મુંબઈ મૅરથૉનમય : ગાંજ્યા ન જાય એ ગુજરાતી

21 January, 2019 09:07 AM IST  |  | રુચિતા શાહ / પ્રિતી ખુમાણ ઠાકુર / સાગર ગૌર / પૂજા ધોડપકર

મુંબઈ મૅરથૉનમય : ગાંજ્યા ન જાય એ ગુજરાતી

ઉઘાડા પગે મૅરેથૉનમાં ભાગ લેનાર નીતેશ ત્રિવેદી.

નવી મુંબઈની એક મૅન્યુફૅક્ચર કંપનીમાં મૅનેજર તરીકે કાર્યરત કોપરખૈરણેના નીતેશ ત્રિવેદીએ 42 કિલોમીટરની ફુલ મૅરથૉન ખુલ્લા પગે દોડી હતી. સામાન્ય રીતે મુંબઈગરાઓ 1 કિલોમીટર પણ ખુલ્લા પગે દોડી શકે નહીં ત્યારે નીતેશ ત્રિવેદી પુરા 42 કિલોમીટરનું અંતર ખુલ્લા પગે દોડ્યા હતા. 42 કિલોમીટર ખુલ્લા પગે દોડવા માટે નિતેશ ત્રિવેદીએ બે વર્ષ સુધી પ્રૅક્ટિસ કરી હતી. તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ ઘરેથી 9 કિલોમીટર દૂર આવેલી ઑફિસમાં દોડીને જતા અને આવતા હતા. આમ દર અઠવાડિયે ઓછામાં ઓછું ૫૫ કિલોમીટર દોડતા હતા. ૪૨ કિલોમીટરની દોડ પૂરી કરવામાં તેમણે કુલ 4 કલાક 21 મિનિટનો સમય લાગ્યો હતો. નિતેશ ત્રિવેદીની આ ૧૪મી ફુલ મૅરથૉન હતી. તેઓ સતત 12 વર્ષથી મૅરથૉનમાં દોડી રહ્યા છે. આ અગાઉ તેઓ સુરત, અમદાવાદ, નાશિક, સાતારા, અલીબાગની મૅરથૉનમાં પણ દોડી ચૂક્યા છે.

રનિંગ મારે માટે મોટિવેશન છે એમ જણાવતાં નિતેશ ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખુલ્લા પગે દોડવા પાછળ સાયન્સ છે. તમે બૂટ પહેરીને દોડો છો ત્યારે પાની પર પહેલું વજન પડે છે અને પગથી ઉપરના મસલ્સ ઝડપથી દુ:ખવા લાગે છે, જ્યારે તમે બૅર ફુટ દોડો ત્યારે પગનો મધ્ય ભાગ સૌથી પહેલાં શરીરને સ્થિર કરે છે. આમ ધરતી અને પગ વચ્ચે જોડાણ જળવાઈ રહે છે. ગયા વર્ષે હું મિલિંદ સોમન સાથે બૅર ફુટ દોડ્યો ત્યારે મને 42 કિલોમીટર આવી રીતે દોડવાની પ્રેરણા મળી હતી. ખરેખર કહું તો રોજ પ્રૅક્ટિસ કર્યા વગર 42 કિલોમીટર દોડવું શક્ય જ નથી. મારે બૅર ફુટ દોડવું હતું એથી છેલ્લાં બે વર્ષથી હું અઠવાડિયામાં ત્રણ દિવસ કોપરખૈરણેથી નવી મુંબઈ ૯ કિલોમીટર દોડીને ઑફિસ જતો અને ઘરે પાછો પણ દોડીને જ આવતો. આનાથી પેટ્રોલમાં પણ બચત થતી અને હેલ્થ જળવાઈ રહેતી હતી.’

વસઈ (વેસ્ટ)માં આવેલા આનંદનગરમાં રહેતા ૩૩ વર્ષના વૈભવ પંડ્યા ઘરમાં લગ્નમાં આવેલા મોટી સંખ્યામાં મહેમાનોની વચ્ચે ઘરવાળાઓને સમજાવીને લગ્નના બીજા દિવસે મૅરથૉનમાં ભાગ લેવા નીકળી ગયો હતો. પરિવારજનોને મૅરથૉનનું મહત્વ સમજાવીને એ ચૂકી જઈએ તો કુંભનો મેળો મિસ્ડ કર્યો કહેવાય એમ કહીને ગઈ કાલે હાફ મૅરથૉનમાં દોડ્યો હતો.

મૅરથૉનમાં જોડાવાનો મોકો મળે એ જતો ન કરાય એમ કહેતાં વૈભવ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે યોજાયેલી મૅરથૉનમાં મેં હાફ મૅરથૉનમાં ભાગ લીધો હતો. મુંબઈ મૅરથૉનમાં ભાગ લેવા ઘણો પરિશ્રમ કરીએ ત્યાર બાદ તે લોકો દોડવા આપે છે. હું છેલ્લા એક વર્ષથી મુંબઈ મૅરથૉન માટે તૈયારીઓ કરી રહ્યો છું. આ તૈયારીરૂપે હું જ્યારે સમય મળે ત્યારે દોડતો અને એક્સરસાઇઝ પણ કરતો હતો. મારા ગોળધાણાના ત્રણ દિવસ બાદ જુલાઈ મહિનામાં મૅરથૉનનું રજિસ્ટ્રેશન હતું અને મેં કરાવ્યું હતું. મૅરથૉન એ કુંભમેળા સમાન છે એથી જેમ આપણે કુંભમેળો મિસ્ડ કરતા નથી એમ મૅરથૉન પણ મિસ્ડ કરી શકાય નહીં. મૅરથૉન ‘વીચ હું કાન્ટ મિસ આઉટ’. મારાં બોરીવલીમાં રહેતી હિનલ સાથે લગ્ન થયાં હતાં. લગ્નનું ઘર એટલે ઘરમાં અસંખ્ય મહેમાનો અને અગણિત ધાર્મિક વિધિઓ હોય છે. એક બાજુએ લગ્નની શૉપિંગ અને બીજી બાજુ મૅરથૉનની તૈયારીઓ કરવાની હતી. એથી જેમ-જેમ સમય મળે એમ હું દોડવાની પ્રૅક્ટિસ કરતો હતો. કેટલા વાગ્યા છે એ જોતો જ નહોતો. નવ ડિસેમ્બરે વસઈ-વિરાર મૅરથૉન યોજાઈ હતી એમાં મેં પ્રૅક્ટિસ થાય એટલે ભાગ લીધો હતો અને ત્યાં મેં સારું પર્ફોર્મ કર્યું હતું. ગઈ કાલે ઘરમાં એટલા બધા મહેમાનો હતા અને વિવિધ પ્રકારની ધાર્મિક વિધિઓ ચાલી રહી હોવા છતાં મૅરથૉનને મિસ્ડ કરવી ન હોવાથી મેં બધાને સજાવીને ભાગ લીધો હતો.’x

mumbai marathon mumbai news milind soman