પોખરાજ તો મળી ગયો, પણ કોઈની આંગળીની શોભા કદાચ નહીં બને

12 January, 2020 07:43 AM IST  |  Mumbai Desk | Mehul Jethva

પોખરાજ તો મળી ગયો, પણ કોઈની આંગળીની શોભા કદાચ નહીં બને

મુલુંડમાં એક ચોર પોખરાજ ગળી જતાં પોલીસને એ કાઢવા માટે નાકે દમ આવી ગયો હતો. જેજે હૉસ્પિટલમાં ચાર દિવસની સારવાર કરાવ્યા બાદ શનિવારે બપોરે પોખરાજ નીકળી આવ્યો હતો. પોખરાજ ધાર્મિક કારણસર લોકો પહેરે છે. ૧.૨૦ લાખ રૂપિયાની કિંમતનો પોખરાજ જો એક્સપર્ટ નકારી કાઢશે તો એ કોઈ કામનો નહીં રહે. આવી ઘટના બાદ કોઈ એ પોખરાજ પહેરશે એ સંદર્ભે જ્વેલર ચિંતામાં મુકાઈ ગયો છે. 

જેજે હૉસ્પિટલના ડૉ. સંજય સુરાસે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ એક અજીબોગરીબ કિસ્સો હતો. સૌથી પહેલું કામ અમારું એ હતું કે દરદીને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચે. એ માટે આરોપી હુસેન ઇનાયત અલી ખાનને ૨૪ કલાક ડૉક્ટરની દેખરેખમાં રાખવામાં આવ્યો હતો. પોલીસ આરોપીને અમારી પાસે લઈ આવ્યા બાદ પહેલાં તેનો એક્સ-રે કાઢવામાં આવ્યો હતો અને એ પછી બ્લડ-ટેસ્ટ કરાવડાવ્યું હતું. ત્યાર બાદ સીટી સ્કૅન કરાવવામાં આવ્યું હતું. સીટી સ્કૅનમાં અમને પોખરાજ ક્યાં છે એ ચોક્કસ જગ્યાની ખબર પડી હતી એના આધારે અમે તેની સારવાર શરૂ કરી હતી. અમારા માટે પોખરાજની સાથોસાથ દરદીના જીવનું પણ એટલું જ મહત્ત્વ હતું. એટલે એ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. શનિવારે બપોરે તેને આપેલી દવાની અસર દેખાઈ હતી અને પોખરાજ મળ દ્વારા બહાર આવી ગયો હતો.
સુવર્ણપ્રભા જ્વેલર્સના માલિક રાકેશ સૂર્યાન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે  પોખરાજ તો અમને પાછો મળી જશે, પણ હવે એ પોખરાજ ચોક્કસ એક્સપર્ટ અને મહારાજને દેખાડવો પડશે, કેમ કે પોખરાજને લોકો ધાર્મિક ભાવનાથી ગળામાં કે અંગળીમાં પહેરે છે. આવી સ્થિતિ સર્જાયા બાદ આ પોખરાજ યોગ્ય રીતે ઉપયોગી થશે એ વિશે તો હવે એક્સપર્ટ જ કહી શકશે અને જો હવે આનો ઉપયોગ ન રહે તો ૧.૨૦ લાખ રૂપિયા કિંમતનો પોખરાજ મારા ઘરે જ રાખવો પડશે.

mumbai mulund