ફિટનેસ કે ચીટનેસ: વાયએફસી સેન્ટરના માલિકની ધરપકડ

05 November, 2019 08:44 AM IST  |  Mumbai | Jaydeep Gatrana

ફિટનેસ કે ચીટનેસ: વાયએફસી સેન્ટરના માલિકની ધરપકડ

વાયએફસી સેન્ટર

મુંબઈ શહેરના એક પ્રખ્યાત ફિટનેસ સેન્ટરે તેના મેમ્બરો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ વી.પી. રોડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને રવિવારે રાતે ફિટનેસ સેન્ટરના માલિક રીઝવાન મોઇનુદ્દીન સૈયદની ધરપકડ કરી હતી. આરોપી રીઝવાનને કોર્ટમાં હાજર કરવામાં આવતાં વધુ પૂછપરછ માટે તેને ૬ નવેમ્બર સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જોકે આ કેસમાં અન્ય આરોપી મનીષા રિઝવાન સૈયદ હાલ ફરાર હોવાથી પોલીસે તેની શોધ આદરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ‘મિડ-ડે’એ રવિવારે રીઝવાન સૈયદે છેતરપિંડી કરી હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

વી. પી. રોડ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ભોગ બનેલા અનેક લોકોએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ‘ત્રણ વર્ષથી દક્ષિણ મુંબઈના ઓપેરા હાઉસ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા વિસ્તારમાં ચાલતું વાયએફસી ફિટનેસ સેન્ટર જુલાઈ મહિનામાં અચાનક જ બંધ કરીને નજીકમાં જ ખોલવામાં આ‍વ્યું હતું. નજીકમાં જ ખોલવામાં આવેલા સેન્ટરમાં સેન્ટરે જૂના મેમ્બરોની રિન્યુઅલ ફી અને નવા મેમ્બરો પાસેથી ફી પેટે હજારો રૂપિયા લીધા હતા.

કોઈ કારણસર એ સેન્ટર પણ બંધ થઈ ગયું હતું અને એને ગ્રાન્ટ રોડ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જોકે આ જગ્યાએ પણ પૂરતાં સાધનો ન હોવાથી અને સમયસર સેન્ટર ખુલ્લું ન મુકાતાં મેમ્બરોએ પોતાના મેમ્બરશિપના પૈસા પાછા લેવા માટે દોટ મૂકી હતી. દરેક વખતે મેમ્બરો દ્વારા સેન્ટરના માલિકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતી હતી.’

સિનિયર ઇન્સ્પેક્ટર ગુલાબરાવ મોરેએ ‘મિડ-ડે’ને માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘છેલ્લા અનેક દિવસથી નાસતા ફરતા વાયએફસી ફિટનેસ સેન્ટરના માલિક રીઝવાન સૈયદની રવિવારે મોડી રાતે ધરપકડ કરવામાં આવી હતી. વધુ પૂછપરછ માટે કોર્ટે ૬ નવેમ્બર સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. અમારી પાસે અનેક મેમ્બરોએ ફરિયાદ કરી છે.

આ પણ વાંચો: મલાડ માર્વે બીચમાં ડૂબતા યુવાનને બચાવવા માટે કૂદકો મારનાર ગુજરાતીનું મોત

ફરિયાદીઓની યાદી હજી વધવાની શક્યતા છે. અમે હાલમાં જે લોકો સાથે છેતરપિંડી થઈ છે તેમનાં નિવેદનો નોંધી રહ્યાં છીએ. અમે રીઝવાનની આ કેસમાં પૂછપરછ કરી રહ્યા છીએ અને ફરાર આરોપી મનીષાની શોધ આદરી છે.’

mumbai mumbai news mumbai crime news Crime News