ખાતાંની ફાળવણીમાં દેખાયો પવારનો પાવર

06 January, 2020 11:19 AM IST  |  Mumbai Desk

ખાતાંની ફાળવણીમાં દેખાયો પવારનો પાવર

મહાવિકાસ આઘાડી સરકારની આગેવાની શિવસેનાના ઉદ્ધવ ઠાકરે કરતા હોવા છતાં સરકારમાં વર્ચસ્વ તો ગઠબંધન બનાવવામાં જેમની મુખ્ય ભૂમિકા રહી છે એ એનસીપીના ચીફ શરદ પવારનું જ રહ્યું હોવાનું ખાતાંની ફાળવણીમાં જણાઈ આવે છે. પહેલાં પ્રધાનમંડળ વિસ્તરણ અને હવે ખાતાંની ફાળવણીમાં પણ ‘વજનદાર’ ખાતાં પોતાની પાસે ખેંચીને શરદ પવારે પોતાનો ‘પાવર’ બતાવ્યો છે. ખાસ કરીને અનિલ દેશમુખ, જિતેન્દ્ર આવ્હાડ, હસન મુશ્રીફ જેવા એનસીપીના વિશ્વાસુ નેતાઓને મહત્ત્વનાં ખાતાં આપીને તેમની નિષ્ઠાની કદર કરી છે. ખાતાંની ફાળવણીમાં વધુ એક વિશેષતા જોવા મળી છે કે ગૃહ અને વન ખાતાં ફરી એક વખત વિદર્ભના નેતૃત્વને ફાળવાયાં છે.

પ્રધાનોની ખાતાંની વહેંચણી પર નજર નાખીએ તો શિવસેના માટે આ નુકસાનીનો સોદો ઠર્યો હોવાનું ચોક્કસપણે કહી શકાય. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાસે સામાન્ય પ્રશાસન, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, ઇન્ફર્મેશન ઍન્ડ પબ્લિક રિલેશન, વિધિ અને ન્યાય જેવાં ગણ્યાંગાંઠ્યાં ખાતાં પોતાની પાસે રાખ્યાં છે.
મુખ્ય પ્રધાન બાદ શિવસેનાના વિધાનસભાના નેતા એકનાથ શિંદેને નગરવિકાસ અને સાર્વજનિક બાંધકામ (સાર્વજનિક ઉપક્રમ) ખાતાં અપાયાં છે. સુભાષ દેસાઈને ઉદ્યોગ, ખનીજ, મરાઠી ભાષા ખાતાંની જવાબદારી અપાઈ છે. આદિત્ય ઠાકરેને પર્યટન, પર્યાવરણ અને રાજશિષ્ટાચાર જેવાં ખાતાં તો ઍડ. અનિલ પરબને નવા પરિવહન અને રાજશિષ્ટાચાર અપાયાં છે. ઉદય સામંતને ઉચ્ચ અને ટેક્નૉલૉજી એજ્યુકેશન તો દાદાજી ભુસેને કૃષિ ખાતાની જવાબદારી અપાઈ છે.
એનસીપીને ફાળવાયેલાં ખાતાંની સરખામણીએ શિવસેનાને ઓછાં મહત્ત્વનાં ખાતાં અપાયાં છે. રત્નાગિરિના વિધાનસભ્ય ઉદય સામંતનું વજન પક્ષમાં વધ્યું હોવાનું દેખાઈ આવે છે. કોકણના દીપક કેસરકર, ભાસ્કર જાધવ જેવા અનુભવી નેતાઓને હાસિયામાં ધકેલીને ડાયરેક્ટ કૅબિનેટ પ્રધાન બનીને ઉચ્ચ અને ટેક્નૉલૉજીકલ એજ્યુકેશન પ્રધાન મંત્રાલય મેળવ્યું છે.
એનસીપીને મહત્ત્વનાં ખાતાં
મંત્રીમંડળના વિસ્તરણમાં ફાઇનૅન્સ અને ગૃહ જેવાં મહત્ત્વનાં ખાતાં એનસીપીને ગયાં છે. અગાઉનાં ખાતાં ફાળવણીમાં ગૃહ વિભાગ શિવસેના પાસે હતો એ હવે એનસીપીને અપાયો છે. ફાઇનૅન્સ વિભાગ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને ગૃહ ખાતું અનિલ દેશમુખને ફાળવીને શરદ પવારે પક્ષના અનેક નેતાઓને ચોંકાવ્યા છે. રાજ્યના કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ આ ખાતાં મહત્ત્વનાં અને સંવેદનશીલ છે. એ માટે નાગપુરની કાટોલ મતદાર સંઘમાંથી પાંચમી વખત ચૂંટાયેલા અને પોતાના વિશ્વાસુ અને સ્વચ્છ છબી ધરાવતા અનિલ દેશમુખને પર શરદ પવારે પસંદ કર્યા છે. જિતેન્દ્ર આવ્હાડને ગૃહનિર્માણનું મહત્ત્વનું ખાતું અપાયું છે. દિલીપ વળસે પાટીલ, છગન ભુજબળની તુલનાએ આવ્હાડને વધું મહત્ત્વનું ખાતું આપીને પવારે બીજી હરોળના નેતૃત્વને ચાન્સ આપ્યો છે. બીજું, જયંત પાટીલને સ્થાને નવી સરકારમાં શરદ પવારે પોતાના ભત્રીજા અજિત પવારને વધારે મહત્ત્વનાં ખાતાં ફાળવ્યાં હોવાનું જણાઈ આવે છે.
કૉન્ગ્રેસમાં યુવાઓને તક અપાઈ
કૉન્ગ્રેસે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સદ્‌ગત વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત દેશમુખને તબીબી શિક્ષણ અને સાંસ્કૃતિક ખાતું તો મુંબઈનાં વિધાનસભ્ય વર્ષા ગાયકવાડને સ્કૂલ એજ્યુકેશન જેવાં મહત્ત્વનાં ખાતાં ફાળવાયાં છે. આ સિવાય ઍડ. યશોમતી ઠાકુરને મહિલા અને બાળકલ્યાણ ખાતાની જવાબદારી સોંપાઈ છે. સરકારમાં સામેલ કરાયેલા કૉન્ગ્રેસના ૧૨ પ્રધાનોમાંથી મોટા ગામના ગ્રામીણ વિસ્તારમાંથી આવતા હોવા છતાં તેમને આ વિસ્તારના કોઈ મહત્ત્વનાં ખાતાં નથી ફાળવાયાં.

mumbai news