તમે જે પનીર ખાઓ છો એ ચીઝ ઍનાલૉગ તો નથીને?

03 November, 2023 09:51 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

પનીર કરતાં અડધાથી ઓછી કિંમતે બનતો આ પદાર્થ પનીર કહીને છૂટથી પધરાવવામાં આવી રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

અત્યારે તહેવારોની મોસમ ચાલી રહી છે અને હવે દિવાળી ઢૂંકડી છે ત્યારે અનેક ઘરોમાં બહાર જઈને ખાવાનું અને ફૅમિલી સાથે બહાર પાર્ટી કરવાનું શરૂ થઈ ગયું છે. જોકે એમાં પણ કિશોરો અને યુવાનોમાં પનીરની આઇટમ ખાવી એ સામાન્ય બાબત છે. ફૅમિલી ગેધરિંગમાં પણ એકાદ-બે ડિશ તો પનીરની હોય એ સામાન્ય થઈ ગયું છે ત્યારે એ ડિશ જે તમે ખાઓ છો એમાં પનીર જ વપરાય છે કે પછી એના જેવું જ દેખાતું ચીઝ ઍનાલૉગ વાપરવામાં આવ્યું છે એ ચકાસી લેજો.    

નફો કરવા અનેક સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ, ખૂમચાવાળા પનીરને બદલ પનીર જેવું જ દેખાતું ચીઝ ઍનાલૉગ પનીરના નામે ગ્રાહકોને પ્રેમથી ખવડાવે છે અને ગ્રાહક બાપડો એનો ફરક જાણતો ન હોવાથી એ ખાય છે અને પનીરની ડિશના પૈસા ચૂકવે છે. પનીર એ કુદરતી રીતે દૂધને ફાડીને બનાવાતી આઇટમ છે. જો બે લિટર દૂધ હોય તો એમાંથી બહુ-બહુ તો ૨૫૦ ગ્રામ પનીર મળે છે, જ્યારે ચીઝ ઍનાલૉગ બનાવવામાં દૂધના પાઉડરમાં વનસ્પતિ ઘીનો ઉપયોગ થાય છે, જે ઓરિજિનલ પનીર કરતાં અડધા કરતાં પણ ઓછી કિંમતે તૈયાર થઈ જાય છે. ચીઝ ઍનાલૉગ દેખાવમાં પનીર જેવું જ હોવાથી પનીરને બદલે એને જ પનીર તરીકે ખપાવી એનો છૂટથી ઉપયોગ થાય છે અને લોકો સાથે છેતરપિંડી કરવાની સાથે તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થાય છે.

મૂળમાં જ્યાં દૂધનું ઉત્પાદન બહુ ઓછું છે એવા ભૌગોલિક વિસ્તારોમાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)એ ચીઝ એનાલૉગને માન્યતા આપી દીધી છે, પણ એ સસ્તામાં તૈયાર થઈ જતું હોવાથી અને પનીર જેવું જ દેખાતું હોવાથી એ આર્થિક દૃષ્ટિએ નફાકારક પુરવાર થતું હોવાથી અનેક જગ્યાએ પનીરને બદલે એનો ઉપયોગ થાય છે. જો ઘરે દૂધથી બનાવેલા પનીરમાં તમે સોય કે એવી બારીક સળી નાખીને બહાર કાઢશો તો એમાં પનીર ચોંટેલું નહીં રહે, જ્યારે ચીઝ ઍનાલૉગમાં સળી ખોસીને બહાર કાઢશો તો એમાં એ ચોંટેલું મળી આવશે.

આ બાબતે જ્યારે ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઑથોરિટી (એફડીએ)ના જૉઇન્ટ કમિશનર (ફૂડ) શૈલેશ આઢાવનો સંપર્ક કરવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે પનીરના નામે વેચાતા ચીઝ ઍનાલૉગ સામે તમે કશી કાર્યવાહી કરો છો? શું પનીરના નામે ચીઝ ઍનાલૉગ પધરાવનારાઓ સામે પગલાં લો છો? એનો જવાબ આપતાં ‘મિડ-ડે’ને કહ્યું કે ‘પનીરમાં મિલ્ક બેઝ ફૅટ હોય છે, જ્યારે ચીઝ ઍનાલૉગમાં ઑઇલ બેઝ ફૅટ હોય છે. એ ખરું કે ચીઝ ઍનાલૉગ પનીરની સરખામણીએ અડધા કરતાં ઓછી કિંમતે તૈયાર થાય છે. પનીરની જગ્યાએ ચીઝ ઍનાલૉગ આપી કસ્ટમર સાથે આર્થિક છેતરપિંડી થાય છે.’

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ચીઝ ઍનાલૉગ ખાવાથી શરીરને નુકસાન પહોંચે એવું ખરું? ત્યારે તેમણે કહ્યું કે આ વિશે તમને એફએસએસએઆઇ વધુ સ્પષ્ટતાથી કહી શકશે. બાકી અમે હાલમાયં ભેળસેળિયાઓ પર નજર રાખી રહ્યા છીએ. અમારી વિજિલન્સની ટીમ પણ કાર્યરત છે અને રેઇડ પાડી ડુપ્લિકેટ માવો અને એમાંથી બનાવેલી મીઠાઈઓ વગેરે જપ્ત કરી રહી છે. જો કોઈને પણ એવું લાગે કે કોઈ દુકાનદાર બનાવટી કે ડુપ્લિકેટ ચીજનો ઉપયોગ કરી વાનગી, મીઠાઈ વેચી રહ્યું છે તો અમારો સંપર્ક કરે, અમે તેમના પર કાર્યવાહી કરીશું.’      

એવું બહાર આવ્યું કે મિલ્ક પાઉડર અને કોસ્ટિક સોડાનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ માવો તૈયાર થાય છે અને એમાંથી અનેક મીઠાઈ બને છે જે મીઠાઈ બનાવનારા કારખાનેદારને બહુ સસ્તી પડે છે. જ્યારે સામે તેને ભાવ માવાની મીઠાઈનો મળે છે, એથી એફડીએ દ્વારા બનાવટી માવાવાળા પર પણ નજર રાખવામાં આવી રહી છે.    

એફએસએસએઆઇના ડેપ્યુટી ડિરેક્ટર કે. યુ. મેઢેકરનો સંપર્ક કરવાની કોશિશ કર્યા છતાં તેઓ નહોતા મળી શક્યા.

એફડીએ દ્વારા આપવામાં આવેલી સૂચના અને ટિપ્સ
‘સ્પેશ્યલ બરફી’નો ઉપયોગ માવાની મીઠાઈ બનાવવા માટે કરવો નહીં. જે બિલ આપો એના પર એફએફએસએઆઇનો લાઇસન્સ-નંબર લખેલો હોવો જોઈએ. 
એ મીઠાઈ કેટલા દિવસ સુધી ખાવી અથવા એની એક્સપાયરી ડેટ લોકોને દેખાય એ રીતે પૅકિંગ પર છપાયેલી હોવી જોઈએ.
મીઠાઈ અને અન્ય ફરસાણની આઇટમો બનાવતી વખતે સ્વચ્છતા જળવાય એનું પૂરતું ધ્યાન રાખવું.
મીઠાઈ બનાવવા માટેનો માવો અને અન્ય કાચો માલ એફડીએનું લાઇસન્સ ધરાવતા વેપારી પાસેથી ખરીદવો અને એનું બિલ સાચવવું. 
એ ખાવાની આઇટમો બનાવતી વખતે પાણી પણ સ્વચ્છ વાપરવું અને મીઠાઈ કે અન્ય ખાવાની વાગનીને સ્ટોર પણ વ્યવસ્થિત તાપમાન હેઠળ અને સ્વચ્છ જગ્યામાં કરવી. 
ફરસાણ બનાવતી વખતે વપરાયેલું તેલ બેથી ત્રણ જ વાર વાપરવું. 
 મીઠાઈ પર કે અન્ય આઇટમો પર માખી ન બેસે એનું ધ્યાન રાખવું અને એ આઇટમો જાળીથી કવર કરીને રાખવી. 
મીઠાઈ કે ખાવાની કોઈ પણ વાનગી બનાવવા કારીગરને ચામડીનો સંસર્ગજન્ય રોગ ન હોવો જોઈએ, એ બાબતે ખાસ કાળજી રાખવી.  

1800-222-365
જો કોઈને પણ શંકા જાય કે મીઠાઈ કે અન્ય વાનગીમાં ડુપ્લિકેટ વસ્તુ વપરાયેલી છે અથવા હલકી ગુણવત્તાવાળી વસ્તુ વપરાયેલી છે તો એફડીએને ફરિયાદ કરવા આ ટૉલ ફ્રી નંબર પર ફરિયાદ કરવી.

diwali Gujarati food mumbai food indian food mumbai mumbai news bakulesh trivedi