ભાઇંદરના ગુજરાતી સોનીના ૮ લાખ રૂપિયાના સોના સાથે કારીગર પલાયન

15 July, 2019 10:43 AM IST  |  મુંબઈ

ભાઇંદરના ગુજરાતી સોનીના ૮ લાખ રૂપિયાના સોના સાથે કારીગર પલાયન

ભાઈંદરમાં સોનાનાં ઘરેણાં બનાવવાનું કામ કરતા ગુજરાતી સોનીના ૮ લાખ રૂપિયાની કિંમતના સોના સાથે બંગાળી કારીગર પલાયન થઈ ગયો હતો. નવઘર પોલીસે ફરિયાદ નોંધીને ૨૨૫ ગ્રામ સોના સાથે ગાયબ થઈ ગયેલા કારીગરને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘ભાઈંદર-ઈસ્ટમાં નવઘર રોડ પરની એક ઇમારતમાં મિતુલ બાલુભાઈ સોનીની સોનાનાં ઘરેણાં બનાવવાની કંપની છે. કંપનીમાં ચાર કારીગરો કામ કરે છે. પહેલી જાન્યુઆરીએ મિતુલ સોનીએ પોતાના જૂના કારીગર કાર્તિક બેરાને ૮,૧૬,૦૦૦ રૂપિયાનું ૨૫૫ ગ્રામ સોનું બંગડી બનાવવા માટે આપ્યું હતું. કાર્તિક બેરા બંગડી બનાવવાને બદલે સોનું લઈને ભાગી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ મિતુલ સોનીએ ફરિયાદ નોંધાવી છે.’

નવઘરના એક પોલીસ-અધિકારીએ જણાવ્યું કે ૨૫૫ ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયેલો કાર્તિક બેરા પશ્ચિમ બંગાળના હાવડામાં રહેતો હોવાથી તેને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. સોનું લઈને કારીગર ગાયબ થઈ ગયો હોવાની ઘટના ૨૦૧૯ની ૧ જાન્યુઆરીએ બની હતી, પરંતુ ફરિયાદી મિતુલ સોની તેમના પિતાનું અવસાન થતાં વતન સાવરકુંડલા ગયા હોવાથી તેમણે ૧૨ જુલાઈએ મુંબઈ આવીને ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

mumbai news Crime News