એનસીપીના લોકસભાના સાંસદે બીજેપીમાં જોડાવાની ટ્વીટ કરીને જાહેરાત કરી...

14 September, 2019 03:44 PM IST  |  મુંબઈ

એનસીપીના લોકસભાના સાંસદે બીજેપીમાં જોડાવાની ટ્વીટ કરીને જાહેરાત કરી...

ઉદયનરાજે ભોસલે

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) એનસીપીના સાતારાના સાંસદ ઉદયનરાજે ભોસલે આજે દિલ્હી ખાતે બીજેપીમાં પ્રવેશ કરશે. આ બાબતની માહિતી ઉદયનરાજેએ પોતે ટ્વીટ કરીને આપી છે. એનસીપી દ્વારા એમને રોકવાના પ્રયાસ નાકામ રહ્યા છે. વિધાનપરિષદના વિરોધી પક્ષ નેતા ધનંજય મુંડેએ ઉદયનરાજેનો સંપર્ક કરીને ફેરવિચાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉદયનરાજેએ ‘હું જાઉં છું, મારો સંપર્ક ન કરો’ એમ કહ્યું હોવાની માહિતી ધનંજય મુંડેએ આપી છે.

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને એનસીપીના રાજ્યના ચારમાંથી એક સાંસદ ઉદયનરાજે ભોસલે આજે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની હાજરીમાં ઘડિયાળ ઉતારીને બીજેપીમાં પ્રવેશ કરશે.

ઉદયનરાજેએ ટ્વીટમાં કહ્યું છે કે અત્યાર સુધી આપ સૌએ આપેલા પ્રેમ અને આશીર્વાદને જોરે સમાજકાર્ય કરવાની પ્રેરણા મળતી રહી છે. અપેક્ષા છે કે આ જ પ્રેમ અને આશીર્વાદ અવિરત મને મળતા રહેશે.

સાતારાના વિધાનસભ્ય અને ઉદયનરાજે ભોસલે પિતરાઈ શિવેન્દ્રસિંહ ભોસલે ૩૧ જુલાઈએ બીજેપીમાં જોડાયા હતા. ૨૦ વર્ષ જૂની એનસીપી પાર્ટીમાં ભૂતપૂર્વ પ્રધાનો સહિત એક પછી એક કરીને મોટા માથાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે એવામાં ઉદયનરાજેના જવાથી પક્ષને મોટો ફટકો પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ બીજેપીમાં જોડાયા બાદ ઉદયનરાજે રવિવારે સાતારામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ‘મહા જનાદેશ યાત્રા’માં સામેલ થશે.

mumbai