ગુજરાતી વેપારી બૅન્ક સામે કૉર્ટમાં ડિફૉલ્ટર કેમ જાહેર કર્યો?

06 November, 2019 07:37 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

ગુજરાતી વેપારી બૅન્ક સામે કૉર્ટમાં ડિફૉલ્ટર કેમ જાહેર કર્યો?

કેયુર શાહ

પોતાને ખોટી રીતે ‘ડિફૉલ્ટર’ની યાદીમાં મૂકનારી યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા સામે ઘાટકોપરના વેપારી કેયુર શાહે અદાલતમાં દાવો માંડ્યો છે. કેયુર શાહે તેમની કંપનીના અકાઉન્ટને નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)ની યાદીમાં મૂકવાની સ્થિતિ ઉક્ત બૅન્કની ઘાટકોપર-ઈસ્ટની બ્રાન્ચના અસહકારને કારણે પેદા થઈ હોવાનું જણાવ્યું હતું. દક્ષિણ મુંબઈના બ્રીચ કૅન્ડી વિસ્તારના રહેવાસી કેયુર શાહે બૅન્કની ઉક્ત બ્રાન્ચ પર પોતાને હેરાન કરવા અને તેમની કંપનીના અકાઉન્ટને વિના કારણ એનપીએની યાદીમાં મૂકવાનો આરોપ મૂકતો દાવો સિટી સિવિલ કોર્ટમાં માંડ્યો છે. કેસની આગામી સુનાવણી આવતી કાલ, ૭ નવેમ્બરે નિર્ધારિત કરવામાં આવી છે.

સોનાની આયાતનો ધંધો કરતા ૫૩ વર્ષના કેયુર શાહે નાણાકીય વર્ષ ૨૦૦૯-’૧૦માં યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાની ઘાટકોપર-ઈસ્ટની બ્રાન્ચમાંથી પાંચ કરોડ રૂપિયાની કૅશ ઍન્ડ ક્રેડિટ લીધી હતી. એ ધિરાણ માટે તેમણે તેમનો બ્રીચ કૅન્ડીનો વન બેડરૂમ હૉલ કિચનનો ફ્લેટ (કિંમત ૩.૫ કરોડ રૂપિયા) અને ઓપેરા હાઉસનું કમર્શિયલ પ્રિમાઇસિસ ગિરવે મૂક્યા હતા.

૨૦૧૨માં ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ કેયુર શાહના પ્રિમાઇસિસ પર તથા અન્ય ઝવેરીઓની પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. ત્યાર પછી કેયુરનો ધંધો ઘટવા માંડ્યો અને તેના ટર્નઓવર તથા પ્રૉફિટ તળિયે બેસવા માંડ્યા. કેયુર શાહે પરિસ્થિતિ સમજીને પોતાની પ્રૉપર્ટી વેચીને લોન ભરી દેવાનો વિચાર કર્યો હતો. ૨૦૧૩માં કેયુરે યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાની ઘાટકોપર-ઈસ્ટની બ્રાન્ચને પત્ર લખીને તેમનો સહકાર માગ્યો અને ફ્લૅટ વેચવા માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) માગ્યું હતું.

કેયુર શાહે જણાવ્યું હતું કે ‘એ વખતે મારી પાસે ૩.૬૫ કરોડ રૂપિયામાં ફ્લૅટ ખરીદનાર ગ્રાહક તૈયાર હતો. મેં બૅન્કને કહ્યું કે એ વેચાણ દ્વારા પ્રાપ્ત થનારી રકમ હું મારી કૅશ ઍન્ડ ક્રેડિટ લોન ભરપાઈ કરવા માટે કરીશ, પરંતુ મારી એ અરજી નામંજૂર કરવામાં આવી. એ અરજી ફગાવી દીધા બાદ મેં લોનના વ્યાજરૂપે એક કરોડ રૂપિયા બૅન્કને ચૂકવ્યા હતા. તેમ છતાં, બૅન્કે ૨૦૧૫માં લોનની બાકીની રકમ ભરવાના ભંડોળના અભાવનું કારણ દર્શાવતાં મારી કંપનીના અકાઉન્ટને એનપીએ જાહેર કર્યો હતો. આ વર્ષે ઑક્ટોબર મહિનામાં બૅન્કે મારો ફ્લૅટ વેચવાની જાહેરખબર અખબારોમાં આપી. એમાં રિઝર્વ પ્રાઇસ ૨.૮૫ કરોડ રૂપિયા નોંધવામાં આવી હતી. લિલામ નિષ્ફળ ગયું. જો બૅન્કે ૨૦૧૩માં મને સહકાર આપ્યો હોત તો તેમને લોનની રકમ મળી ગઈ હોત અને મારો અકાઉન્ટ એનપીએ કૅટેગરીમાં મુકાયો ન હોત. ઘાટકોપર બ્રાન્ચના અસહકાર બાબતે મેં બૅન્કના અનેક ઉપરી અમલદારોને લખેલા પત્રોનો કોઈ જવાબ ન મળ્યો. એ સંજોગોમાં કોઈ વિકલ્પ ન બચતાં રાહત અને દોષિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની અપેક્ષા સાથે અદાલતમાં અરજી કરી છે.’

union bank of india ghatkopar mumbai mumbai news sanjeev shivadekar