કોરોનાનાં લક્ષણ ધરાવતા દરદીઓને તપાસવાનો પાલિકાનો પ્રયાસ

08 May, 2020 11:27 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

કોરોનાનાં લક્ષણ ધરાવતા દરદીઓને તપાસવાનો પાલિકાનો પ્રયાસ

BMC મોબાઇલ ડિસ્પેન્સરી સેવા

મુંબઈની જેમ મીરા-ભાઈંદરમાં પણ કોરોનાના દરદીઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ વાઇરસના ફેલાવાને રોકવાના પ્રયાસરૂપે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ અહીંના સ્લમ કે બેઠી ચાલમાંના જેઓ દવાખાના સુધી નથી જઈ શકતા એવા લોકોની ચકાસણી માટે મોબાઇલ ડિસ્પેન્સરીની શરૂઆત કરી છે. આ સેવા માટે મહારાષ્ટ્ર ચેમ્બર્સ ઑફ કૉમર્સ હાઉસિંગ ડિસ્પેન્સરી નામની સંસ્થાએ ડૉક્ટરો, નર્સ, તબીબી સ્ટાફ તથા જરૂરી દવાઓથી સજ્જ ચાર મોબાઇલ ડિસ્પેન્સરી પાલિકાને પૂરી પાડી છે.

બુધવારે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં મેયર જ્યોત્સ્ના હસનાળે અને પાલિકા કમિશનર ચંદ્રકાંત ડાંગેની હાજરીમાં મીરા રોડના એસ. કે. સ્ટોન ખાતે આ મોબાઇલ ડિસ્પેન્સરીની શરૂઆત કરાવી હતી. આ સમયે કમિશનર ચંદ્રકાંત ડાંગે અને મેયરે કહ્યું હતું કે ‘પાલિકાના મેડિકલ કેન્દ્ર દ્વારા નાગરિકોને તબીબી સુવિધા અપાય છે. જોકે સંચારબંધીના સમયમાં કેટલાક બીમાર લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા કે શહેરના પ્રાઇવેટ ડૉક્ટરો પોતપોતાની સેવામાં વ્યસ્ત છે એવી સ્થિતિમાં લોકોની તબીબી તપાસ કરીને તેમની સારવાર કરી શકાય એ માટે આ સેવા પૂરી પાડનારી સંસ્થાના સહયોગથી પાલિકાએ મોબાઇલ ડિસ્પેન્સરી ચાલુ કરી છે.’
પાલિકાના સ્થાનિક નગરસેવકો આ મોબાઇલ ડિસ્પેન્સરી પોતાના વિસ્તારમાં લઈ જઈને સ્લમ, બેઠી ચાલ કે સોસાયટીઓમાં જઈને જેમને શરદી, તાવ કે ઉધરસ હોય તેમને દવા આપવાનું કામ શરૂ કરી શકે એવી વ્યવસ્થા કરાઈ છે. આથી લોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખીને પાલિકાની આ ફ્રી મોબાઇલ ડિસ્પેન્સરીનો લાભ લે એવું આહ્‌વાન મેયર જ્યોત્સ્ના હસનાળેએ કર્યું છે.

mira road bhayander mumbai mumbai news