અમદાવાદથી મુંબઈની જગ્યાએ કલકત્તાના પ્લેનમાં બેસાડી દીધા સ્ટાફે

22 January, 2019 08:34 AM IST  |  | મમતા પડિયા

અમદાવાદથી મુંબઈની જગ્યાએ કલકત્તાના પ્લેનમાં બેસાડી દીધા સ્ટાફે

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદથી મુંબઈ આવી રહેલા ઈજાગ્રસ્ત ગુજરાતી મુંબઈગરાને પ્લેનના સ્ટાફે કલકત્તાની ફ્લાઇટમાં બેસાડી દીધા હતા. જોકે બીજા પૅસેન્જરે કરેલા સીટના દાવાને પગલે સ્ટાફની ભૂલ જાણવા મળી હતી. પછી ફ્લાઇટના સ્ટાફે માફી માગીને તેમને અમદાવાદથી મુંબઈની ફ્લાઇટમાં શિફ્ટ કર્યા હતા. જોકે ફ્લાઇટ સંબંધિત કંપનીએ આ વિશે તપાસ શરૂ કરી હોવાની સ્પષ્ટતા ‘મિડ-ડે’ને ફોન પર આપી હતી.

મને ખોટી ફ્લાઇટમાં બેસાડવાના પગલે રવિવાર સાંજની અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી કલકત્તાની ફ્લાઇટે વિલંબથી ઉડાન ભરી હતી એમ જણાવીને ગોરેગામમાં રહેતા મુંબઈની જાણીતી કંપનીમાં કામ કરતા ૫૩ વર્ષના ભરત દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ કવર કરવા માટે હું ત્રણ દિવસ અમદાવાદ ગયો હતો. એમ તો મારી ઘણી ટ્રિપ થાય છે અને હું જાણીતી ફ્લાઇટની કંપનીઓનો પ્લૅટિનમ કસ્ટમર છું. હું મુંબઈમાં હતો ત્યારે મને પગમાં ઈજા થઈ હતી અને ત્રણ દિવસના પ્રોગ્રામમાં મારા પગમાં ભારે દુખાવો શરૂ થયો હતો. મારી રવિવારે સાંજે 6.40 વાગ્યાની અમદાવાદથી મુંબઈ માટે ઇન્ડિગોની ફ્લાઇટની ટિકિટ બુક હતી. એ અનુસાર હું ઍરપોર્ટ પર પહોંચ્યો હતો અને મારા પગની સ્થિતિ જોઈને મને વ્હીલચૅર પર ફ્લાઇટ સુધી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મારા બોર્ડિંગ પાસની ત્રણથી વધુ વખત તપાસ કરવામાં આવી હતી. મને ૬ નંબરના ગેટ સુધી લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ થોડી વારે બીજી વ્યક્તિ મને ત્યાંથી ફ્લાઇટ સુધી લઈ ગઈ અને એમાં મારી સીટ ૨D પર મને બેસાડ્યો હતો. ધીરે-ધીરે પૅસેન્જરો આવવા લાગ્યા હતા. ત્યાં એક પ્રવાસી આવ્યો અને તેણે ૨D સીટ પોતાની હોવાનો દાવો કર્યો હતો. મેં મારા પગની ઈજા વિશે તેને જાણ કરી હતી. ત્યાર બાદ ઍર-હૉસ્ટેસ અને

ક્રૂ-મેમ્બરને આ વિશે અમે જણાવ્યું હતું ત્યારે મને ખબર પડી કે આ મુંબઈની નહીં પણ કલકત્તાની ફ્લાઇટ છે. જો બીજો પૅસેન્જર ન આવ્યો હતો તો એકસો એક ટકા હું કલકત્તા પહોંચવાનો હતો. ઍર-હૉસ્ટેસ અને ક્રૂ-મેમ્બરે મારી માફી માગી હતી. મને મુંબઈની ફ્લાઇટમાં બેસાડ્યો અને ગણતરીની મિનિટમાં ફ્લાઇટ શરૂ કરી હતી. જોકે ઇન્ડિગો ફ્લાઇટના સ્ટાફે કરેલી ભૂલને કારણે બન્ને ફ્લાઇટે વિલંબે ઉડ્ડયન ભર્યું હતું. મેં ટ્વિટર પર ઇન્ડિગોને મારી સાથે થયેલો અનુભવ ટ્વીટ કર્યો હતો.’

અમે ભરત દવેના કેસની તપાસ બેસાડી છે અમે જણાવીને ઇન્ડિગો કસ્ટમર કૅરના મનીષકુમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૨૪થી ૪૮ કલાકમાં તપાસ કરીને રિપોર્ટ આપીશું. જોકે આ બનાવ અમદાવાદ ઍરપોર્ટ પર બન્યો હોવાથી ત્યાંની દરેક વિગત લેવામાં આવશે. બે દિવસ બાદ જ હકીકત જાણવા મળશે.’

mumbai news indigo