મુંબઈ : ચૂંટણીને લીધે બદલાઈ શકે દિવાળી વેકેશનની તારીખ

26 September, 2019 11:34 AM IST  |  મુંબઈ

મુંબઈ : ચૂંટણીને લીધે બદલાઈ શકે દિવાળી વેકેશનની તારીખ

પ્રતીકાત્મક તસવીર

વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણીના દિવસથી જ સ્કૂલમાં દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે અને એવામાં ઇલેક્શન બોર્ડ દ્વારા હજી કયા દિવસોમાં કેટલા શિક્ષકોને ચૂંટણી પ્રશિક્ષણની ટ્રેઇનિંગ માટે મોકલવાના છે એનું ટાઇમ-ટેબલ આપવામાં આવ્યું નથી. દરેક સ્કૂલના પ્રિન્સિપાલથી લઈને તમામ ટીચર્સ અને સ્ટાફને ચૂંટણીની ડ્યુટી સોંપવામાં આવે છે. એવામાં ઇલેક્શન બોર્ડ દ્વારા ટ્રેઇનિંગની તારીખો અને સમયપત્રક જાહેર ન કરાતાં સ્કૂલો દ્વારા પરીક્ષાની તારીખ માટે મૂંઝવણ ઊભી થઈ છે.

૧૯ ઑક્ટોબર પહેલાં પરીક્ષા પૂરી કરી દેવી ફરજિયાત છે, પરંતુ કયા શિક્ષકો પરીક્ષાના દિવસે પરીક્ષાના કામ માટે હાજર રહેશે એની ખબર નથી. પરિણામે સ્કૂલો દ્વારા દિવાળી વેકેશનની તારીખમાં ફેરફાર કરવામાં આવે એવી શક્યતા છે.

ટીચર્સ ડેમોક્રૅટિક ફ્રન્ટના વાઇસ પ્રેસિડન્ટ રાજેશ પંડ્યાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સત્ર શરૂ થયું ત્યારે જ દિવાળી વેકેશનની તારીખ જાહેર થઈ હતી. ૮ ઑક્ટોબરે દશેરા બાદ પરીક્ષા લેવાવાની હતી, પણ હવે ૨૧મીએ ચૂંટણી હોવાથી અમારી પાસે પરીક્ષા માટે સ્ટાફ કેટલો હશે એની ખબર નથી.

ઇલેક્શન બોર્ડ તેમના ટ્રેઇનિંગ પ્રોગ્રામની તારીખો વહેલી જાહેર કરે એ મહત્ત્વનું છે એથી અમને ખબર પડે કે પરીક્ષા દરમ્યાન અમારી પાસે કેટલો સ્ટાફ હાજર હશે. પહેલાં ચૂંટણી આયોગ દ્વારા એક દિવસની ટ્રેઇનિંગ આપવામાં આવતી હતી, પણ લોકસભાની ચૂંટણીથી એમાં ફેરફાર કરીને ટ્રેઇનિંગ ૩થી ૪ દિવસની કરી દેવામાં આવી છે.’

સિલેબસમાં ઘટાડો કરાયો

આ વર્ષે સ્કૂલ અને જુનિયર કૉલેજ ઑગસ્ટમાં શરૂ થઈ હતી. ત્યાર બાદ શહેરમાં ભારે વરસાદને કારણે પાંચથી ૬ દિવસ રજા આપવી પડી હતી. ગણેશોત્સવને કારણે પાંચ દિવસ રજા જાહેર થઈ હતી. એ ઉપરાંત આ વર્ષે દિવાળી ૧૫ દિવસ વહેલી હોવાથી દિવાળી પહેલાંનું સત્ર પૂર્ણ કરવા શિક્ષકોને પૂરતો સમય મળ્યો નથી એથી પહેલી ટર્મના સિલેબસમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શિક્ષકો માટે વેકેશનના દિવસ ઘટશે

ઇલેક્શન બોર્ડે ચૂંટણીની તારીખ તો જાહેર કરી દીધી છે, પણ અગાઉથી નક્કી કરાયેલા સ્કૂલ વેકેશનની તારીખને ધ્યાનમાં રાખી નથી. ઇલેક્શન ડ્યુટીને કારણે આ વર્ષે શિક્ષકોને ધારેલા દિવસો કરતાં ૩થી ૪ દિવસ ઓછી રજા મળશે.

જુનિયર કૉલેજના પ્રોફેસરોને પણ ચૂંટણીની ડ્યુટી અપાશે

શહેરની તમામ સ્કૂલો સહિત જુનિયર કૉલેજના પ્રોફેસરોને પણ ચૂંટણીના કામે લગાડવામાં આ‍વશે. લોકસભાની ચૂંટણી દરમ્યાન પણ જુનિયર કૉલેજના શિક્ષકોને ડ્યુટી સોંપવામાં આવી હતી. વોટિંગ બાદ ઈવીએમ (ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન)ની જવાબદારી શિક્ષકો પર નાખી દેવાતાં શિક્ષક વર્ગમાં નારાજગીનો માહોલ હતો એથી આ વખતે પણ લોકસભાની ચૂંટણી જેવી પરિસ્થિતિ ન સર્જાય એવી રજૂઆત કરવામાં આવી રહી છે.

mumbai news mumbai Election 2019