ડૉ.લાકડાવાલાની ફ્રી OPD સેવાને કારણે સ્થૂળ પોલીસો ફરી શેપમાં આવ્યા

15 July, 2019 10:49 AM IST  |  મુંબઈ | રૂપસા ચક્રબર્તી

ડૉ.લાકડાવાલાની ફ્રી OPD સેવાને કારણે સ્થૂળ પોલીસો ફરી શેપમાં આવ્યા

હવાલદાર રૂપાલી કદમ (પહેલા અને પછી)

૬ મહિના પહેલાં પોલીસ-ડિપાર્ટમેન્ટ સાથે મળીને જાણીતા બૅરિયાટ્રિક સર્જ્યન ડૉક્ટર મુઝફ્ફલ લાકડાવાલાએ સ્થૂળતાથી પીડાતા પોલીસ-કર્મચારીઓ માટે શરૂ કરેલી ફ્રી ઓપીડી સેવાનો લાભ હાલમાં ૧૦ પોલીસો લઈ રહ્યા છે. ડૉક્ટર લાકડાવાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પોલીસો માટે ફિટ રહેવું ખૂબ જરૂરી છે, પરંતુ તેમના કામની વ્યસ્તતાને લીધે તેમને માટે એ શક્ય બનતું નથી. બૅરયાટ્રિક સર્જરી મેડિક્લેમમાં કવર કરવામાં નથી આવતી એથી અમે આ સર્જરી મફતમાં કરીએ છીએ. છેલ્લા ૬ મહિનાથી અમે અઠવાડિયામાં બે વખત ઓપીડી ચલાવીએ છીએ.’

ડૉક્ટર લાકડાવાલાના ઓપીડીનો લાભ લેનારા ૧૦ લાભાર્થીઓમાંના એક ૩૫ વર્ષનાં રૂપાલી કદમે ટ્રીટમેન્ટ લેવાની શરૂ કરીને ફેબ્રુઆરીમાં સર્જરી કરાવી હતી. હાલમાં તેઓ અગાઉના ૧૩૨ કિલોમાંથી લગભગ ૩૮ કિલો વજન ઓછું કરી ચૂક્યાં છે. નાશિકનાં રહેવાસી રૂપાલી કદમે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૨૦૦૭માં મુંબઈ ટ્રાફિક પોલીસમાં જોડાઈ ત્યારે હું માત્ર ૬૫ કિલો વજન ધરાવતી હતી, પરંતુ મારી જીવનચર્યા સાથે હું સ્થૂળ થવા માંડી. રસ્તા પર ટ્રાફિક-હવાલદારની ડ્યુટી નિભાવતી વખતે પસાર થનારા લોકો મારી મજાક ઉડાડતા હતા એને કારણે હું ડિપ્રેશનમાં રહેતી હતી. એવામાં ડૉક્ટર લાકડાવાલાની જાહેરાત પર નજર પડતાં તેમનો સંપર્ક કર્યા બાદ વજન ઉતારવા બૅરિયાટ્રિક સર્જરી કરાવી. સર્જરી બાદ મારામાં ફરી આત્મવિશ્વાસનો સંચાર થયો છે.’

mumbai news