મુંબઈ: વેલ્ડિંગની ખામીને લીધે તૂટી પડ્યો બ્રિજ?

19 March, 2019 01:20 PM IST  |  | ચેતના યેરુણકર

મુંબઈ: વેલ્ડિંગની ખામીને લીધે તૂટી પડ્યો બ્રિજ?

બ્રિજને તૂટી પડવાનાં કારણોની હજી તપાસ ચાલી રહી છે

ગયા ગુરુવારે તૂટી પડેલા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને સાંકળતા બ્રિજને તૂટી પડવાનાં કારણોની હજી તપાસ ચાલી રહી છે ત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે છ વ્યક્તિનો ભોગ લેનારી બ્રિજની હોનારત માટે બ્રિજના ફ્લોરિંગ નીચેના લોખંડના સળિયાનું જે વેલ્ડિંગ કરવામાં આવ્યું હતું એમાં રહેલી ખામી જવાબદાર હોઈ શકે છે અને ઑડિટરોએ ચકાસણી વખતે આ વેલ્ડિંગ પર ધ્યાન ન આપ્યું હોવાની પણ શક્યતા છે.

BMCના કમિશનર અજોય મેહતા દ્વારા તૈયાર કરવામાં આવેલા બ્રિજ હોનારતના પ્રાથમિક અહેવાલ મુજબ પ્રોફેસર ડી. ડી. દેસાઈની અસોસિએટેડ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સને બેજવાબદાર અને બેદરકારીપૂર્ણ સ્ટ્રક્ચરલ ઑડિટ માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા અને આ બ્રિજનું સમારકામ કરનારી RPS ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ‘યોગ્ય રીતે’ સમારકામ ન કરવા માટે જવાબદાર ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ જુનિયર એન્જિનિયરો, એક રિટાયર્ડ ડેપ્યુટી ચીફ એન્જિનિયર અને એક રિટાયર્ડ ચીફ એન્જિનિયરો સામે ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે બે એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ બ્રિજનું સમારકામ ૨૦૧૬માં કરવામાં આવ્યું હતું ત્યારે આ કૉન્ટ્રૅક્ટરે એના પર કામ કર્યું હતું. તેને પ્રાથમિક તપાસની કક્ષામાંથી બહાર રાખવામાં આવ્યો હતો, પરંતુ વિસ્તૃત તપાસ વખતે તેમની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે.

૨૦૧૩માં ૩૦ વર્ષ જૂના બ્રિજનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવ્યું હતું, પરંતુ એ વખતે બ્રિજના બેઝનું કામ ધ્યાનમાં લેવામાં આવ્યું નહોતું. ત્યાર બાદ સીધું ૨૦૧૬માં બ્રિજનું બ્યુટિફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ જ સમય દરમ્યાન પ્રોફેસર ડી. ડી. દેસાઈની કંપનીને બ્રિજની તપાસનું કામ સોંપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : મુંબઈ: CSMT દુર્ઘટનામાં એક આરોપીની થઈ ધરપકડ

આ કંપનીએ ફક્ત પ્રાથમિક તપાસ કરી હતી અને બ્રિજનું બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થયા બાદ હાથ ધરેલા સ્ટ્રક્ચરલ ઑડિટમાં બ્રિજને ‘ગુડ કન્ડિશન’માં દેખાડવામાં આવ્યો હતો, પરંતુ સાઇડ પર લાગેલા કાટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. હવે આખો બ્રિજ તોડી પાડવામાં આïવ્યો છે અને હવે એના કાટમાળની તપાસ કરીને સ્ટ્રક્ચરલ ચેકિંગ કરવામાં આવશે.

mumbai news chhatrapati shivaji terminus chetna yerunkar