શહેરમાં 1 પણ નવો કેસ નહીં, કોરોના ટેસ્ટ માટે 2 નવી લૅબોરેટરીઝ શરૂ કરાશે

16 March, 2020 08:27 AM IST  |  Mumbai Desk | Arita Sarkar

શહેરમાં 1 પણ નવો કેસ નહીં, કોરોના ટેસ્ટ માટે 2 નવી લૅબોરેટરીઝ શરૂ કરાશે

સેવન હિલ્સ હૉસ્પિટલ અને કસ્તુરબા હૉસ્પિટલમાં કોરાના વાઇરસની સારવાર માટેની સુવિધા જોવા પહોંચેલા રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે. તસવીર:આશિષ રાજે.

કોરોના વાઇરસના પ્રસાર પર નિયંત્રણની કાર્યવાહી ઝડપી બનાવવા સૅમ્પલ્સના ટેસ્ટિંગ માટે મુંબઈમાં બે વધુ લૅબોરેટરીઝ શરૂ કરવામાં આવશે. શહેરમાં નવા એક પણ પૉઝિટિવ કેસ નોંધાયા નથી, પરંતુ ઔરંગાબાદમાં ૫૯ વર્ષની મહિલાનો નવો કેસ નોંધાતાં રાજ્યમાં પૉઝિટિવ કેસની સંખ્યા ૩૨ પર પહોંચી છે. ઔરંગાબાદની તે મહિલા રશિયા અને કઝાખસ્તાનનો પ્રવાસ કરીને આવી છે.
મુંબઈ મહાનગરપાલિકાનાં નાયબ કાર્યકારી આરોગ્ય અધિકારી દક્ષા શાહે જણાવ્યું હતું કે ‘કસ્તુરબા હૉસ્પિટલમાં ટેસ્ટ કરવામાં આવેલાં ૪૩ સૅમ્પલ્સના રિપોર્ટ નેગેટિવ મળ્યા છે. હાલમાં કસ્તુરબા હૉસ્પિટલમાં ૯૩ જણને દાખલ કરવામાં આવ્યા છે. અમે ૧૮ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૪૫૮ દરદીઓને કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. એમાંથી ૩૮૦ના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ મળ્યા છે. અન્ય ટેસ્ટનાં પરિણામો મળવાનાં બાકી છે. કસ્તુરબા હૉસ્પિટલમાં ૧૦૦ દરદીઓની વ્યવસ્થા છે. એના કરતાં વધારે દરદીઓ આવશે તો કોરોનાના ચેપની સારવારની જોગવાઈ ધરાવતી અન્ય ચાર મ્યુનિસિપલ હૉસ્પિટલ્સમાં વ્યવસ્થા કરવામાં આવશે. આપણે રોગચાળાના બીજા તબક્કામાં છીએ. એનો અર્થ ‘પૉઝિટિવ ટેસ્ટેડ દરદીઓના સંપર્કમાં આવેલી વ્યક્તિઓના કેસ’ એવો થાય છે. એમાં રોગચાળો ફેલાતો રોકવા માટે મૉલ્સ અને થિયેટર્સ જેવાં સ્થળો બે અઠવાડિયાં માટે બંધ કરવામાં આવ્યાં છે. કસ્તુરબા હૉસ્પિટલમાં નવ પૉઝિટિવ દરદી (બે મહિલાઓ અને સાત પુરુષો)માંથી છ દરદીઓ સિનિયર સિટિઝન છે. અન્ય ત્રણ દરદીઓ ૩૦થી ૪૦ વર્ષ વચ્ચેની ઉંમરના છે. ૬૦ વર્ષથી વધારે ઉંમરના દરદીઓને ડાયાબિટીઝ અને હાઇપર ટેન્શન જેવી બીમારીઓ પણ છે. એ બધાની તબિયત સ્થિર છે. કસ્તુરબા હૉસ્પિટલમાં શરૂ કરવામાં આવેલા આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં ગઈ કાલે લગભગ ૨૫૦ જણ ગયા હતા. અત્યાર સુધીમાં આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં ગયેલા દરદીઓની સંખ્યા ૧૫૦૦નો આંકડો પાર કરી ગઈ છે. પાલિકાની તબીબી ટુકડીઓએ ૧૦,૦૦૦થી વધારે હાઉસિંગ સોસાયટીઓમાં તપાસ પૂરી કરી છે.’
આરોગ્ય પ્રધાને શું કહ્યું?
ગઈ કાલે આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સેવન હિલ્સ હૉસ્પિટલ અને કસ્તુરબા હૉસ્પિટલની મુલાકાતે ગયા હતા. એ મુલાકાત દરમ્યાન ટોપેએ કોરોનાના દરદીઓનાં સૅમ્પલ્સ ટેસ્ટ કરવા માટે આગામી પંદર-વીસ દિવસોમાં વધુ બે હૉસ્પિટલ્સમાં લૅબોરેટરીઝ શરૂ કરવાની જાહેરાત કરી હતી. હાલમાં કસ્તુરબા હૉસ્પિટલ અને કેઈએમ હૉસ્પિટલમાં સૅમ્પલ્સ ટેસ્ટ કરવાની વ્યવસ્થા છે. એ ઉપરાંત પરેલની હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં તથા ભાયખલાની જે.જે. હૉસ્પિટલમાં પણ લૅબોરેટરીઝ શરૂ કરવામાં આવશે. કસ્તુરબા હૉસ્પિટલમાં નવું સાધન લાવીને ટેસ્ટિંગની ક્ષમતા વધારીને રોજના ૩૫૦ સૅમ્પલ્સની કરવામાં આવશે.’
રાજેશ ટોપેએ કસ્તુરબા હૉસ્પિટલમાં દરદીઓને મળીને તેમને ઇન્ટરનેટ, ટીવી, ન્યુઝપેપર્સ તથા આરોગ્યપ્રદ આહારની સગવડોની બાંયધરી આપી હતી.

arita sarkar mumbai mumbai news coronavirus