નો એન્ટ્રી: નૅશનલ પાર્કના ઇન્ટર્નલ રોડ પર પ્રાઇવેટ વાહનોને પ્રવેશબંધી

09 December, 2019 08:38 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

નો એન્ટ્રી: નૅશનલ પાર્કના ઇન્ટર્નલ રોડ પર પ્રાઇવેટ વાહનોને પ્રવેશબંધી

ભાંડુપથી કાન્હેરીનો રસ્તો સંજય ગાંધી નૅશનલ પાર્કના મુખ્ય વિસ્તારમાંથી જ પસાર થાય છે.

બોરીવલીના નૅશનલ પાર્કમાં એકાદ અઠવાડિયા પૂર્વે એક રાજકારણીના વાહનની અડફેટે હરણના મૃત્યુના ‘મિડ ડે’ ઇંગ્લિશમાં પ્રગટ થયેલા સમાચારને પગલે જંગલ ખાતાએ નૅશનલ પાર્કના આંતરિક માર્ગો પરથી પ્રાઇવેટ વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂક્યો છે. પાર્કના ભાંડુપ અને કાન્હેરી કેવ્ઝના ગેટ્સ પર આ નવી નોટિસ મૂકવામાં આવી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે જંગલ વિભાગ અને ફરજ પરનાં મુંબઈ મહાનગરપાલિકાનાં વાહનો સિવાય અન્ય વાહનોને આંતરિક માર્ગોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સંજય ગાંધી નૅશનલ પાર્કનાં સૂત્રોએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે ‘કાન્હેરી કેવ્ઝ તેમ જ ભાંડુપ પાસેના ખિંડીપાડા વચ્ચેના વિસ્તારના આંતરિક માર્ગો પર જંગલ ખાતાનાં પૅટ્રોલિંગ કરતાં વાહનોને બાદ કરતાં અન્ય વાહનોને પ્રવેશ પર નિયંત્રણો હોવા છતાં રાજકારણીઓનાં વાહનો મુખ્ય માર્ગોના ટ્રાફિકની સમસ્યા ટાળવા માટે દિવસ-રાત એ રસ્તાઓનો વપરાશ કરતાં હતાં. તેમનાં વાહનોની અવરજવરને કારણે વન્ય જીવનને ખલેલ પડે છે એ હકીકત તેમને સમજાતી નથી. એથી જંગલ ખાતાએ રીતસર નોટિસ બહાર પાડીને ખાનગી વાહનોનો પ્રવેશ બંધ કર્યો છે.’

આ પણ વાંચો : મોદીજી સાંભળો છો, બીએમસીનું કારનામું: 4 ટકા જ નવાં ટૉઇલેટ બન્યાં

ખિંડીપાડા અને કાન્હેરી ગેટ્સ પર ઉદ્યાન નિયામકની સહી સાથે મૂકવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ‘ભાંડુપથી કાન્હેરી કેવ્ઝ તરફનો રસ્તો સંજય ગાંધી નૅશનલ પાર્કના નોટિફાઇડ નૅશનલ પાર્ક (ફૉરેસ્ટ) એરિયામાંથી પસાર થાય છે એથી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ (૧૯૭૨)ની ૩૫મી કલમ હેઠળ જંગલ ખાતાના અધિકારીઓ, નૅશનલ પાર્કના કર્મચારીઓ અને તુલસી તળાવની સારસંભાળ રાખતા મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓને બાદ કરતાં અન્ય વ્યક્તિઓને એ રસ્તાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.’

sanjay gandhi national park mumbai bhandup mumbai news