મુમ્બ્રા પોલીસે ૧૨.૬૫ લાખના ડ્રગ્સ સાથે બે પેડલરને પકડ્યા

07 February, 2020 09:48 AM IST  |  Mumbai Desk

મુમ્બ્રા પોલીસે ૧૨.૬૫ લાખના ડ્રગ્સ સાથે બે પેડલરને પકડ્યા

મુમ્બ્રા પોલીસની એનડીપીએસ શાખાના કૉન્સ્ટેબલ ઉદય કિરપનને માહિતી મળી હતી કે જૂના મુંબઈ-પુણે રોડ પર રેતી બંદર પાસે ડ્રગ્સની ડિલિવરી થવાની છે. એથી તેણે આ સંદર્ભે તેના અધિકારીઓને વાત કરી હતી. સિનિયર અધિકારીઓએ ખાતરી કરી ટીમ સાથે ડ્રગ-પેડલરોને પકડી લેવા બુધવારે રાતે રેતી બંદર પાસે વૉચ ગોઠવ્યો હતો.

રાતના ૧૦ વાગ્યાની આસપાસ ખબરીએ આપેલી માહિતી મુજબ બે જણ આવ્યા હતા. એનડીપીએસના અધિકારીઓએ તેમની પૂછપરછ કરી તલાશી લેતાં તેમની પાસેથી એક પ્લાસ્ટિકની થેલીમાં ૨૫૦ ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું.

પોલીસ અધિકારીઓએ ડ્રગ જપ્ત કર્યું હતું. બન્ને આરોપી મનીષ બોરીચા અને રવી ખોડાની ધરપકડ કરી હતી. મનીષ મુંબઈના ભાયખલાના ઉમરખાડીનો રહેવાસી છે, જ્યારે રવિ ખોડા ઉર્ફે ભાઈવાલા કલકત્તામાં રહે છે. 

પોલીસે બન્ને સામે એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ડ્રગ તેઓ કોને વેચવાના હતા એની હાલમાં તપાસ ચલાવાઈ રહી છે.

આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવતાં કોર્ટે તેમને એક દિવસની એનડીપીએસ કસ્ટડી આપી હતી. પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.

Crime News mumbai police mumbai mumbra