દાદરમાંની પ્રાર્થનાસભામાં કચ્છી જૈન મહિલાનું પર્સ થઈ ગયું છૂ

19 September, 2019 08:21 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા / ખુશાલ નાગડા

દાદરમાંની પ્રાર્થનાસભામાં કચ્છી જૈન મહિલાનું પર્સ થઈ ગયું છૂ

હૉલના સીસીટીવી કૅમેરામાં પર્સ ઉપાડીને જતો ચોર.

ચોરી અને લૂંટ આજકાલ સામાન્ય બની ગયું છે, પણ અવસાન બાદ રખાયેલી શોકસભામાં ગમગીન વાતાવરણ વચ્ચે ચોરી થાય તો કેવું લાગે? દાદરમાં તાજેતરમાં એક કચ્છી જૈન મહિલાનું ચાલું શ્રદ્ધાંજલિએ બે મોબાઈલ અને રોકડ રકમ સાથેનું પર્સ ચોરાઈ જવાની ચોંકાવનારી ઘટના બની હતી. નાલાસોપારામાં રહેતાં મહિલા માસીના અવસાન બાદ શોક વ્યક્ત કરવા પ્રાર્થનસભામાં ગયાં હતાં ત્યારે તેમનું પર્સ એક હટ્ટોકટ્ટો માણસ ઉપાડી ગયો હોવાનું સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ગયું છે. બધા મૃતકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા ત્યારે આ અજબ, બેશરમ, ઈશ્વરનોય ડર ન રાખતો ચોર હાથફેરો કરીને પલાયન થઈ ગયો હતો. દુ:ખની વાત એ છે કે નાલાસોપારાના મહિલાને તેમની દીકરીએ હપ્તેથી મોબાઈલ લઈ આપ્યો હતો, જેના હપ્તા પણ હજી પૂરા નથી થયા ત્યાં એ ચોરાઈ ગયો છે.

નાલાસોપારામાં એકલાં રહેતાં ૫૮ વર્ષના ચંચળબહેન મોહનલાલ વોરાના માસી લક્ષ્મીબહેન ગોસરનું અવસાન થતાં તેઓ ૧૧ સપ્ટેમ્બરે દાદર (પશ્ચિમ)માં આવેલા લધુ નિસર હૉલમાં બપોરે ૨થી ૩.૩૦ વાગ્યા દરમ્યાન રાખેલી પ્રાર્થનાસભામાં દુ:ખ વ્યક્ત કરવા ગયાં હતાં.

તેઓ હૉલમાં ગયા બાદ ખુરસીમાં પર્સ મૂકીને સગાંસંબંધીઓને મળવા માટે ગયાં હતાં. થોડી વાર પછી તેઓ પાછાં ફર્યાં ત્યારે પર્સ ગાયબ જોઈને તેઓ ચોંકી ઊઠ્યાં હતાં. પર્સમાં પોતાનો અને એક વર્ષ પહેલાં મૃત્યુ પામેલા દીકરાના મોબાઈલ સહિત ૨૦૦૦ રૂપિયાની રોકડ રકમ હતી. હૉલમાં હાજર લગભગ દરેક જણને પર્સ બાબતે ચંચળબહેને પૂછતાછ કરી, પણ કોઈએ આ વિશે ખબર ન હોવાનું કહ્યું હતું.

પર્સ ગુમાવનાર નાલાસોપારાનાં ચંચળબહેન વોરા

આખરે હૉલના સીસીટીવી કૅમેરાના ફુટેજ ચકાસાયા ત્યારે ખબર પડી કે એક હટ્ટોકટ્ટો માણસ પર્સ લઈ ગયો છે. સૌ હૉલની બીજી તરફ હતા ત્યારે ખુરસી પર રાખેલા બે પર્સમાંથી ચંચળબહેન વોરાનું પર્સ લઈને ઝડપથી હૉલની બહાર નીકળતો જોવા મળ્યો હતો. તેના બીજા હાથમાં કેટલાક કાગળિયા હતા.

ચંચળબહેને માસીને ગુમાવવાની સાથે એમની પ્રાર્થનાસભામાં પોતાનું પર્સ પણ ગુમાવ્યું હતું. ચોરની આ શરમજનક હરકતથી જાણી શકાય છે કે કોઈના દુ:ખમાં સહભાગી થવાને બદલે મોકો મળે તો લોકો પ્રાર્થનાસભા જેવા સ્થળેથી ચોરી કરતાં પણ અચકાતા નથી.

ચંચળબહેનની ડોમ્બિવલીમાં રહેતી પુત્રી સ્વાતી તેજસ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થોડાં વર્ષ પહેલાં પિતાનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ અને ગયા વર્ષે ભાઈનું અવસાન થયા બાદ મમ્મી નાલાસોપરામાં એકલા રહે છે. હું નાલાસોપારામાં રહું છું. મમ્મી સાથે વાત થઈ શકે એ માટે અમે તેમને ઈએમઆઈથી ૧૩,૦૦૦ રૂપિયાનો ફોન લઈ આપ્યો હતો. હજી એના ચાર ઈએમઆઈ બાકી છે ત્યાં જ એ ચોરાઈ ગયો. બીજું, મમ્મીના પર્સમાં ભાઈનો પણ ૧૫ હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ હતો, જેમાં તેનો અવાજ સાચવી રાખેલો. મમ્મીને એની યાદ આવે ત્યારે તેઓ અવાજ સાંભળતા. પુત્રની આખરી નિશાની પણ જવાથી એમને ખૂબ આઘાત લાગ્યો છે. મમ્મીએ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જો કે હજી સુધી પોલીસ તરફથી કોઈ રિસ્પૉન્સ મળ્યો નથી.’

આ પણ વાંચો : મુંબઈ, થાણેમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી

શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સૂર્યકાંત ગાયકવાડે મિડ-ડેને કહ્યું હતું કે ‘અમે ચોરીની ફરિયાદ નોંધીને પર્સમાં રાખેલા બન્ને મોબાઈલ નંબર ચાલુ છે કે બંધ એના પર નજર રાખી રહ્યા છીએ. સીસીટીવી કૅમેરાના ફુટેજ સંબંધિત વિભાગોમાં મોકલી દેવાયા છે, પરંતુ હજી સુધી આરોપીને ઓળખી શકાયો નથી. અમારા પ્રયાસ ચાલુ છે.’

mumbai mumbai news nalasopara dadar Crime News