આનંદો, આ વર્ષે પાણીકાપ નહીં થાય

12 October, 2019 03:19 PM IST  |  મુંબઈ | પ્રાજક્તા કાસળે

આનંદો, આ વર્ષે પાણીકાપ નહીં થાય

જળાશય

મુંબઈગરાઓ આનંદો. સારા વરસાદને પગલે આવતા ચોમાસા સુધી શહેરમાં પાણીકાપ નહીં લદાય. જોકે ગયા વર્ષે અને આ વર્ષે ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન જળાશયોની સપાટીમાં ઝડપથી ઘટાડો થયો હોવાનું જાણવું રસપ્રદ છે. બન્ને વર્ષે ચોમાસાના પહેલા ભાગમાં સારો વરસાદ પડ્યો હતો, પણ ગયા વર્ષે પાછોતરો વરસાદ ઓછો થવાથી શહેરને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીની સપાટીમાં ઘટાડો થવાથી પાણીકાપ લાદવામાં આવ્યો હતો.

તુલસી, વિહાર, તાનસા, મોડક સાગર, મિ‌ડલ વૈતરણા, અપર વૈતરણા અને ભાત્સા સહિતનાં આ ૭ તળાવ દ્વારા મુંબઈ શહેરને પાણી પૂરું પડાય છે. આ તળાવોની કૅપેસિટી ૧૪.૪૭ લાખ મિલ્યન લીટરની છે. શહેરને દરરોજ ૩૮૫૦ મિલ્યન લીટર પાણી પૂરું પડાય છે. ૩૦ સપ્ટેમ્બર સુધી આ જળાશયોમાં ૧૦૦ ટકા પાણી હોય તો આગામી ચોમાસા સુધી પાણીની ચિંતા ન રહે.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ૧ ઑક્ટોબરે જળાશયોમાં પાણીના જથ્થાની ચકાસણી કર્યા બાદ પાણીકાપ બાબતનો નિર્ણય લેવાયો હતો. ૧૫ સપ્ટેમ્બરે માત્ર ૧ ટકા જેટલું પાણી ઓછું હતું. ગયા વર્ષે આ સમયગાળામાં ૯૬.૫૦ ટકા પાણી હતું, જ્યારે આ વર્ષે ૯૫.૫૭ ટકા પાણી ૧૦ સપ્ટેમ્બરે હતું. જોકે સપ્ટેમ્બર ૨૦મીએ બે વર્ષની સરખામણીમાં ૩ ટકાનો તફાવત તો ૩૦ સપ્ટેમ્બરે ૮ ટકાનો હતો.

પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ વર્ષે છેલ્લે સુધી સારો વરસાદ પડવાથી ગયા વર્ષની તુલનાએ જળાશયોમાં ૧૦ ટકા વધુ પાણી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા બાદ વરસાદ બંધ થઈ ગયો હતો, જ્યારે આ વર્ષે શહેરની સાથે આસપાસના વિસ્તારોમાં તથા કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડ્યો ત્યારે અનેક વખત જળાશયોના દરવાજા ખોલવા પડ્યા હોવા છતાં પાણીની સપાટીમાં બહુ ઘટાડો નહોતો થયો.’

mumbai news mumbai mumbai monsoon