હવે ‘પોલીસ ગૂગલ’થી ગુનેગારોની માહિતી એક ક્લિક પર જ મળી જશે

02 January, 2020 02:55 PM IST  |  Mumbai

હવે ‘પોલીસ ગૂગલ’થી ગુનેગારોની માહિતી એક ક્લિક પર જ મળી જશે

પોલીસ ગૂગલ

મુંબઈ પોલીસ માટે ગૂગલ સર્ચ એન્જિનની જેમ કામ કરતી ઍમ્બીસ (ઑટોમેટેડ મલ્ટિમૉડેલ બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ) હવે ટૂંક સમયમાં રાજ્યભરમાં શરૂ કરાશે. આથી રાજ્યની પોલીસને આરોપી બાબતની માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થવાનું શક્ય બનશે. આવી સિસ્ટમનો ઉપયોગ કરનારું મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય છે.

અગાઉ આંગળીની છાપ પરથી આરોપીની ઓળખ કરાતી. એ માટે પુણે ખાતેના કેન્દ્ર સુધી પોલીસે લાંબા થવું પડતું હતું. સીસીટીવી કૅમેરામાં અંકિત થયેલા ફુટેજથી આરોપીની ઓળખ કરવાનું મુશ્કેલ હતું. જોકે ઍમ્બીસ સિસ્ટમથી આંગળીની છાપની સાથે હાથના તળિયાની છાપ, ચહેરો અથવા ફોટો દ્વારા શંકાસ્પદની, આરોપીની, ગુનેગારની ઓળખ ચપટી વગાડતા થઈ શકે છે. ઍમ્બીસ સિસ્ટમમાં ૧૯૬૦થી ૨૦૧૯ સુધી ધરપકડ કરાયેલા સાડાછ લાખથી વધુ આરોપીની ડિટેલ ડિજિટલ સ્વરૂપમાં સ્ટોર કરાઈ છે. જૂન બાદ ધરપકડ કરાયેલા આરોપીના બબલ, હાથની છાપ પણ અન્ય માહિતી સાથે સંગ્રહ કરાય છે.

એટલું જ નહીં, ફોટા અથવા સીસીટીવીના ફુટેજ પરથી ગુનેગારોની ઓળખ થઈ શકશે, તેની તમામ માહિતી પોલીસને મળી શકશે. મહારાષ્ટ્ર સાઇબરે પહેલ કરીને આ આધુનિક સિસ્ટમ ડેવલપ કરી છે. આ ટેક્નૉલૉજીથી તપાસ અધિકારીના હાથમાં ધૂંધળા સીસીટીવી ફુટેજ, અસ્પષ્ટ ઇમેજ હોય તો પણ એનો ફાયદો થઈ શકશે. દસ મિનિટના સીસીટીવી ફુટેજમાંથી આ સિસ્ટમ આરોપીની અસંખ્ય ફોટા, નાની ફિલ્મના ભાગ તૈયાર કરે છે.

મહારાષ્ટ્ર સાઇબરના ચીફ બ્રિજેશ સિંહે કહ્યું હતું કે ‘બળાત્કાર, હત્યા, લૂંટ અથવા મહિલા સામેના ગંભીર ગુના થયા બાદ આરોપીની ઓળખ થવી મહત્ત્વની હોય છે. એક વાર આરોપીની ઓળખ થઈ ગયા બાદ આગળનું કામ સરળ બની જાય છે. અત્યારે સિસ્ટમની ટ્રાયલ ચાલી રહી છે. આગામી બે મહિનામાં એ રાજ્યભરમાં શરૂ કરાશે. આથી ગુનાની તપાસ જલદી પૂરી કરીને ગુનો સાબિત કરવાના પ્રમાણમાં વધારો થશે. એટલું જ નહીં આ સિસ્ટમ શરૂ કરાયા બાદ પોલીસ પરના કામનું ભારણ પણ ઓછું થશે.’

mumbai news mumbai