તુંગારેશ્વરમાં ડર્ટ બાઇકિંગની મોજ માણનારા નબીરા પકડાયા,જામીન પર છુટકારો

21 February, 2020 12:38 PM IST  |  Mumbai Desk | Ranjeet Jadhav

તુંગારેશ્વરમાં ડર્ટ બાઇકિંગની મોજ માણનારા નબીરા પકડાયા,જામીન પર છુટકારો

વન્યજીવપ્રેમીઓએ તુંગારેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની અંદર કાદવવાળા રસ્તા પર બાઇકર્સને રેસિંગ કરતાં જોયા તે અંગેના ‘મિડ-ડે’ના અહેવાલને પગલે વન વિભાગના અધિકારીઓએ પાંચ બાઇકસવારોની ધરપકડ કરી છે.
સાથે એવું પણ માલૂમ પડ્યું છે કે જે વ્યક્તિનો બાઇકનો નંબર સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો તે બાઇકિંગ ગ્રુપમાં સામેલ નહોતો.
અમે ૧૪ ફેબ્રુઆરીના રોજ ફિરોઝ ખાન, સાગર રામગડે, ઝુબિન પટેલ, અમિત જાપાની અને યોગી છાબરિયા – એ પાંચ બાઇકર્સની ધરપકડ કરી હતી. આરોપીઓને અદાલતમાં હાજર કરાયા હતા અને તેમને શરતી જામીન પર છોડવામાં આવ્યા છે, એમ તુંગારેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીના રેન્જ ફોરેસ્ટ ઑફિસર દિલીપ તોંડેએ જણાવ્યું હતું.

બાઇકર્સનો વિડિયો લેનારી વ્યક્તિએ એક બાઇકનો સ્ક્રીનશોટ પણ લીધો હતો, જેમાં વાહનનો રજિસ્ટ્રેશન નંબર જોઈ શકાતો હતો. એ બાઇક ભાવેશ બાંગેરાના નામે નોંધાયેલું હતું, પરંતુ જ્યારે વન વિભાગના અધિકારીઓએ બાંગેરાની પૂછપરછ કરી ત્યારે માલૂમ પડ્યું કે તે બાઇકિંગ ગ્રુપમાં સામેલ નહોતો.

‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં ભાવેશ બાંગેરાએ કહ્યું હતું કે વન વિભાગના અધિકારીઓએ પૂછપરછ માટે મારો સંપર્ક સાધ્યો હતો, પરંતુ ઘટના બની ત્યારે હું ત્યાં હાજર નહોતો. તેમણે મારો ફોન તપાસ્યો, મારું નિવેદન નોંધ્યું અને મને જવા દીધો.
બાઇકિંગની ઘટના પછી તુંગારેશ્વર અભયારણ્યની સલામતી વધારી દેવાઈ છે અને વન વિભાગે આવા બનાવ હવે ન બને તે માટે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.

mumbai mumbai news ranjeet jadhav