અલીબાગમાંથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની ઍન્ટિક મૂર્તિઓ જપ્ત

24 September, 2019 11:29 AM IST  |  મુંબઈ

અલીબાગમાંથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની ઍન્ટિક મૂર્તિઓ જપ્ત

વિષ્ણુ અને લક્ષ્મીજીની ઍન્ટિક મૂર્તિ

થાણેના નૌપાડા વિસ્તારમાં ભગવાન વિષ્ણુની બારમુખી અને લક્ષ્મીજીની ઍન્ટિક મૂર્તિઓ વેચવા આવનારા ત્રણ આરોપીની ક્રાઈમ બ્રાન્ચની યુનિટ-૧ની ટીમે ગઈ કાલે ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી બન્ને ભગવાનની સાડા આઠ કિલો અને સાડા છ કિલોની બે અમૂલ્ય મૂર્તિ જપ્ત કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ થાણેના નૌપાડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના દાખલ કરાયેલા એક કેસના વૉન્ટેડ આરોપીઓને શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચની યુનિટ-૧ના સબ ઈન્સ્પેક્ટર સંદીપ બાગુલ તેમની ટીમ સાથે કાર્યરત હતા. બે દિવસ પહેલાં તેઓ અલીબાગમાં તપાસ માટે ગયા હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે ત્રણ આરોપીઓ ભગવાનની ઍન્ટિક મૂર્તિઓ વેચવા આવવાના છે. આથી પોલીસે અલીબાગમાં સારળપુલ ગોકુલ ઢાબા ખાતે છટકું ગોઠવ્યું હતું.

બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચે માંડવા પોલીસ સ્ટેશનની મદદથી સફેદ કલરની ઈનોવા કારને આંતરી હતી. કારમાં બેઠેલા ત્રણ જણને તાબામાં લેવાયા હતા. કારની તપાસ કરાતાં ડીકીમાં રાખેલી એક બૅગમાંથી પીળી ધાતુની ભગવાન વિષ્ણુની ૮ કિલો ૭૦૦ ગ્રામ વજનની બારમુખી ઍન્ટિક મૂર્તિ અને લક્ષ્મીજીની ૬ કિલો ૮૨૭ ગ્રામની આવી જ મૂર્તિ મળી આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતી વિદ્યાર્થિનીના વિનયભંગના આરોપસર યુવકની ધરપકડ

આ મૂર્તિઓ કોની છે, ક્યાંથી લાવ્યા અને કોને આપવાની છે એની આરોપીઓએ માહિતી ન આપતાં એમની ઍન્ટિક મૂર્તિની હેરાફેરી કરીને એને ગેરકાયદે રીતે વેચવા લઈ જવાના આરોપસર ધરપકડ કરવામાં આવીને આગળની તપાસ કરવા કેસ માંડવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હોવાનું સિનિયર ઈન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ જણાવ્યું હતું.

alibaug mumbai mumbai news