મુંબઈ: બાંદરા કોર્ટનો વિલે પાર્લેની સ્કૂલ વિરુદ્ધ ગુનો નોંધવાનો આદેશ

25 June, 2019 10:59 AM IST  |  મુંબઈ | પલ્લવી સ્માર્ત

મુંબઈ: બાંદરા કોર્ટનો વિલે પાર્લેની સ્કૂલ વિરુદ્ધ ગુનો નોંધવાનો આદેશ

પ્રતીકાત્મક તસવીર

બાંદરા કોર્ટે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનને વિલે પાર્લેની એ પ્રતિષ્ઠિત સ્કૂલ વિરુદ્ધ ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે જેના પર અરજીકર્તા વાલીએ તેમના બાળકને માનસિક ત્રાસ પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે. વર્ષની શરૂઆતમાં આ સ્કૂલમાં એક બાળક પર તેની ક્લાસમેટને અણછાજતી રીતે સ્પર્શ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. માની ન  શકાય એવી આ ઘટનામાં બાળકના વાલીઓએ ફરિયાદ કરી હતી કે ઘટના બાદ બાળક સાથે સ્કૂલમાં જે પ્રકારનો વર્તાવ થયો એ વધુ ત્રાસદાયી હતો.

મહારાષ્ટ્ર કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ ન મળતાં ફરિયાદી વાલીએ બાંદરાસ્થિત મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરી હતી. મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટના આદેશથી વાલીએ રાહત અનુભવી હતી. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘મને ખુશી છે કે કોર્ટે આ કેસમાં પોલીસને તપાસના આદેશ આપ્યા છે. અત્યાર સુધી અમે જ્યારે પણ પોલીસમાં પૂછપરછ કરવા જતા હતા તો મને ઉડાઉ જવાબ જ મળ્યા હતા. હવે પોલીસે તપાસ પૂરી કરવી પડશે.’

આ પણ વાંચો : મુંબઈમાં આજે ચોમાસું દસ્તક દેશે

‘મિડ-ડે’ આ ચોંકાવનારા બનાવ વિશે અગાઉ લખી ચૂક્યું છે. બાળકના વાલીનું કહેવું છે કે બાળકની ઉંમર જોતાં તેના પર મૂકવામાં આવેલો આક્ષેપ પાયાવિહોણો લાગે છે, જેને પોતાના સારા અને ખરાબ ટચ વચ્ચેનો ભેદ ખબર નથી તે કઈ રીતે અન્ય બાળકને અણછાજતો સ્પર્શ કરી શકે અને આથી વધુ તો સ્કૂલના અન્ય બાળકના વાલીઓ, શિક્ષકો અને સ્ટાફ તેમ જ મૅનેજમેન્ટની સામે બાળકની કરવામાં આવેલી પૂછપરછ વધુ  અપમાનજનક હતી.

mumbai news bandra santacruz pallavi smart