મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં સ્ટુડન્ટ્સનો પ્રૉટેસ્ટનો બાઉન્સર

15 January, 2020 07:52 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં સ્ટુડન્ટ્સનો પ્રૉટેસ્ટનો બાઉન્સર

વાનખેડે સ્ટેડિયમના સ્ટૅન્ડમાંથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ.

મુંબઈના વિદ્યાર્થીઓએ વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટના માધ્યમથી નાગરિકતા કાયદા સામે કોઈ પણ શોરબકોર વગર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પચાસેક વિદ્યાર્થીઓએ ગઈ કાલે ચર્ચગેટના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની એક દિવસીય ક્રિકેટ મૅચના દર્શકરૂપે જુદાં-જુદાં સ્ટૅન્ડ્સમાં ગોઠવાઈ ગયા હતા. તેમનાં ટી-શર્ટ્સ પર નાગરિકતા કાયદા, નૅશનલ પોપ્યુલેશન રજિસ્ટર અને નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ સામે વિરોધના સંદેશ લખ્યા હતા. પોલીસે સ્ટેડિયમમાંથી વાંધાજનક પોસ્ટર્સ જપ્ત કર્યાં હતાં.

દરેકના ટી-શર્ટ પર ઇંગ્લિશ આલ્ફાબેટના એક-એક અક્ષર લખ્યા હતા અને તે લોકો હરોળમાં ચોક્કસ સંદેશ વંચાય એ રીતે ઊભા રહેતા હતા. જેમ કે NO CAA, NO NPR, NO NRC.... વાનખેડે સ્ટેડિયમમાં ઉપસ્થિત અન્ય દર્શકે એ વિશિષ્ટ પ્રકારે વિરોધ-પ્રદર્શનની તસવીરો લઈને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર મૂકી હતી.

નાગરિકતા કાયદાના વિરોધમાં યુવાનોને જાગૃત કરવાના ભરપૂર પ્રયત્નો કરતા તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સના પીએચડીના વિદ્યાર્થી ફરહાદ અહમદે જણાવ્યું હતું કે ‘મુંબઈના વિદ્યાર્થીઓએ નાગરિકતા કાયદા સામે વિરોધ તેમના પ્રિય ખેલમાં લઈ જવાનું નક્કી કર્યું હતું. નાગરિકતા કાયદો જે પ્રકારની બંધારણીય કટોકટી ઊભી કરે છે, એ વિશાળ વર્ગ સમક્ષ રજૂ કરવાની જરૂર છે. ભારત અને ઑસ્ટ્રલિયા વચ્ચેની ક્રિકેટ મૅચ એને માટે ઉચિત મંચ છે. ભારતમાં માનવ અધિકારોની કટોકટીથી સમગ્ર વિશ્વને વાકેફ કરવાની જરૂર છે. નાગરિકતા કાયદો ગેરબંધારણીય છે. એ કાયદો નાગરિકોને ધર્મને આધારે પસંદ કરે છે. એવી જ રીતે નૅશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) અને નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી) ગરીબો અને લઘુમતીઓ વિરોધી છે. એ કાયદા ચોક્કસ સમુદાયોને ગેરકાનૂની અને બહારનાં પરિબળો બનાવે છે.’

wankhede mumbai news mumbai pallavi smart