મુંબઈગરાઓએ કોરોનાના ભયથી પકડી વતનની વાટ

23 March, 2020 07:29 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

મુંબઈગરાઓએ કોરોનાના ભયથી પકડી વતનની વાટ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો ઝડપથી ફેલાવો થઈ રહ્યો હોવાની સાથે મુંબઈને ૩૧ માર્ચ સુધી લૉકડાઉન કરવાને પગલે હજારોની સંખ્યામાં ગુજરાત અને રાજસ્થાનના પરિવારોએ શુક્ર અને શનિવારે વતનની વાટ પકડી હતી. બહારગામ માટેની ટ્રેનો જ્યાંથી ઉપડે છે એવાં તમામ રેલવે સ્ટેશનોએ આ બે દિવસ દરમ્યાન ચિક્કાર ભીડ ઊમટી હતી. પ્રાઈવેટ બસોવાળાઓએ પેસેન્જર દીઠ ત્રણથી પાંચ હજાર રૂપિયા વસૂલીને ઉઘાડી લૂંટ ચલાવી હોવાનું જાણવા મળ્યું હતું.
કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે એકમેકનો સંપર્ક ટાળવાની સૂચના અપાઈ હોવા છતાં ગભરાટને લીધે મુંબઈ છોડી રહેલા હજારો પરિવારો શનિવારે વિવિધ રેલવે સ્ટેશનોએ અને બસ સ્ટૅન્ડ પર જોવા મળ્યા હતા. વતન તરફની દોટને લીધે અનેક લોકોને વાઇરસનું ઇન્ફેક્શન લાગવાની પૂરેપૂરી શક્યતા હોવા છતાં લોકો એને ગંભીરતાથી લીધા વિના મનફાવે એવું વર્તન કરીને પોતાની સાથે બીજાઓના જીવ જોખમમાં મૂકતા જોવા મળ્યા હતા.
મુંબઈમાં ડાયમંડ અને ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ભાગના ગુજરાતી પરિવારો શુક્રવાર અને શનિવારે પરિવાર સાથે મુંબઈ છોડીને જતા જોવા મળ્યા હતા. ડાયમંડ પૉલિશનું કારખાનું ચલાવતા મીરા રોડમાં રહેતા મુકેશ સરધારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં ૩૧ માર્ચ સુધી બધું બંધ છે અને છોકરાઓને પણ વેકેશન પડી ગયું છે ત્યારે અહીં બેસવા કરતાં ગામમાં થોડો સમય આંટો મારવાના ઈરાદે અમે નીકળ્યા છીએ. અહીં કરતાં ત્યાં કદાચ વાઇરસની અસર ઓછી હશે. બધું સામાન્ય થશે ત્યારે આવીશું.’
કરિયાણા, પસ્તી સહિતની દુકાનો ધરાવતા રાજસ્થાનના મોટા ભાગના પરિવારો પણ છેલ્લા બે દિવસમાં મુંબઈથી નીકળી ગયા હતા. અનેક ટ્રેનો રદ કરાઈ હોવાથી બસોમાં ભારે ગિરદી જોવા મળી હતી. મુલુંડમાં રહેતા ઉદય જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય સંજોગોમાં ઉદયપુરના ૧૦૦૦થી ૧૨૦૦ રૂપિયા બસવાળા લે છે, પરંતુ અત્યારે તેઓ ૩૦૦૦થી ૫૦૦૦ રૂપિયા પડાવી રહ્યા છે. મુંબઈમાં રહેવું સલામત નથી અને અત્યારે બધું કામકાજ બંધ છે એટલે અમારે વતન જવા સિવાય કોઈ રસ્તો નથી. આથી અમારે બસવાળાઓ જેટલા માગે એટલા રૂપિયા આપવા પડે છે.’

coronavirus covid19 mumbai mumbai news