કચ્છી સહિયારું અભિયાનના પ્રયાસો છતાં ઇન્વેસ્ટરોમાં અસંતોષ

12 December, 2019 09:27 AM IST  |  Mumbai Desk | bakulesh trivedi

કચ્છી સહિયારું અભિયાનના પ્રયાસો છતાં ઇન્વેસ્ટરોમાં અસંતોષ

કચ્છી સહિયારું અભિયાન દ્વારા અનેક રોકાણકારોનાં અટવાયેલાં નાણાં પાછાં અપાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. દાદરમાં ધંધો કરતા અને હાલમાં વડાલામાં રહેતા સુનીલ ભેદા અને તેમના પરિવાર પાસે રોકાણકારોના અંદાજે ૨.૫ કરોડ રૂપિયા ફસાયા હતા. કચ્છી સહિયારું અભિયાન તેમની પાસેથી ૫૦ ટકા રકમ કઢાવવામાં સફળ થયું છે. જે રકમ ટુકડે-ટુકડે પાછી વળાઈ રહી છે. ગઈ કાલે પણ કેટલાક રોકાણકારો તેમનાં નાણાં લેવા કચ્છી સહિયારું અભિયાનની સાયનમાં આવેલી ઑફિસે આવ્યા હતા. રોકાણકારોએ અભિયાનના પ્રયાસને ચોક્કસ વખાણ્યા હતાં અને કહ્યું હતું કે સહિયારું અભિયાન ચલાવાયું એટલે અમને અમારાં આટલાં નાણાં પાછાં મળ્યાં.

મોટી ઉંમરના દીપકભાઈ સંઘોઈએ કહ્યું હતું કે ‘સુનીલ ભેદાએ અમારી પાસે ઍગ્રીમેન્ટ પર સહી કરાવીને ફુલ ઍન્ડ ફાઇનલ સેટલમેન્ટ કર્યું હોવાનું લખાવી લીધું છે. અમારું એટલું જ કહેવું છે કે અભિયાને એક એવી જોગવાઈ રાખવી જોઈતી હતી કે હાલમાં ભલે ૫૦ ટકા રકમ અપાઈ હોય, પણ ભવિષ્યમાં બાકીની રકમ પાછી આપવાની રહેશે. અમારા જેવા નાના રોકાણકારોએ તો વ્યાજ છોડો, મુદ્દલ પણ ખોયું. આવું ન થવું જોઈએ. જો આ શિરસ્તો પડી જશે તો જે પામતી-પહોંચતી અને સધ્ધર પાર્ટીઓ હશે એ પણ ૫૦ ટકામાં સેટલમેન્ટ કરતી થઈ જશે, જેના કારણે નાના રોકાણકારોને મોટો માર પડશે. હાલમાં તો અમારી મજબૂરી છે એટલે આ નાણાં લીધાં છે.’
કચ્છી વીસા ઓસવાળ સમાજની અનેક મોટી પાર્ટીઓ દ્વારા રોકાણકોરો પાસેથી નાણાં લઈ એ નાણાં પાછાં ન અપાતાં હજારો નાના રોકાણકારોનાં નાણાં ફસાઈ ગયાં છે. તે લોકો અલગ-અલગ અને છૂટક માગણી કરતા હોવાથી પાર્ટીઓ દ્વારા તેમને વ્યાજ તો છોડો, મુદ્દલ પણ આપવામાં ઢીલું વલણ અપનાવાતું હતું. એથી એક વર્ષ પહેલાં શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજન (મુંબઈ)એ આગળ આવી લોકોનાં ફસાયેલાં નાણાં પાછાં અપાવવા કચ્છી સહિયારું અભિયાન છેડ્યું હતું. એ વખતે દાદરમાં રોકાણકારોની એક જાહેર મીટિંગ રાખવામાં આવી હતી અને મંચ પર બેસેલા કચ્છી સમાજના મોવડીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે તે પાર્ટીઓ પાસેથી લોકોનાં નાણાં પાછાં અપાવવાના પ્રયાસ કરાશે. વ્યાજ કદાચ ન મળે, પણ મુદ્દલ તો પાછી અપાવીશું જ.
કચ્છી સહિયારું અભિયાન વતી અનિલ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાણાદલાલ લક્ષ્મીચંદ વીરાના થ્રૂ ૮૦થી ૧૦૦ જેટલા રોકાણકારોએ સુનીલ ભેદાની ત્રણ કંપનીમાં અંદાજે ૨.૫ કરોડ જેટલી રકમ રોકી હતી. ૨૦૧૫થી તેણે વ્યાજ આપવાનું પણ બંધ કરી દીધું હતું. રોકાણકારો જે એકબીજાને ઓળખતા પણ નહોતા તેમને એકછત નીચે લાવવાનું કામ કચ્છી સહિયારું અભિયાને કર્યું હતું. રોકાણકારો સુનીલ ભેદાના ઘરે પણ ગયા હતા. આખરે કચ્છી સહિયારું અભિયાનની મધ્યસ્થીથી ૫૦ ટકા રકમ પાછી આપવાનું નક્કી થયું હતું.
અનીલ ગાલાએ કહ્યું હતું કે અમે તો પૂરી રકમ કઢાવવા પ્રયાસ કર્યા હતા. એવી પણ કેટલીક પાર્ટીઓ છે જેણે રોકાણકારોને વ્યાજ નથી ચૂકવ્યું, પણ પૂરેપૂરી મુદ્દલ ચૂકવી દીધું હોય.

kutch business news mumbai mumbai news