500 ચોરસફુટ સુધીનાં ઘરોનો પ્રૉપર્ટી ટૅક્સ માફ

19 September, 2019 01:52 PM IST  |  મુંબઈ | પ્રાજક્તા કાસળે

500 ચોરસફુટ સુધીનાં ઘરોનો પ્રૉપર્ટી ટૅક્સ માફ

પ્રતીકાત્મક તસવીર

૫૦૦ ચોરસફુટ કે એથી ઓછા કદના ફ્લૅટ્સનો પ્રૉપર્ટી ટૅક્સ બાદ કરીને નવા ટૅક્સ બિલ્સ ડિસ્પેચ કરવાની મુંબઈ મહાનગરપાલિકાની જાહેરાતને પાંચ મહિના પસાર થઈ ગયા છે. પરંતુ હજી સુધી એ બિલ્સ ડિસ્પેચ કરવામાં આવ્યાં નથી. પાલિકાએ બિલ્સ ડિસ્પેચ કરવા વિશે ૬ ઑગસ્ટે અખબારી યાદી પણ બહાર પાડી હતી. શિવસેના અને બીજેપીએ ૫૦૦ ચોરસફુટ સુધીનાં નાનાં ઘરોનો પ્રૉપર્ટી ટૅક્સ માફ કર્યાનું વચન મહાનગરપાલિકાની ચૂંટણીના જાહેરનામામાં આપ્યું હતું. એ ટૅક્સમાફીની દરખાસ્તને ૮ માર્ચે પાલિકાના સભાગૃહની બેઠકમાં અને રાજ્ય સરકારના પ્રધાનમંડળની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. 

મહાનગરપાલિકાના કરવેરામાં જનરલ ટૅક્સનું પ્રમાણ ૧૦થી ૩૦ ટકા અને વૉટર ટૅક્સ, સ્ટોર્મ વૉટર ડ્રેનેજ ટૅક્સ, એજ્યુકેશન સેસ, એમ્પ્લોયમેન્ટ ગૅરન્ટી સેસ, ટ્રી સેસ, રોડ ટૅક્સ વગેરેનું પ્રમાણ ૭૦થી ૯૦ ટકા છે. મુંબઈ મહાનગરપાલિકા પ્રૉપર્ટી ટૅક્સમાં માફીના સંદર્ભમાં પાંચ મહિના સુધી સતત રાજ્ય સરકારના સંપર્કમાં હતી. છેવટે ૬ ઑગસ્ટે અખબારી યાદી દ્વારા જાહેરાત કરી કે જનરલ ટૅક્સ બાદ કરીને ટૅક્સ બિલ્સ ડિસ્પેચ કરવામાં આવશે. એ અખબારી યાદી બહાર પાડ્યાને ૪૦ દિવસ વીતી ગયા છતાં હજી બિલ્સ રવાના કરવામાં આવ્યાં નથી. આ બાબતે પ્રતિક્રિયા માટે કરવામાં આવેલા ફોન અને મેસેજિસનો મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશીએ જવાબ આપ્યો નહોતો.

આ પણ વાંચો : ગોવંડી મર્ડર કેસ: આયેશાની આધુનિક વિચારસરણી અને પહેરવેશ લોકોને પસંદ નહોતા

મુંબઈ મહાનગરપાલિકાના અસેસમેન્ટ એન્ડ કલેક્શન ડિપાર્ટમેન્ટના આંકડા મુજબ મુંબઈમાં ૫૦૦ ચોરસફુટ કે એથી ઓછા કદના ૧૫ લાખ જેટલાં રહેઠાણો છે. એમનો પ્રૉપર્ટી ટૅક્સ માફ કરવાથી પાલિકાને મહેસૂલમાં ૩૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. ઑક્ટ્રૉય માફ કર્યા પછી પ્રૉપર્ટી ટૅક્સ પાલિકાની આવકનું મુખ્ય સાધન છે.

brihanmumbai municipal corporation mumbai news