સીએસએમટીમાં લોકલ ટ્રેન ફરી બફર સાથે અથડાઈ

31 August, 2019 10:05 AM IST  |  મુંબઈ

સીએસએમટીમાં લોકલ ટ્રેન ફરી બફર સાથે અથડાઈ

બફર સાથે અથડાઈ ટ્રેન

છત્રપ‌તિ શિવાજી મહારાજ ટર્મિનસ પર ગઈ કાલે એક મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. ત્રણ નંબરના પ્લૅટફૉર્મ પર આવેલી લોકલ ટ્રેનની બ્રેક ફેલ થતાં મોટરમૅને ઇમર્જન્સી બ્રેક મારતાં લોકલ બફર સાથે અથડાઈને અટકી ગઈ હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનમાલની હાનિ નહોતી થઈ.

ગઈ કાલે બપોરે અઢી વાગ્યે સીએસએમટી તરફ આવી રહેલી એક સ્લો લોકલ ટ્રેન પ્લૅટફૉર્મ-નંબર ત્રણ પર દાખલ થયા બાદ પ્રવાસીઓ ઊતરી ગયા હતા. જોકે કેટલીક સેકન્ડ બાદ લોકલ આગળની તરફ અચાનક ચાલવા માંડતાં એ બફર સાથે અથડાઈ હતી.

આ બનાવની જાણ થતાં રેલવે અધિકારી, રેલવે સુરક્ષા બળ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમયે મોટા ભાગના પ્રવાસીઓ લોકલમાંથી ઊતરી ગયા હોવાથી કોઈને ઈજા નહોતી થઈ. આ ઘટનાથી આ પ્લૅટફૉર્મ પર થોડા કલાક સુધી ટ્રેનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ અથડાયેલી ટ્રેનને કુર્લા કારશેડમાં મોકલવામાં આવી હતી. આ બાબતે રેલવેએ તપાસનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં બેલાપુર હાર્બર લોકલની બ્રેક ફેલ થતાં સીએસએમટી પર ડેડ-એન્ડ પરના બફર સાથે અથડાઈ હતી. ૨૦૧૫માં ભાઈંદર-ચર્ચગેટ લોકલ ટ્રેન ચર્ચગેટમાં બફર સાથે અથડાઈને પ્લૅટફૉર્મ પર ચડી ગઈ હતી. આ મામલામાં રેલવે પ્રશાસન દ્વારા મોટરમૅન-ગાર્ડની તપાસ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

mumbai news mumbai