મુંબઈ: બેસ્ટની હડતાળના મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ

15 January, 2019 10:14 AM IST  | 

મુંબઈ: બેસ્ટની હડતાળના મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ

બેસ્ટ હડતાળનો આજે ચોથો દિવસ

બેસ્ટની સ્ટ્રાઇકને મુદ્દે ગઈ કાલે હાઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી બાદ કોર્ટે આદેશ આપ્યો છે કે જો આજે બપોરે ત્રણ વાગ્યા સુધી રાજ્ય સરકાર અને બેસ્ટ કર્મચારીઓનું યુનિયન હડતાળને મુદ્દે વાટાઘાટો કરીને કોઈ ઉપાય નહીં લાવે તો હાઈ કોર્ટ પોતાનો આદેશ સંભળાવશે અને એ આદેશનું પાલન બેસ્ટના યુનિયન અને BMCએ કરવાનું રહેશે. આઠ દિવસની હડતાળને કારણે બેસ્ટને ૨૦ કરોડનું નુકસાન થઈ ગયું છે.

હડતાળ ગેરકાયદે રીતે પાડવામાં આવી છે એમ જણાવતાં રાજ્યના ઍડ્વોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ ગઈ કાલે કોર્ટને કહ્યું હતું કે ‘યુનિયને પોતાની જાતે હડતાળ પાડવાનો નિર્ણય લીધો છે. કોર્ટ, રાજ્ય સરકાર અને ઑથોરિટીએ આ હડતાળને ગંભીરતાથી લીધી છે. એથી હડતાળ હવે પાછી ખેંચવી જોઈએ અને યુનિયને સહમતી સાધીને કોઈ વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ.’

હાઈ કોર્ટે આશુતોષ કુંભકોણીને આજે બપોરે ત્રણ વાગ્યે બંધ કવરમાં અંતિમ રિપોર્ટ આપવા જણાવ્યું છે.

યુનિયનની માગણી સ્વીકારવામાં આવશે તો ૫૫૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજો BMC પર ઝીંકાશે એવી દલીલ કરતા સરકારી વકીલે કોર્ટમાં કહ્યું હતું કે ‘BMC હમણાં એક હજાર કરોડ રૂપિયાથી વધુના નુકસાનમાં છે. આ ઉપરાંત બેસ્ટને નવી બસો પણ ખરીદવી પડશે અન્યથા એ શહેરને સર્વિસ પૂરી પાડી શકશે નહીં. આવી સ્થિતિમાં યુનિયનની માગણી સ્વીકારવાનું શક્ય નથી. કોર્ટના આદેશને પગલે બેસ્ટ યુનિયન અને રાજ્ય સરકાર તથા BMC વચ્ચે સંવાદ થાય એ માટે પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું હતું, પણ બેસ્ટનું યુનિયન અમારી સાથે કોઈ વાત કરવા તૈયાર જ નથી.’

BMCએ વાત સાંભળી ન હોવાથી યુનિયનને સ્ટ્રાઇક પર જવાની ફરજ પડી હતી એમ જણાવતાં બેસ્ટના યુનિયને કોર્ટને કહ્યું હતું કે ‘BMCના બૅન્ક-અકાઉન્ટમાં ૫૦ હજાર કરોડનું ભંડોળ છે આમ છતાં તેઓ બોજની વાતો કરી રહ્યા છે. મહાનગરપાલિકાનો 50 ટકા જેટલો સ્ટાફ બેસ્ટમાં કામ કરતો હોવા છતાં તેમને અમારી ફરિયાદો વિશે કોઈ ચિંતા નથી.’

આ તમામ ઘટનાક્રમ દરમ્યાન ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ફોન કરી બેસ્ટની હડતાળ પર કોઈ નિર્ણય લાવવા કહ્યું હતું. શિવસેના BMCમાં સત્તા પર છે. એથી મુંબઈની જીવાદોરી સમાન બેસ્ટની સર્વિસ છેલ્લા નવ દિવસથી બંધ છે. ૩૨ હજાર કર્મચારીઓની હડતાળને કારણે ૩૭૦૦ બસ બંધ છે.

MNSએ બેસ્ટનો ગુસ્સો કાઢ્યો મેટ્રો અને કોસ્ટલ રોડ પર

બેસ્ટ કર્મચારીઓની હડતાળને સમર્થન આપવા MNS પણ હવે આ વિવાદમાં પડી છે. મુંબઈગરાઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી ગઈ કાલે સવારે કોસ્ટલ રોડ અને મેટ્રો ૩નું કામ MNS કાર્યકર્તાઓએ જબરદસ્તી બંધ કરાવ્યું હતું. દરમ્યાન MNSના કાર્યકર્તાઓએ સાયન-પનવેલ હાઇવે પરથી ચેમ્બુર જતી નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસો રોકી મુસાફરોને નીચે ઉતારી દીધા હતા.

આ પણ વાંચો : મુંબઈ: કાપડની કંપનીના HR હેડે આચર્યું 95 લાખનું કૌભાંડ

સુભાષ દેસાઈને કૅબિનની ચિંતા

શિવસેનાની ટ્રાન્સપોર્ટ સેનાનું નેતૃત્વ કરતા હાજી અરાફાત શેખ તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા પછી તેમને લઘુમતી પંચના અધ્યક્ષનું પદ આપવામાં આવ્યું છે, જ્યારે ઉપાધ્યક્ષપદે સુભાષ દેસાઈની અંગત વ્યક્તિ જી. એમ. અભ્યંકરને નિયુક્ત કરવામાં આવી છે. લઘુમતી પંચમાં અધ્યક્ષની કૅબિન ઉપાધ્યક્ષ કરતાં મોટી હોવાનો વિવાદ ચાલી રહ્યો છે એનો ઉલ્લેખ કરતાં તેમણે મુંબઈના પાલકપ્રધાન સુભાષ દેસાઈ પર નિશાન તાકતાં કહ્યું હતું કે ‘મુંબઈમાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે એના પર ધ્યાન આપવાને બદલે સુભાષ દેસાઈ ઉપાધ્યક્ષની કૅબિન કરતાં અધ્યક્ષની કૅબિન મોટી હોવાના વિવાદને લઈને લઘુમતી પંચની કચેરીમાં ધક્કા ખાવામાં સમય વેડફી રહ્યા છે.’

mumbai news