નિતેશ રાણેની નફટાઈ: હાઈવેના એન્જિનિયરને કાદવથી નવડાવ્યો

05 July, 2019 08:16 AM IST  |  સિંધુદુર્ગ

નિતેશ રાણેની નફટાઈ: હાઈવેના એન્જિનિયરને કાદવથી નવડાવ્યો

સરકારી અધિકારી પર કાદવ ફેંકતા કાર્યકરો.

મુંબઈ-ગોવા એક્સપ્રેસવે પરના કાદવ અને ખાડાઓથી ત્રાસી ગયેલા લોકોનો રોષ ડેપ્યુટી એન્જિનિયર પ્રકાશ શેડેકરે સહન કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના પુત્ર અને વિધાનસભ્ય નિતેશ રાણે, મેયર સમીર નલાવડે અને સ્વાભિમાની પક્ષના કાર્યકરોએ પ્રકાશ શેડેકરને ગડ નદીના પુલ પર બાંધ્યો હતો અને સામાન્ય જનતા જે સહન કરે છે એનો અનુભવ તમે પણ કરો એમ કહેતાં તેમના માથે કાદવ ભરેલી બાલદી ઠાલવી હતી. આ ઘટનામાં ડેપ્યુટી એન્જિનિયરે પોલીસમાં ફરિયાદ કરતાં નિતેશ રાણે અને તેમના ટેકેદારો વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી. અગાઉ મધ્ય પ્રદેશના વિધાનસભ્ય આકાશ વિજયવર્ગીય સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમણે સરકારી અધિકારીને બૅટ વડે ફટકાર્યા હતા.

સંપૂર્ણ કણકવલી ડુબાડવાનો અધિકાર તમને કોણે આપ્યો એમ કહી તેમને ગડ નદી પુલથી જાણવલી પુલ સુધી ચલાવીને લઈ ગયા અને કીચડ અને રસ્તા પરના ખાડાઓની પરિસ્થિતિનો અનુભવ કરાવ્યો. આ ઉપરાંત કાર્યકરાએ તેમની સાથે ધક્કામુક્કી પણ કરી હતી.

દીકરાના વર્તનથી નારાયણ રાણે નારાજ

પુત્રના કીચડફેંક આંદોલન પ્રત્યે નારાયણ રાણેએ નારાજગી વ્યક્ત કરી છે. નિતેશ રાણેનું આ આંદોલન ખોટું છે. હાઇવે સંબંધે હાથ ધરાયેલું આંદોલન યોગ્ય હોય તો પણ એનો માર્ગ ખોટો છે એમ જણાવતાં નારાયણ રાણેએ કહ્યું હતું કે હિંસાચાર અને ધમાલ મચાવતા આ આંદોલનને હું ક્યારેય સમર્થન નહીં આપું.

mumbai-goa highway Crime News mumbai crime news