મુંબઈ: પાંચ જિલ્લામાં પૂરથી 3.78 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા

12 August, 2019 01:36 PM IST  |  મુંબઈ

મુંબઈ: પાંચ જિલ્લામાં પૂરથી 3.78 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા

અમિત શાહે કર્યું હવાઈ નિરીક્ષણ

પશ્ચિમ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત સાંગલીના બ્રહ્મનાળ ગામમાં હોડી ઊંધી વળવાની ગુરુવારે બનેલી દુર્ઘટનામાં વધુ પાંચ મૃતદેહો મળતાં મરણાંક ૧૭ થયો છે. ગુરુવારે બચાવકાર્ય દરમ્યાન હોડી ઊંધી વળવાને લીધે તણાઈ ગયેલા લોકોમાંથી ૯ જણના મૃતદેહ મળ્યા હતા. એ દુર્ઘટનાના ૩ જણના મૃતદેહ શનિવારે અને ૫ જણના મૃતદેહ ગઈ કાલે મળ્યા હતા. આ સાથે છેલ્લા એક અઠવાડિયામાં પાંચ પૂરગ્રસ્ત જિલ્લામાં પૂરનો મરણાંક ૪૦ થયો છે.

સાંગલી અને કોલ્હાપુરમાં શનિવારથી પૂરનાં પાણીની સપાટી ઊતરી રહી છે. એ બે જિલ્લાના ૩.૭૮ લાખ સહિત રાજ્યના પૂરગ્રસ્ત જિલ્લામાંથી અત્યાર સુધી ૪.૨૪ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એકલા કોલ્હાપુર જિલ્લામાંથી ૨.૩૩ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નાશિક, પુણે, પાલઘર, થાણે અને રત્નાગિરિ સહિત અનેક જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કોલ્હાપુર જિલ્લાના ૬૯ તાલુકામાંનાં ૭૬૧ ગામડાં પૂરમાં ફસાયેલાં છે. કોલ્હાપુર અને સાંગલી જિલ્લાઓમાં ૪૩,૯૨૨ પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. કોલ્હાપુરમાં જોખમી જળસપાટી ૪૭ ફુટ છે, પરંતુ હાલમાં એ બાવન ફૂટે પહોંચી છે. પૂરના દિવસોમાં જિલ્લામાં જળસપાટી ૫૭ ફુટ સુધી પહોંચી હતી. બચાવ અને રાહતકાર્ય માટે કોલ્હાપુરમાં ૭૪ અને સાંગલીમાં ૯૩ બોટ કાર્યરત છે. પૂરગ્રસ્તો માટે રાહત છાવણીઓની સંખ્યા કોલ્હાપુરમાં ૧૮૭ અને સાંગલીમાં ૧૧૭ છે.

કોલ્હાપુરમાં પાણી ભરાવાને લીધે માર્ગ વાહનવ્યવહાર બંધ હોવાથી હેલિકૉપ્ટર દ્વારા ફૂડ-પૅકેટ્સ પહોંચાડવામાં આવી રહ્યાં છે. પૂરગ્રસ્તોને તબીબી સહાય માટે થાણેથી ૧૦૦ પ્રાઇવેટ ડૉક્ટર્સ સાંગલી અને કોલ્હાપુર પહોંચી રહ્યા છે. એ તબીબો દવા ઉપરાંત પૂરગ્રસ્તો માટે કપડાં અને ધાબળા પણ સાથે લઈ જશે. વીજપુરવઠો આપતી મહાવિતરણ કંપનીએ કોલ્હાપુર અને સાંગલીમાં પૂરને કારણે નુકસાન પામેલા પાવર-મીટર્સ વિનામૂલ્ય બદલી આપવાની જાહેરાત કરી હતી. કોલ્હાપુરના હસુર અને નરસિંહવાડી ગામમાં પૂરને કારણે અસાધારણ પ્રમાણમાં નુકસાન થયું હોવાનું નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્યના ૧૦ પૂરગ્રસ્ત જિલ્લામાં બચાવ અને રાહતકાર્યમાં નૅશનલ ડિઝૅસ્ટર રિલીફ ફોર્સની ૨૯, સ્ટેટ ડિઝૅસ્ટર રિલીફ ફોર્સની ૩, કોસ્ટગાર્ડની ૧૬, નૌકાદળની ૪૧ અને લશ્કરની ૨૧ ટુકડીઓ સક્રિય છે. દરમ્યાન કર્ણાટકના અલમાતી બંધમાંથી ૫.૩ લાખ ક્યુસેક પાણી છોડાતાં પશ્ચિમ મહારાષ્ટ્રમાં પૂરનું જોર ઘટ્યું હતું. સાતારામાં કોયના બંધમાંથી ૫૩,૮૮૨ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જોકે કોયના બંધના કૅચમેન્ટ ક્ષેત્રમાં અનરાધાર વરસાદનો સિલસિલો ચાલુ છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે પૂરની આક્રમકતા અને બચાવ-રાહતકાર્યનું નિરીક્ષણ કર્યું હતું. ૨૦૦૫માં અતિવર્ષાને કારણે વિનાશક પૂરપ્રકોપને યાદ કરતાં ફડણવીસે જણાવ્યું હતું કે એ વર્ષ કરતાં બમણો વરસાદ આ વર્ષે પડ્યો છે.

પૂરગ્રસ્ત કોલ્હાપુર અને સાંગલી જિલ્લાઓમાં ઉપયોગ માટેનું પાણી સ્વચ્છ કરવા માટે ક્લોરિનની એક કરોડ ટીકડીઓની વહેંચણી કરવામાં આવી હોવાનું રાજ્યના આરોગ્ય ખાતાના પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું. એકનાથ શિંદેએ સાંગલી અને કોલ્હાપુરમાં પૂરગ્રસ્તોની સારવાર માટે સરકાર તરફથી ૭૦ અને રાજ્યનાં અન્ય પૂરગ્રસ્ત ક્ષેત્રોમાં ૩૨૫ તબીબી ટુકડીઓ મોકલવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

શિંદેએ જણાવ્યું હતું કે ‘પૂરમાં તણાઈ આવેલા સાપ લોકોના ઘરમાં ઘૂસ્યા છે. સાવચેતીના પગલારૂપે સર્પદંશથી રક્ષણ માટેની રસીનો ઘણો પુરવઠો બન્ને જિલ્લામાં મોકલવામાં આવ્યો છે. કોલ્હાપુરમાં ૧૨,૦૦૦ અને સાંગલીમાં ૫,૦૦૦ વૅક્સિન્સ સર્પદંશથી રક્ષણ માટે મોકલવામાં આવી છે. લેપ્ટોસ્પાઇરોસિસની સારવાર માટેની ૮ લાખ ગોળીનું સાંગલીમાં વિતરણ કરવામાં આવ્યું છે અને કોલ્હાપુરમાં ડૉક્સિસાઇક્લિનની ૧૨ લાખ ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.

વરસાદની અસમતુલા ચિંતાનો વિષય : પ્રકાશ જાવડેકર

દેશના વિવિધ પ્રાંતોમાં ચોમાસામાં વરસાદની અસમતુલા ચિંતાનો વિષય હોવાનું કેન્દ્રના પર્યાવરણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું. જાવડેકરે પુણેમાં જણાવ્યું હતું કે ‘પર્યાવરણમાં ફેરફારને કારણે દેશના કેટલાક પ્રાંતોમાં અતિશય વરસાદ પડી રહ્યો છે અને કેટલાક પ્રાંત હજી વરસાદની પ્રતીક્ષામાં છે. ક્લાઇમેટ ચેન્જની વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે. હાલની અતિવર્ષાને પર્યાવરણમાં પરિવર્તન સાથે સીધો સંબંધ છે. અડધા ભારતમાં સૂકા દુકાળનું જોખમ છે અને કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર તથા ગુજરાત જેવાં રાજ્યોમાં લીલા દુકાળનું જોખમ તોળાઈ રહ્યું છે.’

જાવડેકરે કોલ્હાપુર અને સાંગલી ઉપરાંત વડોદરામાં ટૂંકા ગાળામાં ભારે વરસાદનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બીજેપી-એનસીપી વચ્ચે રાહતસામગ્રીના ફોટોનું રાજકારણ

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્‌વિટર પર રાહતસામગ્રીના થેલા સાથે મુખ્ય પ્રધાનની તસવીરો બાબતે વિરોધ પક્ષોએ બીજેપીની ટીકા કર્યા પછી શાસક પક્ષે એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલ પૂરની મુસીબત દરમ્યાન પણ પોતાનો પ્રચાર કરતા હોવાનો આરોપ મૂક્યો હતો. એના જવાબમાં એનસીપીએ જયંત પાટીલની બદનક્ષી માટે તેમનો મોર્ફિંગ કરેલો ફોટો વાપરવાનો આક્ષેપ બીજેપી પર કર્યો હતો.

જયંત પાટીલનો પોતાની તસવીરનાં સ્ટિકર્સ ધરાવતાં પૂરગ્રસ્તો માટેના નાસ્તાનાં બૉક્સ સાથેના ફોટો સહિત પાટીલ પ્રચારભૂખ્યા હોવાનો આરોપ મૂકતી પોસ્ટ ટ્‌વિટર પર બીજેપીએ મૂકી હતી, પરંતુ એનસીપીએ એવી સ્પષ્ટતા કરી હતી કે જયંત પાટીલે તેમના પિતા સ્વ. રાજારામ બાપુ પાટીલની જન્મશતાબ્દીના પ્રસંગે નાસ્તાનાં બૉક્સ વહેંચ્યાં એ વખતની તસવીર બીજેપીએ ટ્‌વિટર પર પોસ્ટ કરી છે.

અગાઉ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપીના ઇચલકરંજીના વિધાનસભ્ય સુરેશ હલવણકરની તસવીરોનાં સ્ટિકર્સ સાથેની ઘઉં અને ચોખાની રાહતસામગ્રીની તસવીરોને કારણે બીજેપીની ઘણી ટીકા થઈ ચૂકી છે. એના જવાબમાં બીજેપીએ જયંત પાટીલની તસવીરોનાં સ્ટિકર્સ ધરાવતાં નાસ્તાનાં બૉક્સ સાથેની તસવીરો ટ્‌વિટર પર પોસ્ટ કરી હતી.

આ પણ વાંચો : નઝીમ ખાને ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચલાવીને સરકારને કરોડો રૂપિયામાં નવડાવી

અમિત શાહે કર્યું હવાઈ નિરીક્ષણ

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે મહારાષ્ટ્રના ત્રણ પૂરગ્રસ્ત જિલ્લાઓના હવાઈ નિરીક્ષણ બાદ કર્ણાટકના બેલગામમાં પણ પૂરની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ગઈ કાલે સવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પશ્ચિમ મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ અને રાજ્ય સરકારે લીધેલા પગલાંની માહિતી આપ્યા બાદ અમિત શાહ સાંગલી, સાતારા અને કોલ્હાપુર જિલ્લામાં હેલિકૉપ્ટર દ્વારા નિરીક્ષણ માટે રવાના થયા હતા.

kolhapur sangli mumbai mumbai rains