદીમાં પૂર આવ્યાં હતાં જેને લીધે દહિસરના આનંદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. દહિસરમાં નદી નજીકના દૌલતનગરમાં પાણી ઘૂસવાની તૈયારીમાં હતું, પરંતુ બપોરે વરસાદનું જોર ઘટતાં પૂરની મુશ્કેલી ટળી ગઈ હતી.

સ્કૂલ-કૉલેજમાં રજા અપાઈ

શુક્રવારની મોડી રાતથી શનિવારે સવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાનું જાણ્યા બાદ મુંબઈ અને થાણે કલેક્ટરે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ-કૉલેજમાં રજા જાહેર કરી દીધી હતી.

થાણેમાં કરન્ટ લાગતાં યુવકનું મૃત્યુ

થાણેના ધર્મવીરનગરમાં ૧૮ વર્ષના સંતોષ ગોલેનું ફ્રિજનું પ્લગ કાઢતી વખતે કરન્ટ લાગતાં મૃત્યુ થયું હતું. પાણી ભરાયાં હોવાથી સંતોષ સલામતીના પગલારૂપે ફ્રિજનું પ્લગ કાઢવા ગયો ત્યારે વીજળીનો જોરદાર કરન્ટ લાગતાંતે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.

મુંબઈમાં ક્યાં-ક્યાં પાણી ભરાયાં?

વેસ્ટર્ન મુંબઈમાં ગોરેગામથી દહિસર સુધીના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ નોંધાતાં અહીંના મલાડ, બોરીવલી, અંધેરી અને જોગેશ્વરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. સેન્ટ્રલ મુંબઈના ભાંડુપથી લઈને થાણે, સાયન, કુર્લા વગેરે વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

mumbai news mumbai monsoon mumbai rains